Sunday, January 22, 2012

ઉંધો ચહેરો


                                      
        કાચના ટેબલટોપ ઉપર પ્રતિબિંબ ઊપસ્યું. એક ઊંધો ચહેરો દેખાયો.
        મેં ઊંચે જોયું અને કહ્યું : આવો.
        એણે સ્મિત કર્યું અને અંદર આવ્યો. ચીંધેલી ખુરશીમાં ગોઠવાયો અને પછી તદ્દન સ્વાભાવિક ઢબે એણે પોતાનો પરિચય આપ્યો, અને વાંચવા માટે કાગળ ધરી રાખ્યો.
        એણે ઉચ્ચારેલાં લાંબા પરિચયાત્મક વાક્યો સાથે મારે કશો જ સંબંધ ન હોય એમ અજાણી નજરે મેં એની સામે કેટલીક વાર જોયા કર્યું; કારણ કે હું પ્રેમ પાટિલના વિચારોમાં ગળાડૂબ હતો. મારી અને એની વચ્ચે કેટલીય ક્ષણો સુધી કશું શબ્દસંધાન ન થયું તેથી એ અકળાયો હોય કે ગમે તેમ, કે પછી એની પદ્ધતિ જ હોય, એણે તરત જ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. મેં તેના પર નજરનો ઘસરકો ફેરવી પેપર-વેઇટ નીચે મૂકી દીધું , કહ્યું: બોલો.
એણે તરત પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું. 
        આ એક શબ્દને કારણે ચેમ્બરના વાતાવરણમાં ચેતન આવ્યું હોય એમ જણાયું. એની મરતી જતી ક્ષણોને મેં જીવતદાન આપ્યું. એ જરા આભારવશ થયો હોય એવું મેં એના ધરી રાખેલા ચહેરા ઉપર વાંચ્યું. હવે પ્રવૃત્ત થવું જોઈએ એમ એને સમજાયું કે તરત જ સાથે લાવેલ નાનકડી એટેચી ઉઘાડીને એમાંથી એને જોઈતી કશીક સામગ્રી ખોળવા લાગ્યો. એમાં એક-બે ક્ષણો વીતી ગઈ અને એના પ્રત્યેની મારી ઉદાસીનતા એકદમ ટોચ ઉપર પહોંચી ગઈ. ફરી ધોધની જેમ ફૂટી પડતા પ્રેમ પાટિલના વિચારોમાં હું ઊંડો ઊતરી ગયો. થોડી જ વાર પહેલાં અરુણનો કર્કશ ફોન આવ્યો હતો કે પ્રેમ પાટિલને ફલાણી-ફલાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હવે કદાચ એમના જીવનના છેલ્લા શ્વાસ ગણાય છે. બનવાજોગ છે કે આજ રાતના ટી વી સમાચારમાં આપણે એ મહાન સંગીતકારના અવસાનના સમાચાર પણ....
ટેલિફોનનો અવાજ અપાર્થિવ હોવા ઉપરાંત ક્યારેક અમાનુષી પણ બની જાય છે તેમ તે ક્ષણે મને બરાબર સમજાયું હતું. પછી સામેથી ફોન મુકાઈ ગયો હતો અને ત્યાં તો દિલ્હીથી કોલ આવ્યો હતો. હું તરત જ એમાંથી આવતો મેસેજ ટપકાવવા માંડ્યો હતો. મેસેજ ટપકાવાઈ ગયો અને હું જેવો મુક્ત થયો કે તરત જ પ્રેમ પાટિલની ગાયેલી એક ચીજ મનના એક ખૂણામાં બળજબરીથી વાગવા માંડી; અને એકસામટાં અનેક કાળાં વાદળોના ઘટાટોપની જેમ મનમાં વેદના ગોરંભાઈ ગઈ, અને મનમાં તરફડાટ શરૂ થઈ ગયો – અહીંથી નાસી છૂટીને હૉસ્પિટલમાં પહોંચી જવા માટેનો તરફડાટ.
        જુઓ સાહેબ!,” ઊંધુ મોં બોલ્યું. મેં ઝબકીને ઊંચે જોયું અને
સાંભળ્યું : આપણે આવા મલ્ટીપર્પઝ વાલ્વ બનાવીએ છીએ. જો કે પિક્ચર્સ ઉપરથી આપને લાગશે કે બીજી કંપનીના વાલ્વ જેવા જ આ વાલ્વ છે. હકીકતમાં આપણા વાલ્વની એ ખૂબી છે કે.........
"હકીકતમાં આપણા વાલ્વની ખૂબી એ છે કે.. "
        વાલ્વની કશીક ખૂબીઓ એ સમજાવવા માંડ્યો. એ એટલી તન્મયતાપૂર્વક બોલતો હતો કે મારે એમાં ખેંચાવું જ પડ્યું. ખરેખર એના વાલ્વની કેટલીક ખૂબીઓ પણ હતી. જેમ કે, પાણી ખેંચવાની સાથે એ વેક્યુમ પણ પેદા કરતા હતા. ઇટ્સ અ નોવેલ આઇડિયા ઇન્ડીડ મેં કહ્યું અને રસથી ચિત્રો જોવા માંડ્યો.
        એકદમ એ ખુરશીમાંથી – આ વાક્યની રાહ જોઈને જ બેઠો હોય એમ – અર્ધો ઊભો થઈ ગયો અને ચિત્રો ઉપર આંગળી મૂકીને એની કેટલીક બારીકાઈ સમજાવવા માંડ્યો.
        પણ આટલો રસ બતાવવા છતાં, કોણ જાણે શા માટે, એ માણસ બોલતાં બોલતાં અટકી ગયો : આપને, સાહેબ, હું ડિસ્ટર્બ તો નથી કરતો ને ?”
        નહિ, નહિ. મેં ચમકીને કહ્યું : મેં તમને ક્યારે કહ્યું કે હું ડિસ્ટર્બ થાઉં છું ?”
        કોણ જાણે. કશુંક ક્યાંકથી ગંધાતું હોય એવું મોં એણે કર્યું : મને અચાનક જ એમ લાગ્યું.
        મેં ચહેરા ઉપર જરા નવાઈ બતાવી. સંતોષકારક જવાબ મળી ગયો હોય એમ, તો તો ઠીક, બોલીને એ ખુરશીમાં બરાબર બેઠો અને કહ્યું :“નહિતર આપણું તો એવું કે સામા માણસનો મૂડ હોય તો જ વાત કરીએ. નકામી સોનાની જાળ પાણીમાં શિદ નાખવી ? કેમ ? કેટલીક વાર.....
        બરાબર. મેં ઝડપથી કહ્યું. હું ખરેખર કંટાળતો હતો હવે. એનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ અચાનક મારું બરાબર આવી પડવાથી તે જરા ગૂંચવાયો અને અટક્યો.
        પણ પછી વળતી જ પળે ઠેસ આવી ગઈ હોય એમ ખસિયાણું હસીને બોલ્યો : ધંધામાં તો આપણો સિદ્ધાંત પહેલેથી જ એવો કે સામા માણસની રૂખ જોયા પછી જ આપણી વાત મૂકવી. નહિતર થાય શું કે આપણી વાત સાત સવળી હોય તોય અવળું પડી જાય. અને એથી ઊલટું સામેનો આસામી જો લહેરમાં હોય તો આપણી ગમ્મે એવી અવળી વાત.....
        સવળી પડી જાય. મેં ઝડપથી કહ્યું. હું અંદરથી ફરી ગભરાવા માંડ્યો હતો – જે કંઈ માંડ દાબી રાખ્યું હતું એનાથી.
        આપણે જલદી વાલ્વની વાત કરીએ. મેં ફરીથી કહ્યું.
        પણ તમને અનુકૂળ હોય તો જ, હો. નહિંતર વળી ફરી વાર આવીશ .
        અત્યારે મને અનુકૂળ છે. તમે તમારો.....
        સોદો પ્રેમનો છે. તમને એમ ન થવું જોઈએ કે..... – એકાએક મારો એની સાથેનો તંતુ તૂટી ગયો. હું અને તે જાણે સામસામા છેડે લટકી રહ્યા. પ્રેમ પાટિલની કોઈ ચીજ, કોઈ અત્યંત ગમેલી રચના બળપૂર્વક મનમાં ગુંજી રહી. અને એ સાથે જ હૉસ્પિટલની બહાર સમાચારની રાહ જોઈને ઊભેલા એના પ્રશંસકોના ટોળામાં હું અરુણની સાથે જાણે કે ઊભો રહી ગયો : બિલકુલ લોહી ઉડી ગયેલા, નિસ્તેજ અને થાકેલા ચહેરે. કોઈ સાથે કોઈ કશું બોલતું નહોતું. ગમગીન સાંજનો ભારેખમ સમય હતો  અને આસપાસ આશંકાવાળી ઇન્તેજારીનું જામી ગયેલું વાતાવરણ હતું.
"મારા બીગ બૉસ આવવાના છે. છતાં પ્રયત્ન... "
        અચાનક ફોનની ઘંટડી રણકી ઊઠી. અરુણ હતો : પ્રેમ પાટિલને વેન્ટીલેટર પર રાખ્યા છે. ડૉકટરો કહે છે કે હજુ બે કલાક કાઢી નાખે તો કંઇક આશા બંધાય. તું આવે છે ને ?”
        મારા બિગ બોસ આવવાના છે, અરૂણ. છતાં પ્રયત્ન તો.... શું કહું ? હું બોલતાં બોલતાં એકદમ આર્દ્ર બની ગયો : એમ થાય છે કે હમણાં જ ત્યાં પહોંચી જાઉ. પણ બિગ બોસ આવવાના છે અને એક પાર્ટી પણ મારી સામે બેઠેલી છે. છતાં સાડા છએ તો આવવાની ટ્રાય કરીશ જ.
        ફોન મૂકી દીધો કે તરત જ એણે પૂછ્યું : કોનો ફોન હતો, સાહેબ ? કોઈ બીમાર છે ?”
        હા.
        કોણ ?”
        પ્રેમ પાટિલ. મેં કહ્યું : ઓળખો ને ?”
            એના ચહેરા ઉપર કરચલીઓ પડી. થોડી વાર સુધી ઝીણી આંખ કર્યા પછી એ બોલ્યો :
            “પ્રેમભાઈ પાટિલ ? યાદ નથી આવતું......કોણ છે ?”
        દરદી છે. મેં માંડ ઉત્તેજના દબાવી: તમે તમારે વાલ્વની વાત કરો. ઈન્ટરેસ્ટિંગ છે.
        મશ્કરી તો નથી કરતા ને સાહેબ ?” એ જરા ઝંખવાયો : આપણે કંઇ એવું નથી કે આજે ને આજે જ વાત કરવી.
        નહિ, નહિ. મેં ઠાવકાઇથી – સ્વસ્થતાથી કહ્યું : સાચું કહું છું. મને રસ પડે છે વાલ્વની વાતમાં. પડે જ ને ! આજે અગિયાર વરસથી આ ખુરશીમાં છું.
        તો તો પછી સવાલ જ ક્યાં છે ?” એણે ઝડપથી કેટલોગમાં એક પાનું ખોલીને કહ્યું : આ આઈટેમ જોઈ, સાહેબ ? તમે જે પેલી આઈટેમ જોઈ તેના કરતાં આની થિકનેસ વધારે છે અને એના ફંકશનમાં પણ ફેર પડી જાય. તમને હું પેલા કરતાં આની સલાહ વધારે આપું. મોઢે માંગીને ભાવ પાંચ ટકા વધારે લઈએ, પણ માલમાં અપીલ ન મળે, શું સમજ્યા ?”
        પ્રેમ પાટિલની કટોકટીના બે કલાકમાંથી કેટલી મિનિટો ગઈ ? મેં આગંતુકના માથા ઉપર ઝળુંબતી ઘડિયાળ સામે જોયું. દસ જ મિનિટ! કદાચ એ દરમ્યાન ત્યાં હૉસ્પિટલમાં કશુંક બની ગયું હોય અથવા ન પણ બન્યું હોય. બધું જ યથાવત હોય. એ સફેદ ચાદરવાળો પલંગ, લોહીનો અને સેલાઇનનો એ બાટલો,વેન્ટીલેટર, પ્રેમ પાટિલનું એ શાંત, નિશ્ચલ, નિદ્રાધીન મોં ! જોનારને કેટલાંયે ગીતો ગાઈ ચૂકેલા બે હોઠની મક્કમ મોં-ફાડમાંથી એનું જાણીતું,મધુરું  કોઈક ગીત અત્યારે પણ ફૂટતું લાગે, એ ગીત વહેતું વહેતું હોસ્પિટલની એ રૂમમાં, કોરીડોરમાં, પોર્ચમાં, બહાર, બધે જ ફરી વળે, અને એના ખબરની રાહ જોતા બહાર ઊભેલા સૌને એના સૂરના પૂરમાં ડુબાડી દે.... પછી કશા જ ખબર સાંભળવાપણું ન રહે, સાંભળવાનું માત્ર ગીત – ગીત જ.... અને ડૂબી જવાનું !
"સેલાઇનનો એ બાટલો , વેન્ટિલેટર.. " 
        સાવધ થઈને – માથું ધુણાવીને એના ગીતને છંટકોરી નાખવાનો મેં પ્રયત્ન કર્યો કે તરત જ એણે મને પૂછ્યું : તબિયત તો સાહેબ, આપની જ બરાબર નથી લાગતી.
        નહિ, બરાબર જ છે. તમે તમારે તમારી વાત ચાલુ રાખો.
        બસ, વાત તો આટલી જ હતી. હવે આપને પૂછવાનું એટલું કે આપની કંપનીને આમાં રસ ખરો ? આપણે ગેરવાજબી માગણી ક્યારેય કોઈની આગળ કરતા નથી, પણ એટલું તો નક્કી કે કમસે કમ બે-ત્રણ લાખનો ઓર્ડર હોય તો જ અમને આમાં માર્જિન રહે.
        વાલ્વ વિશે તમે મને જે વિગતથી સમજણ આપી તે મને તમારા લેટરપેડ ઉપર ટાઈપ કરાવીને આપી શકો ખરા ?”
        આજ્ઞાંક્તિ વિદ્યાર્થીની જેમ માથું ધુણાવી એ બોલ્યો : કેમ નહિ ? ટેકનિકલ ફિલ્ડમાં તો આપણું નામ છે. વળી, એમાં તો ભલભલાએ આપણને દાદ દેવી પડે, સાહેબ; એટલે તો આપણું આટલું સર્કલ છે. આ તો ઓળખાણનું દબાણ લાવવામાં આપણે માનતા નથી; નહિ તો આપ કહો તેની ચિઠ્ઠી લાવી દઉં. કોઈ પણની સાથે ગમે તે રીતે ક્યાંક તો આપણા છેડા અડતા જ હોય. આપ કહો છો તે પ્રેમભાઈ પાટિલનીય ચિઠ્ઠી આપણે ગમે તે રીતે લાવી શકીએ, શું ?”
        હું ચમકી ગયો. મેં જોયું કે આ વાત ઉપર તદ્દન નિચોવાઈ જવાના ઝનૂનથી એ બોલતો હતો.
        ફરી ફોનની ઘંટડી વાગી અને મેં રિસિવર ઉપાડ્યું : પ્રેમ પાટિલની કંડીશન ક્રીટિકલ થતી જાય છે, પણ ડોકટરોએ આશા મૂકી નથી. બીજા એક દરદી માટે ફોરેનથી મંગાવેલાં ઇજેકશનો આવવાની તૈયારીમાં છે. કહે છે કે એ જો આવી જાય તો એમાંથી એકાદ પ્રેમ પાટિલને માટે એ લોકો આપશે. તો વળી કંઈક આશા વધુ... પણ તું હવે ત્યાં કેટલીક વાર ઓફિસમાં રોકાઈ રહીશ ? ગમે એમ કરીને નીકળી આવ ને ?”
        મેં ફરીથી પેલાની ઉપર ઝળુંબી રહેલી ઘડિયાળ સામે જોયું. આ ચેમ્બરમાં એ એક ત્રીજી વ્યક્તિ જેવું લાગતું હતું – ત્રાહિત. મર્યા પછી સ્નાયુઓમાં આવે એવી અક્કડતા હું ખુરશીમાં બેઠા બેઠા અનુભવી રહ્યો. એ મારી સામે વિમાસણથી જોઈ રહ્યો.
        થોડીવાર પહેલાં એની આંખોમાં દેખાતો ધંધાનો ઉન્માદ અત્યારે દેખાતો નહોતો.
        એણે આશંકાથી પૂછ્યું : બહુ માંદા છે એ ભાઈ ?”
        મેં માત્ર આંખોથી જ હા પાડી.
       પણ એ ભાઇ છે કોણ, એની તો આપે વાત જ કરી નહિ.
            “આર્ટિસ્ટ છે.
         આર્ટિસ્ટ ?”
         હા, કેમ ?”
         ફોટા બનાવે છે ?”
          ના.
          તો ?”
            તમે એમ કરો. મેં ઉબાઇને કહ્યું : લેટરપેડ ઉપર તમે જે વાલ્વની વાત કરી, તેનો ટેકનિકલ ડેટા લખી આપો. આખું કેટલોગ આપવાની જરૂર નથી.
        તમે વાત કાપો છો મારા સાહેબ !” એણે લુચ્ચું હસીને કહ્યું : આપણે બધું જ સમજીએ છીએ, હો ! વીસ વરસથી આ ધંધામાં છું.
        તમે સમજતા નથી કશું જ. મેં જરા ખિજવાઈને કહ્યું : “મને પણ વાલ્વની વાત કરવામાં નશો આવે છે. અગિયાર વરસથી આ જગ્યાએ બેઠો છું.
        એ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો : “પણ સાહેબ, તો પછી તમે એ ભાઈની ચિંતા થોડી વાર ઈશ્વર પર છોડી દો. તો શું કે આપણે એક વાત નક્કી થઈ જાય.
        સાચી વાત છે. મારા મનમાં પ્રેમ પાટીલની બેડ ચિતરાઇ ગઇ. યેસ,એક વાત નક્કી થઈ જ જવી જોઈએ. મેં કહ્યું. ફરી એના કેટલોગમાં માથું ખૂંપાવ્યું. ખરેખર વાલ્વની બહુ જ બારીક વિગતો આપી હતી. વર્ણન પ્રમાણે જો આ માણસ વાલ્વ બનાવતો હોય તો.... ખરેખર સારું કહેવાય. દીર્ઘદૃષ્ટિ વાપરી હતી એણે.
        પણ અચાનક વિચારધારા લુપ્ત થઈ ગઈ, સમજ લુપ્ત થઈ ગઈ અને દૃષ્ટિ લુપ્ત થઈ ગઈ. એ ક્ષણની મારી સભાનતામાં પૂરની જેમ પ્રેમ પાટિલનો સ્વર ફરી વળ્યો. કાગળ પર છપાયેલા અક્ષરોની ઓળખ ભૂંસાઈ ગઈ. મેં મરણિયો પ્રયત્ન કર્યો એમાંથી છૂટવાનો, પણ પરસ્પર વાતચીતના સેતુના પથરા પણ તણાઈ ગયા. કશી વાતચીતને નહિ પકડી રાખું તો મનમાં કૂટતા અને વહેતા સ્વરને હું દબાવી નહિ શકું એમ મને લાગ્યું. આ માણસ જો મારી સાથે વાતચીત નહિ કરે તો કદાચ ચીસ પાડીને હું એને ગેટ આઉટ કહી બેસીશ એવી લાગણી મને થઈ આવી.
        ત્યાં જ ઘંટડી વાગી. રિસિવર ઉપાડીને મેં લાગલું જ પૂછ્યું : “હવે કેમ છે, અરુણ ?”
        પ્લેન ત્રણ કલાક મોડું છે – ઇજેક્શન નહિ આવી શકે. હવે તો..... એનો અવાજ જરા દબાયો : કંઈ કહેવાય નહિ.
"સાડા છએ તો હું અહીંથી નીકળું જ છું.. " 
        મારા બિગ બોસ આવે કે ન આવે. મેં કહ્યું : સાડા છએ તો હું અહીંથી નીકળું જ છું. સીધો ટેક્ષી પકડીને આવી પહોંચીશ.
        અંદર કોઈને જવા દેતા નથી. તું આવીશ તો બીજાની જેમ કંપાઉન્ડમાં ઊભા રહીશું.      
        ફોન મૂકીને મેં પેલાની સામે જોયું. એણે કેટલોગ બંધ કર્યું હતું અને હાર સ્વીકારી હોય તેમ ચહેરા ઉપર સમાધાનના ભાવો ધારણ કરીને બેઠો હતો.
        પણ આ પ્રેમભાઈ પાટિલ...
       પ્રેમ પાટિલ.
        પ્રેમ પાટિલ,  એ કોણ ? તમારા સગા થાય છે ?
        ના.
       સંબંધી ?
       દોસ્તાર ?”
        ના.
        પણ..... એના ચહેરા ઉપર ગુંચવાડો તરવરી આવ્યો : તો પછી આટલી બધી ચિંતા તમે શેની કરો છો સાહેબ ? વ્હાય ? એ અટક્યો. અને પછી એકાએક કંઈક સૂઝી આવ્યું હોય એમ એ બોલ્યો : તમારા ધર્મના કોઈ મહંત કે એવું કંઈ છે ?”
        ના, કહ્યું ને, આર્ટિસ્ટ છે.  
        આર્ટિસ્ટ મતલબ?”
        તમેય ખરા છો. મેં જરા ઉશ્કેરાઈને કહ્યું : જબરજસ્ત સંગીતકાર અને ગાયક છે. દુનિયા આખી ઓળખે છે. એક તમે જ.....
        માફી માગતો હોય એમ વાંકો ચહેરો કર્યો એણે : એમાં તો સાહેબ એવું ને, કે આપણી લાઈન નહિ એટલે શી ખબર પડે ? બાકી..રસ તો આપણનેય સંગીતમાં એટલો જ .. એના ચહેરા ઉપર ચમક આવી : “મારો સનેય મોટો સંગીતકાર છે, હો !”
       એમ ?”
        ત્યારે ? નવમું ભણે છે, પણ આખી સ્કૂલમાં ગાવામાં પહેલો નંબર લાવ્યો આ વખતે. પેટી ઉપરેય હાથ સારો બેસી ગયો છે. ગરબીમાં કાયમ એના ભાવ બોલાય.તમે બે ઘડી કુમાર સાનુનેય ભૂલી જાઓ.
        એમ કરો, ગાંડા માણસની જેમ હું બોલી ગયો : વાલ્વ અંગે કંઇક વાત કરો.
        એ ખસિયાણો પડી ગયો. કટાણું મોં કરીને કેટલોગ બંધ કરીને એટેચીમાં મૂક્યું : એમ કરો સાહેબ, હું કાલે આવીશ. હવે આજે નહિ મજા આવે, શું ?”
        એ ઊભો થયો અને છેલ્લાં કશાંક બે-ચાર વાક્યો બોલ્યો અને પછી મંદિરમાંથી બહાર નીકળતો હોય એમ લગભગ પાછલા પગે બહાર નીકળી ગયો.
હોસ્પીટલના કમ્પાઉન્ડમાં વળેલું ટોળું 
        ટેબલ-ટોપ ઉપર હવે ઊંધો ચહેરો દેખાતો બંધ થયો. માત્ર ઘડિયાળ અદ્ધર ઝળુંબી રહ્યું.
        પેપરવેઈટ નીચે વિઝિટિંગ કાર્ડ દબાયેલું પડ્યું હતું. ચેમ્બરમાં નર્યું એકાંત છવાઈ રહ્યું. પણ હવે પ્રેમ પાટિલના ગીતની કોઈ પંક્તિ બળાત્કારે આવીને મગજનો કબજો નહોતી લઈ લેતી. અરુણના ફોન પણ આવતા બંધ થઈ ગયા હતા. શું થયું હશે ? કેમ ખબર પડે ? પ્રેમ પાટિલનું શું થયું હશે ?
        જ્યારે બહાર નીકળ્યો અને મારા ટેબલ ટૉપ પર એનો ઉંધો ચહેરો દેખાતો બંધ થયો ત્યારે  પણ દરરોજની સાંજ જેવી જ ભૂખરી સાંજ હતી. ઝાપટાંથી ભીના થઈ ગયેલા રસ્તા ઉપર શેરડા પાડતી કારો ધમધોકાર દોડતી હતી.
        ડાઘુની જેમ બિલકુલ નતમસ્તક, વાહનોનાં હોર્ન વડે આજુબાજુ હડસેલાતો હું ધીમી ગતિએ ચાલવા માંડ્યો.
        હોસ્પિટલના કંપાઉન્ડમાં ટોળે વળેલા માણસોમાંથી એક ખૂણામાં ઊભેલા અને હવાઈ ગયેલા ચહેરાવાળા અરુણને મેં શોધી કાઢ્યો અને છેલ્લા સમાચારોની થોડીક આપ-લે દબાયેલા અવાજે કર્યા પછી એની બાજુમાં ઊભો રહી ગયો.
ટોળામાં વ્યાપી રહેલા સતત ધીમા ગણગણાટની આરપાર સામેના વોર્ડના વચલા રૂમનાં બંધ બારણાં તરફ અમે બન્ને તાકી રહ્યા – કોઈ પણ એક વાત નક્કી ન થાય ત્યાં સુધી.....   
           -
(તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે. જે તે તસવીર પર ક્લીક કરવાથી તેની યૂઆરએલ પર જઈ શકાશે.) 

2 comments:

  1. “ત્યારે ? નવમું ભણે છે, પણ આખી સ્કૂલમાં ગાવામાં પહેલો નંબર લાવ્યો આ વખતે. પેટી ઉપરેય હાથ સારો બેસી ગયો છે. ગરબીમાં કાયમ એના ભાવ બોલાય.તમે બે ઘડી કુમાર સાનુનેય ભૂલી જાઓ.”
    “એમ કરો,” ગાંડા માણસની જેમ હું બોલી ગયો : “વાલ્વ અંગે કંઇક વાત કરો.”
    Vah Vah Vah

    ReplyDelete