Friday, July 10, 2015

જૂઠ કો જૂઠ કા નામ ન દો, બસ, સત્ય કા સુનહરા ઈક રંગ દે દો..!

આપ તો રિસર્ચનું રજવાડું છો ,મિંયાસાહેબ! હજુ આમાં થોડું ઉમેરી આપો. ટાગોરના ભાષણના આપે શોધીને આ લેખમાં ટાંકેલા અસલ શબ્દોમાં થોડા વધુ ફીટ કરી આપો.અસ્સલ જેવા જ ..હોં !

“કેમ એવી જરૂર પડી ?”

“છેલ્લે પટ્ટીમાં જાહેરખબર આપનારી પાર્ટી પરમ દિ ગુજરી ગઈ. એના છોકરે કીધું કે એમાં એના બેસણાની નોંધ મફત છાપો. મેં કીધું આગલા બિલના સવા બસેં બાકી છે ત્યાં લગી નામ લઇશ મા. સોદો ના પટ્યો. હવે એ જગ્યા તો ભરવી ને ? મને થયું કે પેલા ઉઠી ગયેલા ઉઠીયાણના ઉઠમણાની નોંધ મફત છાપવા કરતા ગાંધીબાપુના બેસણાની નોંધ મતલબ કે એ કાળે ટાગોરબાપુ બોલેલ એના બે વધુ વેણ કેમ ના છાપવા ? લ્યો. એટલે આ તમને કહ્યું.”

પણ બચુભાઇ, ટાગોરના તો બસ આટલા જ સેન્ટન્સીસ છે. મારાથી એમાં ફૂલ પોઇન્ટ પણ ના ઉગાડાય. વાચકોના વિશ્વાસનો ભંગ થાય એવું કદી ના કરાય. એ દ્રોહ કહેવાય, અસત્ય કહેવાય. આપે લીધેલા મારા ઈન્ટરવ્યુમાં ના વાચ્યું? હું અસત્યનો તો હાડોહાડ વિરોધી છું, પ્રાણાંતે પણ સત્યને છોડું નહીં, ના વાંચ્યું ? ના વાંચ્યું?”

બાપુના મૃત્યુ વખતે
ટાગોર બોલ્યા હતા કે.. 
બચુભાઇ બુમરાણીયાને બે વાર “ના વાંચ્યું ?” લમણામાં વાગ્યું. એ યાદ કરવું ના પડે. કેમ ? અરે, એમણે તો મિયાં હઝૂરનો ઈન્ટરવ્યુ એમની સાલગ્રેહના દિવસે પોતાના ચાર દિનીયા અર્ધ સાપ્તાહિકમાં છાપ્યો હતો, જેમાં ઈન્ટરવ્યુના માલ કરતાં બમણી જગ્યા મિયાં હઝૂર સાથેના તંત્રી બચુભાઈના ઘેઘુરવાળવાળા ફોટાને માટે સદુપયોગાઈ હતી. એ જીગરજાન જેવા સંયુક્ત ફોટામાં મિયાંસાહેબનો ચહેરો માથેથી જરા લાઇનદોરીની કપાતમાં ચાલ્યો ગયો હતો. બસ, થોડોક જ વઢાઈ ગયો હતો. (પ્રોસેસરની ગલતી !) જ્યારે બચુભાઈનો ફોટો એક પણ છરકા વગરનો, પણ કપાળ પર ધસી આવેલા ઘેઘૂરબાલ અને ડબલ ડાબલા જેવા સનગ્લાસ સુંદર સિકલની અર્ધા ઉપરાંતની જગ્યાને જમી ગયા હતા. એટલે નીચે ફોટોલાઈનમાં ઓળખાણ દેવા કોઈ મનુષ્યજીવનું મુદ્દામ નામ આપવું જરૂરી બન્યું હતું. નહીં તો ગેરસમજ થવાનો સંભવ હતો. ફોટોગ્રાફ સિવાયની ટેબ્લોઈડ પેજની ડેકોરેટીવ બૉર્ડરને બાદ કરતાં જેટલી જગ્યા વધિયાણ  હતી તેમાંથી  બે તૃતિયાંશ સ્પેસ તો એકલા બચુભાઈના સવાલોએ રોકી હતી, જે ચૌદ પોઈન્ટના બોલ્ડ ટાઇપમાં લીધા હતા. બાકીની જગ્યોમાં,પેરેગ્રાફિક સ્પેસ છોડતા મિયાં હઝૂરના જવાબો માત્ર દસ પોઈન્ટના ફોન્ટમાં લીધા હતા. કુલ જમલે સાડી ચાર સવાલ-જવાબો  હતા. ચાર પર એક અડધો એટલા માટે કહેવાય કે એમાં માત્ર ગણીને એક જ શબ્દ બચુભાઈના મોઢે હતો તે આભાર’, કે જેને મિયાં સાહેબના જવાબ તરીકે પણ કૉપી પેસ્ટ કરવામાં આવ્યો હતો. એ દિવસે વળી ગાંધીનિર્વાણ દિન હતો એટલે સવાલોમાં શ્રેષ્ઠ સવાલ હતો આપ જિંદગીમાં ક્યારેય જૂઠું બોલો છો?’ જેના જવાબમાં મિયાં સાહેબે બેધડક કહ્યું હતું, “ક્યારેય નહીં !” આ જવાબ મોટાભાગના ઘરાકો માટે (બચુભાઈ અર્ધો દિવસ કરિયાણાની દૂકાને બેસતા હતા એટલે વાચકોને બદલે ઘરાકો બોલવાનું વધારે ફાવતું હતું.) એટલો પ્રેરણાદાયી હતો કે એકાદા સવાલ-જવાબને ખેડવીને પણ એને હેડલાઈન તરીકે ઝડપી લેવામાં આવ્યો હતો. અને એ આખા વાક્ય જિંદગીમાં કદી જૂઠ્ઠું બોલતો નથીને સોળ નંબરના ફોન્ટને માટે એલિજીબલ ગણવામાં આવ્યું હતું. હા, સત્યને સોળ નંબરના ફોન્ટથી ઓછું ના ખપે.
ને આજે વળી આ જ બચુભાઈ મિયાંસાહેબને અસત્યનું આચરણ કરવા પ્ર્રેરતા હતા. ગાંધીજીના અવસાનના સમાચાર જાણીને કવિવર ટાગોરે જે શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, તેમાં થોડા શબ્દોના ઇજાફો મતલબ કે ઉમેરો કરી દેવાનું કહેતા હતા !! લાહૌલબિલાકુવ્વત ! અરે, કવિવર હયાત હોત તો એમને પોતાને તો એમની સગી થાય એવી શર્મિલા ટાગોરના છેડા અડાડીને એ માટે પલાળી શકાત, પણ હવે જ્યારે એઓ દિવંગત છે ત્યારે તો આપણે લા-ઈલાજ જ ને?

બચુભાઈ નિરાશ થયા, પણ ખોટા નિરાશ  થયા કહેવાય. જેઓ કદી જૂઠું બોલતા નથી એવા બિચારા ડૉ મિયાં હઝુરને એમણે અસત્યનું આચરણ કરવાનું ના કહેવું  જોઇએ. મિયાં હઝુરે ખૂબ મહેનતને અંતે સંશોધી કાઢેલા એ વખતના કવિવર ટાગોરના જેટલા વાક્યો પોતાના લેખમાં ટાંક્યા હતા એટલા શબ્દોથી એમણે રોડવી  લેવું જોઇએ. કેવા સરસ શબ્દોથી ટાગોરે ગાંધીજીના અવસાન પર પ્રતિક્રિયા આપી હતી! એમણે તો મૃત્યુના વિશાળ પાત્રમાં પોતાનું પ્રાયશ્ચિત આપણી સામે ધરી દીધું છે. અને.....”
પણ પ્રેસમાં આ મેટરની જેવી ડેટા એન્ટ્રી થઈ કે તરત ઉપતંત્રી-કમ- હેડ પીઓન બંગાળીબાબુ શંભુ સત્સંગી બચુભાઈ પાસે દોડતા આવ્યા,”‘અરે,અરે, વ્હાટ ઇઝ ધીસ ?  મેં ટાગોર મોશાયનું ઘણું બધું વાચ્યું છે, બોચુભાઈ. મને બધી ખબર છે. અરે એમણે તો ગાંધીજી સાથેની મુલાકાત વખતે એમને એક ભોજન પણ સંભળાવેલું તેની પણ મને ..

ભૂલ સુધારો, શંભુજી.  બચુભાઇ ધુંધવાયેલા તો હતા જ, પણ હવે ચિડાયા, તમને હજુ ગુજરાતી નથી આવડ્યું. ભોજન સંભળાવ્યું ના કહેવાય, ભોજન કરાવ્યું એમ કહેવાય. એ ભોજનમાં તળેલી પુરીઓ હતી તે બી મને ખબર છે. ગાંધીજી ગરમ, ના ગરમ નહીં, ગાંધી ગરમ ના થાય, ગંભીર થઈ ગયેલા. કહે, તેલ ધીમું ઝેર છે. ના ખવાય. એનાથી દૂર રહો. તો ટાગોર કહે, હશે,પણ એ ધીમું ઝેર હું તો પચાસ વર્ષથી પેટમાં ઓરું છું પણ, જુઓ ને આ લાલ બુંદ જેવો છું અને તમે...

શંભુબાબુ આકળા થઈ ગયા. બોસને ગાળ પ્રગટપણે તો ના આપી શક્યા પણ વિકલ્પે જે કાંઈ કરી શકાતું હતું તે કરી લીધું અને એટલેથી ટાઢક પામ્યા. બોલ્યા : હું એ ભોજન નહીં, ભોજનની વાત કરું, ભોજન..ભોજન...ભોજન...ડીવોશનલ સોંગ ! ભોજન....

ઓહ, મટલબ કે ભજન, ભજન. બચુભાઈ ટાઢા પડ્યા, પણ શંભુબાબુ એમાં ઉચ્ચાર કેમ સાવ ખોટો કરો છો? મોઢામાં સોપારી મૂકી છે ? નીકળી જવાની બીક લાગે છે ? એટલે સાચવીને બોલો છો ?’
બિચારા શંભુબાબુ ધોતીયાનો છેડો કફનીના ખિસ્સામાં ભરાવીને પોતાના ડેસ્ક ભણી ધસી ગયા.
પણ સવારે જ્યાં વાચકગણના અભિનંદનોની વર્ષા થવાની હતી ત્યાં તો તડાફડી શરુ થઈ. મિયાં હઝૂરને પી એચ ડીની ડિગ્રી કોણે આપી? એની ડિગ્રી ચેક કરો. એની કોલમની દુકાનને કાયમી તાળાં મારો.  આવા એક નહીં, અનેક ફોન આવ્યા, જેમાં કાનમાંથી કીડા ખરે જેવા પણ વેણ હતા, જે અધ્યાહારમાં સાંભળી શકાતા હતા,
“કેમ, કેમ વાચક રાજ્જાઓ અને રાણીઓ, કેમ એમ બોલો છો ?’

અરે, શું હાંકે રાખે છે તમારો મિયાં હઝૂર ? લખનારો તો મૂરખ, પણ તમે છાપનારા તો એના ય ગબ્બર? શું વાચકોને પ્ણ મૂરખ સમજો છો ?’
“ અરે હોય કાંઈ? ઘરાકગણ તો અમારા આંખ માથા ઉપર !”
અરે, ટાગોર તો ગયા 1941 ની સાલમાં ને ગાંધીજી તો એ પછી સાત વર્ષે 1948 માં ગયા. તો પૂછો તમારા વિદ્વાન લેખક મિયાં હઝૂરને કે ટાગોરે ગાંધીજીના અવસાન વખતે પ્રતિક્રિયા  કેવી રીતે આપી ? ચિતાની રાખમાંથી ઉભા થઈને આપી ?અને ધારી લો કે તમારા  લેખકને બન્નેના અવસાનની સાલની ખબર નથી માની લીધું, ચલો. અજ્ઞાન માફ છે, પણ એ કારીગરે ટાગોરની પ્રતિક્રિયાના શબ્દો ક્યાંથી કાઢ્યા ?હળાહળ જૂઠ્ઠો !
બાપુના સ્વર્ગપ્રવેશ વેળાએ
ટાગોરનું સ્વાગત પ્રવચન
બચુભાઈ બુમરાણીયાને જ્યારે કાનમાં આવી બુમરાણોએ હાહાકાર મચાવ્યો ત્યારે એ દોડાદોડ મિયાં હઝૂરને ત્યાં પહોંચી ગયા, તો મિયાં ફોન અને મોબાઇલ બન્નેની સ્વિચ ઓફ કરીને નિરાંતે ટીવી જોતા હતા. બચુભાઈને જોતાવેંત બોલ્યા: લાગે છે મારે હવે ડોરબેલને પણ ઓફ–ઓન કરવાની સ્વિચ રાખવી પડશે.’.

આ તો મારું અપમાન થાય છે, હો ! એક તો જૂઠ્ઠું બોલો છો, જૂઠ્ઠું લખો છો, મને સાલવી દો છો, ઘરાકોની પસ્તાળ પડે છે તો મારા પર પડે છે ,.. બચુભાઈએ માંડ સંયમ રાખીને દાંત ભીંસવા પર કાબૂ રાખ્યો: ને તોય તમારા પેટનું પાણીય હલતું નથી. !
શા માટે હલે ?’ મિયાં હઝૂર બોલ્યા: મારા ઈન્ટરવ્યુનું મારું વાક્ય ભૂલી ગયા ? મેં કહેલું કે હું જીંદગીમાં કદી જૂઠું બોલતો નથી. તમે નથી વાંચ્યું ? નથી વાંચ્યું ? શું હું કદી જુઠ બોલું ?’
પણ આ જૂઠ નહીં તો શું જૂઠનો બાપ ? આ ટાગોરમોશાયે ગાંધીબાપુ ગુજરી ગયા ત્યારે આપેલી પ્રતિક્રિયાના બનાવટી શબ્દો તમારું પોતાનું જુઠ્ઠાણું નહીં તો શું છે ? સતની ધજા ?’
એમ જ ! સતની ધજા જ વળી. ટાઢા કોઠે મિયાં હઝૂર બોલ્યા અને જોરથી ઓડકાર ખાધો.
એટલે ?મારે ઘરાકોને શું જવાબ દેવો ?’ બચુભાઇ તપી ગયા : એમ કહેવું કે પ્રતિક્રિયા આપવા પૃથ્વી પર ટાગોરનુ પ્રેત આવ્યું હતું ? એમ કરું તો તો મારું છાપું રોજ દસ કિલો ખપે છે એ પોણા કિલોએ આવીને ઉભું રહે. મારે રોટલા કેમ કાઢવા ?’
દિવસના બે ટાઈમ જમતા હો તો એક ટાઇમ ને તે પણ ઊણું જમવું, પણ સાચું જ કહેવાનું. તમારા છાપાનો મુદ્રાલેખ શું છે ?’

હતો ખરો કાંઈક. સત્ય પર હતું કાંઈક. જેન્‍તિભૈ, જેન્‍તિભૈ જેવું કાંઇક હતું ખરું,‘
“ફાઈન. મુદ્રાલેખને મારો ગોલી. આપણે એટલું રાખો કે ખોટું કાંઈ લખવાનું જ નહીં, અને વખત છે ને આવી જ જાય તો એને સાચું પાડ્યે પાર કરવો. આપણે સત્યને વરેલા છીએ. એમાંય આજ તો ગાંધીહત્યા, સોરી, ગાંધી નિર્વાણદિન. આજ તો બગાસુંય ખોટું ના ખવાય. અરે. કોઈને એક અપશબ્દ કહો એ અપશબ્દમાં પણ સત્યનું બલ પૂરવું પડે.
એમ ?’ બચુભાઇ ચોંકી ગયા. અપશબ્દમાં બી ? એ કઇ રીતે ?’
એ પુરુષાર્થ અને પ્રારબ્ધનો મામલો છે. તમારા માટે અત્યારે એનું ચોઘડિયું નથી.
ઠીક, પણ મારે કાલે સવારે ઉઘડતે પાને ખુલાસો શું છાપવો એ કહો ને? આ ટાગોર અને ગાંધી બેયે ભેળા મળીને મારાં તો લોહીડાં પીધાં ને તમે એને સ્ટ્રો આપી. અરે,પણ હવે તમે એ લોકની સ્ટ્રો છોડાવો. 
  
મૂંઝાઓ મા, બચુમહાશય! હું તમને કહું એમ લખી નાખો. લખી નાખો કે મિયાં હઝૂર પોતે પરાવિજ્ઞાનના  અઠંગ સાધક છે. લોક-પરલોકની માહિતીની ઉપલબ્ધિ એમને માટે સહજ છે. ગુરુદેવ ટાગોરની પ્રસ્તુત પ્રતિક્રિયા એ પણ આ સાધનાનું જ પરિણામ છે. લેખમાં ટાંકેલાં ટાગોરનાં વાક્યો એ ગાંધીજીની એમણે આપેલી મરણાંજલિ નથી, પણ ગાંધીજીના સ્વર્ગપ્રવેશ વેળા ગુરુદેવ ટાગોરે આપેલા સ્વાગતપ્રવચનનો એક નાનકડો અંશ માત્ર છે. લેખકે એ પોતાની આત્મિક શક્તિથી શૂન્યમાંથી  સારવેલો  છે. એ સર્વથા સત્ય છે. અને લખજો કે સંશયાત્મા વિનશ્યતિ.

એટલે ?’
એટલે કે એમાં જેને શંકા હોય એ પડે ઊંડી ખાડમાં ! ને એમાં ના પડવું હોય અને સુખેથી જીવવું હોય એવા વાચકો એને કવિકલ્પના ગણીને . .
“કપિકલ્પના? એ વળી શું ?”

કપિ નહીં, બચુભાઈ. કવિ, કવિ! પણ સારનો સાર એ કે તમારે ઉઘડતા પાને છાપવું કે અમારા લેખક મિયાં હઝૂર જિંદગી ધરીને કદી અસત્ય બોલ્યા નથી, ને એ બોલે તે અસત્ય વચન હોય તો પણ અંતે સાચું થઈને રહે. પછી જરી અકળાઈને બોલ્યા: મેં મારા ઈન્ટરવ્યુમાં નથી કહ્યું કે હું જિંદગીમાં કદી જૂઠું બોલતો નથી? તમે તો એની હેડ લાઈન બનાવેલી. ભૂલી ગયા ? ભૂલી ગયા ? ભૂલી ગયા ?’
બચુભાઈએ માથે હાથ દીધો. અરે, હવે તો એ પોતાનું નામ અને કાર્યાલયનો રસ્તો સુધ્ધાં ભૂલી જવાની અણી પર હતા ! વાહન લઈને આવ્યા હતા કે પગે ચાલતા એ પણ સ્મરણે ચડતું નહોતું. એક જ વાત યાદ રહી ગઈ હતી કે મિયાં હઝૂર કદાપિ જૂઠું બોલતા નથી, જૂઠું બોલતા નથી, કદાપિ જૂઠું બોલતા નથી. કદાપિ....

(નોંધ: તસવીરો નેટ પરથી) 

2 comments:

  1. ઉત્કંઠાJuly 25, 2015 at 9:54 PM

    અદભૂત!! સત્ય તો સોળના ફોન્ટમાં જ હોય !! :) ખૂબ જ સરસ.. જૂઠ ઉપરની સાચી વાત...

    ReplyDelete