Sunday, August 28, 2011

મારી તો ભઇ, ઠાલી ઠાલી વાતો !


                 પાંચ-દસ નામ મનોમન ઉથલાવ્યાં પણ એમાંથી એકેયમાં ભીતરથી હોંકારો ના મળ્યો. બે ચાર બાઈઓ પણ સાંભરી પણ અમીનસાહેબ એકલા માણસ એટલે મન પાછું પડી ગયું. ના ચાલે, એકલા પુરુષના રસોઈયા તરીકે બાઈમાણસ ના ચાલે. મરદ જ જોઈએ પગાર તગડો આપે પણ રોજ, રાતનાય નવ સાડા નવ સુધી રહેવું પડે.પહેલેથી ચોખ્ખું કહી દેવાનું કે અમીનસાહેબ જમીજૂઠી લે ત્યાં સુધી તમારે ઠોવાઈ રહેવું પડશે, એટલે કોઇ બાઈ તો ધોળે ધરમેય હા ના ભણે.

તો આ કૃપાશંકરભાઈ શું ખોટા છે?

બીજા બે-ચાર નામ ઉથલાવતો હતો એમાં તો કૉફીનો કપ ઠરીને ઠીકરું થઈ ગયો. તર વળી ગઈ સપાટી ઉપર.
‘મોટે ઉપાડે કૉફી તો બનાવરાવી તો હવે પીતા કાં નથી ?’ આ પત્નીસહજ સવાલ.
આવા શબ્દધક્કાથી ટેવાઈ ગયેલો એટલે મૂંગામૂંગા કપ મૂક પડતો ને ઠાલી રકાબી મોંએ માંડી ને ચમકીને પાછી મુકી દીધી. વળી બે-ચાર નવાં નામ ગંજીપાનાં પાનાંની ઊતરની જેમ પટમાં....
‘તું કંઈક સુઝાડ ને !’ મેં પત્નીને કહ્યું : અમીનસાહેબને ત્યાં રસોઈયા તરીકે કોઈ ભાઈ માણસ ધ્યાનમાં બેસે છે?
મને ખરેખર એમ કે મેં ખો આપી પણ ત્યાં ધડાકાબંધી જવાબ. “તો કૃપાશંકરભાઈ શું ખોટા છે ?”
મનમાં ચકડોળ ફરતો બંધ અને કૃપાશંકરભાઈના નામ સાથે જ એનો સદાયનો દીન ચહેરો નજર સામે તરવરી ગયો. અરે રે, અત્યાર લગી મને આ નામ નહીં સૂઝવાનું કારણ ? જાતને જ ઠોંટ–બુસટ કરી લેવાનું મન થાય એવો સવાલ. શું એ આપણો દૂરનો સગો છે એ એની બચારાની ગુનેગારી ? કહે છે કે રસોઈમાં એના જેવો બીજો કોઈ મહારાજ નથી. આંગળા કરડી ખાઓ ને તો ય થાળી ના છોડો. ને છતાંય એનું નામ આપણને હૈયે કાં ચડે નહીં ?
જવાબ : ‘સગો સો વાર, પણ એક તો આપણે અને એને ઊંડો લાંબો પરિચય નહીં. બીજું, આપણે આ ગામમાં આવે હજી તો વરસ આખા ગણીને ત્રણ થયાં, ત્રીજું, સગામાં એ આપણે દૂરનો વડીલબંધુ થાય એટલે રસોઈયા તરીકે એનું નામ કોમ્પ્યુટરમાં ચડે જ નહીં. ચોથું, એ કે હજુ તો એ ક્યાંક પટાવાળામાં છે.’
આ માંહ્યલો ચોથો જવાબ તરત જ પત્નીની અડફેટે ચડી ગયો. બોલી : ‘તમને એણે બિચાડે વાત તો કરી હતી કે હવે એ પંદર – વીસ દિવસમાં જ રિટાયર્ડ થવાના છે. ગુજરી ગયેલા નાના ભાઈ નટુના ત્રણ અને પોતાના ચાર એમ સાત જણાને પાળવાની જવાબદારી એના માથે છે. બૈરી સ્વધામ પહોંચી ગઈ છે. ઘર ખાવા ધાય છે. પેન્શનમાં પાંચસો-સાતસો આવતા હશે એમાં તો એના જરદો-ચુનોય માંડ આવે તો પછી ખાવું શું ? એવો વિચાર તમને નથી આવતો ?”
પત્નીની વાત સોળ વાલ અને એક રતિ. આમ તો કૃપાશંકર મારે ત્યાં ક્યારે આવે ? પણ એકવાર વળી આવી ચડ્યા. નાતના એક આગેવાન જોડે ફંડફાળા માટે આવેલા. એમની જોડે તો મારું ઘર બતાવવાની વરાહે જ આવેલા, પણ ઘણા વરસે મેં એમને જોયા. ત્રીસેક વરસ અગાઉ જેતપુર અમારે ત્યાં આવતો ત્યારે ચરડ-ચું બૂટ સાથે ધબકારાથી જમીન ધ્રૂજતી, પણ અત્યારે ? મેલું ધોતિયું, મેલું ખમીસ, વળી વધી ગયેલી કોંટાકોંટા દાઢી અને ખીચડિયા રંગના વાળ અને એય તે તેલ વગર ઊડઊડ થાય. દરિયાના પાણીથી સિકલ સાવ રંગ કાળી થઈ ગયેલી. એની સાથે વાત કરતી વખતે મને તો એમ જ લાગ્યું કે આપણાથી દૂરદૂર ક્યાંક આપણાથી કપાઈ ગયેલી હાલતમાં જોજનો દૂર જઈ પડ્યો પડ્યો તરફડે છે, કંઈ માગી શકતો નથી. કાંઇ કહી શકતો નથી.
આટલું વિચારતા જ મારી અંદર દયાનો મોટો ધોધ છૂટ્યો. દયાછલક આંખે એના સામે જોયું તો એ બાઘામંડળની જેમ સામે હસી પડ્યો. પછી હથેળીમાં જરદો-ચુનો લઈ ચોળવા માંડ્યો. નાતના આગેવાન તો મારે ત્યાં જમવાના હતા. કૃપાશંકર એમને મૂકવા આવ્યો હતો. કંઈ જમાડ્યા વગર પાછો કઢાય ? ના બને, ના બને.

તમે મને કોઈ દિ બોલાવ્યો ને હું ના આવ્યો?
‘આજે તમે અહીં જ જમી લો, કિરપાભાઈ’ મેં કહ્યું : ‘અમસ્તો કદીય આપણે ભેગા જમવાનો ચાનસ નથી આવ્યો.’
એના મોં પરનું હાસ્ય એકદમ ગાયબ ! ચહેરો જરી તમતમી ગયો લાગ્યો.મને નવાઈ લાગી. આવા સારાં મારાં વેણ સાંભળીને કિરપાભાઈ ગરમ થઈ ગયા કેમ ?
ત્યાં તો એ બોલ્યા : ‘તમે મને કોઇ દિ બોલાવ્યો ને હું ના આવ્યો ?’
ક્યાંક ક્યાંક ગડબડ થઈ કાં મારા બોલવામાં. કાં એના જવાબ દેવામાં. નાતના આગેવાને મારી સામે જોયું. મેં ગળા નીચે ઘુંટડો ઉતાર્યો. સાલું આપણે વાંકમાં ? મારાથી એમ ના પૂછાય કે
તમે બી કદિ મોઢું બતાવ્યું ?
પણ હું બોલ્યો નહીં. કૃપાશંકર નીચલો હોઠ ખોલીને એમાં તમાકુ ઠાંસવા માંડ્યા. એમની નજરમાં જરી રોષ આવી ગયો.
જમ્યા. ગયા, પછી પાછા દિવસો નીકળી ગયા. થોડી કળ વળી, વળી મને જ જરી મનોમન સમાધાન ઉપજ્યું કે હશે, ત્રાસેલો, દાખેલો, ટીપાયેલો માણસ કંઈ પણ બોલે તો એના મોમાંથી કંઈ ફુલ તો ન જ ઝરે, કુદરતી છે, પણ આપણે તો ઠેકાણાસર છીએ ને ! એના બોલ્યા સામે ના જોવું.....એની દીનતા, એની લાચારી,એની હાલત સામે જોવું. વિચારતાં વિચારતાં બીજી વાર વળી દયાનો ધોધ ફૂટ્યો. અરે....રે....દૂરનો તો દૂરનો, પણ મોટો ભાઈ ! રિટાયર્ડ થાય છે તો એની રોજીનું કંઈક ગોઠવી દઇએ .
તરત જ એનું ઘર શોધતો ગયો.
બે-ચાર છોકરા શેરીમાં રમે. એકાદ બે ખાટલો ખુંદે ને ખાટલાનું વાણ ઢીલું કરે. માથે મીંડલા વાળેલી એકાદ છોકરી વળી સંજવારી કાઢતી હતી ને સામે જોઉં તો કિરપોભાઈ ચૂલામાં ફું....ફું.....ફું....ફું....કરે, આંખે પાણી બાઝી ગયેલાં. ચાર-ચાર આનાવાળી હળદર-મરચાંની પડીકીઓ ખોલેલી પડી હતી. એમણે મારી સામે આવી ‘જળભીની’ નજરે જોયું, જમીન પર બે હાથ ટેકવીને કિરપાભાઈ ઊભા થયા મને પૂછ્યું. ‘કાં ?’
એ રાજી થાય એવા સમાચાર દેવા માટે મેં જરા મોં પર આનંદ રેલાવ્યો. સમાચાર એ કે તમારે માટે અઢી હજારના પગારની નોકરી પાકી. વળી, છોકરા માટે બે થાળી ઘેર લાવવાની બોલી પણ કબૂલ. પોતે ત્યાં જમી લેવાનું. વાર-પર્વે બોણીબક્ષીસ તો ખરી જ. વળી, શેઠિયોત્તમ શેઠિયો. બોલો કેમ લાગે છે ?
‘સમાચાર સાંભળી મારા’ એણે ઊભા થઈને ખમીસનું ખિસ્સું ફંફોસ્યું. મહીંથી જરદો ચુનો કાઢ્યા, ચોળીને મોંમાં મૂક્યાં, નાક નસીક્યું અને પછી ધોતીના છેડે લૂછ્યું.
‘એમ ને ?પણ નોકરી તો રાતના આઠ લગીને જ ને ?’
‘હા’ મેં ઉત્સાહથી કહ્યું : ‘આમ તો આઠ સુધી જ પણ કદીકનો વળી મહેમાન-મઇ આવ્યા હોય ને કલાક – અર્ધો – કલાક આઘાપાછું થાય. એ વાત અલગ છે. બાકી, તમારે આ રોજની હળદર – મરચાં-તેલ-તુરીની ઘડભાંજ નહીં ને ?’
એમણે એક ક્ષણ ભાવવિહીન ચહેરે મારી સામે જોયા કર્યું. પછી ધીરેથી બોલ્યા : “મને ઇ નો પોસાય.”
'અરે !' હું અજાયબ હેરતમાં ગરકાવ : ‘કેમ ?’
“એ પોતે લાટગવંડર હોય તોય એના ઘરનો. રાતના આઠ પછી કાચી સેકંડ ના રોકાઉં, મારી કામગીરી રસોઈ કરી આપવાની.બસ,બાકી,થાળી પીરસવાનું કામ મારું નહીં. પાણીનો ગ્લાસ પણ આ કિરપોભાઈ ભરીને નહિં આપે. પછી કહેતાં નહીં કે કિરપાએ કીધું નહોતું.”
હું નીચે ભોંય પર બેઠેલો ને એ ઊભા ઊભા મારી સાથે વાત કરે. ઘડીભર તો મને લાગ્યું કે હું યાચક છું ને કિરપોભાઈ મહારાજાધિરાજ છે. મગજમાં એકાદ ક્ષણ ધમ્મ....ધમ્મ..... જેવું થઈ ગયું. મગજ ફાટી જ જાત, પણ પછી અજુબાજુ નજર કરી તો દયા આવી ગઈ. પોપડાં વળી ગયેલાં ભીંતડા. છારી વળી ગયેલું પાણીનું માટલું. રેડ-બફેડ રસોડું. છોકરાઓની કચ્ચરપચ્ચર. ફરી એ જ વખતે અંદરથી હું પલળી ગયો. અરે જીગર, પાંત્રીસ પાંત્રીસ વરસ લગી માથે જેની દુઃખના લોઢ લોઢાયા હોય એ માણસ કેવો કડવા એળિયા જેવો બની ગયો હોય એટલું તો સમજ. જાવ ભઈ, માફ, માફ.
એટલે અમીનસાહેબને ના કહેવડાવી દીધી.

0 0 0

થોડા દિવસ પછી વળી રહી રહીને મને ભલાઇનો એટેક આવ્યો. ફરી કિરપાભાઈના વિચારો આવવા માંડ્યા. શું કરીએ તો એને થોડી આવક બંધાય ? શું આવડે એને ? રસોઈ સિવાય એ બીજું કરી પણ શું શકે ? પણ એમાં મને એના મનના તરંગો નડે છે. હશે, જેવી જેની માટી. આપણે શું કરવું ? વિચારો ઊગે અને આથમે. આથમે ને ઊગે, પણ એમાંથી એક વિચાર ટકી ગયો. મારી જ ઓફિસના ચાર-છ જુવાનિયાઓ બિચારા આ નાના ગામની લોજના બાઢા ખાઈને ગળે આવી ગયા છે. એમનું જમવાનું જ જો કૃપાશંકરને ત્યાં ગોઠવી દીધું હોય તો ? કિરપાભાઇને બહાર જવાની વાત જ એમાં નથી આવતી. ઘેર જ પોતે રસોઈ કરી દે ને જુવાનીયાઓને જમાડી દે. મહિને – દિવસે ખાટલે બેસીને રૂપિયા ગણી લે. કોઈ કરતાં કોઈની સાડી-બાર તો નહીં !
આ વિચારનો રાજીપો ઊંચકીને એમને ઘેર ગયો. તો એમણે ‘શું ભૂલા પડ્યા ?’ એમ પૂછ્યું. જવાબમાં મેં આખો નકશો આપી દીધો. કેટલા જણ જમે ? તમને કેટલામાં પડતર ? તમારું કેટલું વળતર ?
પણ કૃપાશંકર પાસે પંદરસો મુશ્કેલીઓનું લિસ્ટ હતું. એક પછી એક કાઢતા ગયા ને મારી પાસે એની નીચે ફરજિયાત “હા”નો શેરો મરાવતા ગયા. જેમ કે “કામવાળી મળતી નથી. લોટ દળાવવા કોણ જાય ? જુવાનિયાઓ ભલે નોકરી કરતા હોય પણ તેમની સાથે હું સવારના ટાઈમ બાબત બંધાઉં નહીં. સવારની પૂજા કરવા કોણ મારો બાપ આવવાનો ? શાક બીજી વાર માગે તો ન આપું. કારણકે ઘણા ખરા જુવાનિયાઓ એકલું શાક જ ખા-ખા કરનારા હોય છે. મને એ ના પોસાય. મારે તો મારામારી થઇ જાય ઇ સિધ્ધાંત ખાતર. ભલેને કોઇ ખેરખાંનો દીકરો કેમ નથી ? રૂપિયાની ઢગલી કેમ કરતો નથી ? એવા રૂપિયાને તો કૂતરાંય સુંઘતાં નથી,સમજ્યા?”
ઘડીભર મેં અપરાધભાવ અનુભવ્યો. પછી હું સમજી ગયો. પાછો આવતો રહ્યો. જુવાનિયાઓને ના પાડી દીધી.

0 0 0

થોડા દિવસ ખીજ ટકી. પછી વળી એનો દીન-હીન દેખાવ યાદ આવ્યો. અરે રે, આના ઉપર ગુસ્સો કરાય ? કેટલા બોજા હેઠે આ જણ જીવ્યો ? કચડાઈ ના જાય ? અરે, ભાંગી ગયો હોય. જીભમાં ઝેર પ્રસરી ગયું હોય. હવે એ ના સુધરે.પણ આપણે એના પનારે પડેલાં એના અને એના મરેલા ભાઇનાં બચ્ચાંઓ સામે જોવું. એમાં એ તો હમણાં પરણાવવા જોગ થશે.
એટલે બિચારા છોકરાઓનો શો વાંક ? લાવ, એમનું કાંઇક વિચારીએ.
એવામાં એકવાર એ નાની દસ-દસ વરસની પોતાની અને ભાઈની દીકરીઓ લઈને ઘેર આવ્યા – આવકાર આપીને બેસાર્યા. વળી, એની વધી ગયેલા દાઢાં અને ગરીબડા દેખાવ પર દયા આવી ગઈ. ચા-પાણી પીતાં પીતાં એક વિચાર આવ્યો કહ્યું. ‘કૃપાશંકરભાઈ, તમારો બોજો હળવો થાય એવી એક વાત કરું?’
“બોલો ને !” એમણે તમાકુ મસળીને પગ પર પગ ચડાવ્યા.”તમારા જેવો તો ભગવાનેય નહિં. ”
‘એમ કરો’ હું બોલ્યો. ‘આ બન્ને બેબલીઓને અમારે ત્યાં રાખો. એની ટોટલ જવાબદારી અમારી. અમારી છોકરી ભેગી એ પણ રમશે, ભણશે, કામ કરશે, શીખશે, ટ્રેઈન થશે, ભવિષ્ય ઊજળું.’
ત્યાં તો એમની ભ્રમર ઉંચી થઇ ગઇ તરત જ તરડાયેલા અવાજે બોલ્યા : “શું કીધું ?કામ? મારા આખા વાક્યમાંથી માત્ર એક જ શબ્દ ‘કામ’ એમણે લટકતી દોરીની જેમ પકડી લીધો. સામે આંખો તગતગાવી ને બોલ્યા : ‘અરે,કામ તો એ કોઈનુંય નો કરે ! શું ? હું બેઠો નથી બાર વરહનો?”
પછી એ ઊભા થયા. બારણા પાસે આવ્યા. ફળિયામાં તમાકુની પિચકારી મારીને એ ભારોભાર કટાક્ષ અને કડવાશથી બોલ્યા. ‘તમારાથી મારું કંઈ ખરેખર થાય એમ હોય તો કહોને બંધુ ! એમ ઠાલીઠાલી વાત ના કરો હરેક વખતે ’
મેં છોકરીઓ સામે જોયું. એ બિચારી બેખબર રમતી હતી. બાપા અહીં પગ પર પગ ચઢાવીને બેઠા હતા ને કાકો એટલે કે હું – અપરાધીની જેમ સંકોચાઈને ઊભો હતો. ને ‘ઠાલીઠાલી’ વાતો જ કરતો હતો.
ઠાલી વાતોને ભરવાનો કોઇ કિમિયો ? મને તો અવતાર ટૂંકો પડે છે.

(તસવીર પ્રતિકાત્મક છે, જે નેટ પરથી લીધી છે.)

Saturday, August 20, 2011

અંબાજીની એલિઝાબેથ ટેલર અને એનો અનોખો પુત્ર



‘ખબરદાર!’ રસોડામાંથી માની ત્રાડ આવી એટલે છ વરસનો કમલેશ થથરી ગયો. હેતભર્યું સંબોધન નહીં, પણ હૃદયના એક બે ધબકારા ચૂકાવી દે તેવી ત્રાડ એ માતાની કાયમી ઓળખ હતી. પણ આજની ત્રાડ ત્રીજા નેત્રની કોટીની હતી. કમલેશ એ વખતે કોરી સ્લેટમાં પોતાનું નામ લખતો હતો. એના હાથમાંથી પેન પડી ગઈ. એણે ભયભીત નજરે મા સામે જોયું.

‘આજથી નવું નામ ઘુંટવા માંડ.’ મા હસુમતી બોલી, “લખ ‘કમલેશ ચીમનલાલ’ .

કમલેશે કોમળ આંગળીઓ વડે ફરી પેન ઉપાડી લખ્યું, ‘કમલેશ’ પણ એ નામની પાછળ પછી આદતના જોરે લખાઈ જ ગયું : ‘શાંતિલાલ.’

મા ફરી તાતું તીર થઇ ગઇ. એક થપ્પડ પડી ગાલ પર. ‘સાંભળ્યું નહીં ?’ એ ડોળા કાઢીને બોલી : “લખ, ‘કમલેશ ચીમનલાલ’ .

ચીમનલાલ કોણ હતો ? બાપ હતો ? ના રે ના. બાપ તો શાંતિલાલ જાની હતો. અંબાજીના મંદિરમાં ચોકીદારની નોકરી કરતો હતો. રંગીલો હતો. બહુ પાન ખાતો હતો. હટ્ટોકટ્ટો હતો. એની પહેલી બૈરી ગુજરી ગઈ હતી એટલે જામનગરથી આવી ચડેલી બાઈ હસુમતીને ઘરમાં બેસાડી દીધી હતી. બે જ વર્ષમાં એટલે કે 1969 માં છોકરો જન્મ્યો કમલેશ. પછી એક છોકરી પણ જન્મી ભાવના. અવતારકાર્ય પૂરું થયું હોય એમ શાંતિલાલ 1974 માં ગુજરી ગયો. કારણમાં કેન્સર. હાહાકાર થઇ ગયો. વિધવા હસુમતી હવે ક્યાં જશે ? વૈધવ્ય કેમ ગુજારશે ? બ્રાહ્મણનું ખોળિયું હતું.

પણ બ્રાહ્મણીના ખોળિયામાં જાણે હોલિવૂડની અભિનેત્રી એલિઝાબેથ ટેલરનો આત્મા વસતો હતો. એણે તરત જ રીતસર લગ્ન કરીને ચીમનલાલનું બીજું ઘર માંડ્યું. ચીમનલાલનો ભૂતકાળ ચીમનલાલ જાણે, પણ એણે પગની એક ઠોકર મારીને શાંતિલાલનું નામ હસુમતીના નામની પાછળથી હટાવી દીધું. એ હસુમતીએ પછી તો કમલેશના નામની પછવાડેથી એના પિતા શાંતિલાલનું નામ કાઢવાના ઇરાદાએ દીકરા પર તમાચાનો વરસાદ વરસાવ્યો : ‘લખ, કમલેશ ચીમનલાલ ! લખે છે કે નહીં ?કે દઉં હજી એક ?’

છ વરસના કમલેશે ભેંકડો તાણીને ઘરને માથે તો લીધું પણ અંતે આદેશનો અમલ કર્યો. લખ્યું : ‘કમલેશ ચીમનલાલ.’

0 0 0

“લખ, ‘કમલેશ રતિલાલ’. બે વરસ પછી હસુમતીએ ફરી ત્રાડ પાડી અને તમ્મર ચડી જાય એવો તમાચો કમલેશના ગાલ પર જડી દીધો : ‘લખે છે કે નહીં ? બસ, હવે કદિ કમલેશ ચીમનલાલ નહીં લખવાનું. ખબરદાર જો ભૂલ કરી છે તો !’

એક રતિલાલ નામના પુરુષને કમલેશે અનેકવાર કાકા તરીકે ઘરમાં આવકાર્યો હતો પણ એ આમ બાપની ગાદી પર બેસી જશે એની કલ્પના ક્યાંથી હોય ? ફરી એણે ભેંકડો તાણ્યો. ફરી ગાળોનો મેહ અને થપ્પડોનો વરસાદ. કમલેશે મહામહેનતે નોટબુકમાં કમલેશ ચીમનલાલ ભૂંસીને ગડબડિયા અક્ષરે લખ્યું: ‘કમલેશ રતિલાલ, ધોરણ પહેલું ‘બ’.

હસુમતીના અગાઉ કેટલા લગ્ન હતા એની યાદી નહોતી, પણ શાંતિલાલ સાથેના ફેરા પછી આ ત્રીજી વારના મંગળફેરા ફરતી હતી. વચ્ચેનો ચીમનલાલ પદભ્રષ્ટ થઈ ગયો હતો.

કમલેશની ઉંરમના વરસો વધતા ગયા તેમ તેમ બાપના નામ વરસે બે વરસે બદલાતાં રહ્યાં. અવિચળ નામો તો બે જ. પોતાનું નામ કમલેશ અને માતાનું નામ હસુમતી. બાપના નામ તો થિયેટર પર ફ્લોપ ફિલ્મોના ચડતાં પાટીયાંની જેમ કમલેશ ચીમનલાલ, કમલેશ રતિલાલ, કમલેશ નાનાલાલ, કમલેશ ગોરધન, કમલેશ હરિલાલ, કમલેશ..... બદલાતા રહ્યા.

પોતાની નામની પાછળ લગાડવામાં આવતા કોઇ પુરૂષના નામનો માંહ્યલો અર્થ શો થાય એ સમજવા જેવડી કમલેશની ઉંમર થઈ ત્યારે એની આંખોમાં લોહી ધસી આવ્યું. એમાં વળી વચ્ચે શૈલેશ નાનાલાલના નામનો એક સહોદર (ભાઈ) પેદા થઈ ચૂક્યો હતો. એ છોકરો પોતાના નામ સાથે ચેડાં કરવાના પ્રયત્ન કરવા માગતી માતા હસુમતી સામે ત્રાડ નાખતો હતો. કમલેશે એકવાર એમ કરવાનો નમાલો પ્રયત્ન કરી જોયો ત્યારે મા હાથમાં જે આવ્યું તે લઈને મારવા દોડી.

આઠ-દસ બાપના નામના અડાબીડ જંગલ વીંધીને કમલેશ અંબાજી ગામ છોડીને ભાગ્યો. માઉન્ટ આબુ ગયો. જે તદ્દન નજીક પડે. ત્યાં આગળ અનાદરા નામની જગ્યામાં બાવા દેવગીરીની સેવા કરવા રહ્યો ત્યાં એણે બીજા એક સંસારી સાધુને બાપની જગ્યાએ માન્યો ને એ સાધુની પતિવ્રતા પત્નીને મા ધારી લીધી.ચાલો, એક જ ધણીની ધણીયાણી એવી કોઇ કચરા-કસ્તર વગરની મા તો મળી ! હાશકારો થયો.

પરંતુ ત્યાં વળી અવળું કૌતુક થયું. બાપ અવિચળ રહ્યો અને પણ ‘મા’ ઓ એક પછી એક બદલાવા માંડી. પેલો સંસારી રામલો રંગીલો હતો એટલે તો એની ‘રામલીઓ’ એ બદલાતી રહી.

મનમાં બેવડો વિદ્રોહ ભરીને કમલેશ એક વસંત જરીવાળા નામના સજ્જનને ત્યાં નોકરીએ રહ્યો પણ ત્યાં બહુ ગોઠ્યું નહીં. કારણ કે જે એક નિઃસંતાન દંપતીને ત્યાં એને રહેવાનો આશરો મળ્યો ત્યાં મા-બાપ તો અવિચળ રહેતા હતા પણ સંતાનો બદલાતા હતા. આજે એ કોઈને પુત્રવત્ ગણતા એ કાલે દુશ્મનવત બની જતો. મતલબ કે જેને છોકરો ગણતા એની કાંઇક હરકતો નડતી. સગા દિકરાને તો ના બદલી શકાય પણ કલ્પનાના રથમાંથી તો પેસેન્જર-પુત્રને ‘ ચાલ,હેઠો ઉતરી જા.’ કહીને છેડાછૂટકો મેળવી શકાય ને !આમ હકાલપટ્ટીઓનો સિલસિલો ચાલુ રહેતો. કમલેશ એ લોકોના ઘરમાં પચ્ચીસમા પુત્ર તરીકે રહ્યો ને છવ્વીસમો છોકરો ક્ષિતિજ પર કળાયો એટલે કમલેશ ફરી ફૂટપાથ પર આવી ગયો.

ફરી કંટાળીને એ વતન અંબાજી આવ્યો ત્યારે માતા હસુમતી હોલીવૂડની એલિઝાબેથ ટેલરને ત્રણગણા અંતરે પાછળ રાખી ચૂકી હતી. ઓગણીસમા લગ્નનો પતિ મધુગીરી ગોસ્વામી તેનો ગૃહસ્વામી હતો.

આવી માએ પણ કમલેશને શરતી આવકાર આપ્યો. ‘પ્રેમથી બોલાવું પણ એક શરતે. મને કમાઈને આપીશ?’

‘પાછળ નામ કોનું રાખું ?’

‘મૂઆ, એ તે કંઇ પૂછવાની વાત છે ? મધુગીરીનું જ હોય ને ! કમલેશ મધુગીરી !’

કમલેશના દિમાગના સાતેય ભુવન ફરી ગયા, એ એજ ક્ષણે ઉંબરો છાંડી ગયો. અંબાજીના મંદિરના દરવાજે જઈને ઊભો રહ્યો. કહ્યું : ‘મારું નામ કમલેશ શાંતિલાલ જાની છે. મને મંદિરની અંદર નોકરી આપો. મારો બાપ અહીં મરી ગયો એનો હક લાગે છે.’

મંદિરમાં એને સાફસફાઈની નોકરી મળી. પણ આટલા ઝટકા જેણે લાગણીઓ પર સહ્યા હોય એ સાવ વાલ્મીકી તો રહ્યો જ ન હોય. વાલિયો બની ગયો હતો. ખોબા જેવડા અંબાજી ગામમાં એની રાડ વધવા માંડી. ઝઘડો, મારામારી-દાદાગીરી વગેરે વગેરેમાં જે કંઈ આવતું હોય તે બધું જ..... ચંપલની ચોરી સહિત !

એકવાર ટ્રિપલ એલિઝાબેથ ટેલર સામે મળી તો સામી ઈંટ ઉગામી કમલેશે. પછી વિચાર આવ્યો, ઈંટ એના માટે નથી, ઈંટ મારવી હોય તો વિધાત્રીના માથામાં મારવી જોઈએ. જે કદી સામે નથી આવતી. માત્ર પરચા જ દેખાડ્યા કરે છે.

ઈંટ ફગાવીને એ ગલી ચાતરી ગયો. ઓગણીસ ઘર કરનારી પણ જો મા હોય તો એને મરાય નહીં.

0 0 0

ધાનેરાના ફોજદાર (પી.એસ.આઈ.) એક્ષ વાય ઝેડ સાહેબ અંબાજી મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિરના ઓટા પર પોલીસશાઈ પોર્ટફોલિયો મૂકીને માતાજી પાસે ગયા. શીશ નમાવ્યું. કરેલા કરમની માફી-બાફી માગી હશે. પણ પાછા બહાર નીકળ્યા ત્યારે મનમાં કોણ જાણે શું ઘૂરી ચડી કે ઠાઠિયું મોટરસાઈકલ મારી મૂકી. તેમાં ઓટા પર મુકેલો પોર્ટફોલિયો ભૂલી ગયા. સારી વાર એ પડી રહ્યો ત્યાં સાફસફાઈ કરતો કમલેશ નજીક આવ્યો. પોર્ટફોલિયો ઉપાડીને જોયો તો માલદાર લાગ્યો. સહેજ ચેન ખોલીને નજર નાખી તો રૂપિયાની થોકડીઓ ! આજુબાજુ જોયું તો કોઈનું ધ્યાન નહોતું. મગજમાં સો અશ્વોની હણહણાટી પેદા થઈ ગઈ હશે. પણ એ તો એક જ ક્ષણ. અરે, કમલેશ દુનિયામાં તું એક તો હવે અવિચળ રહે. તારા લોક પણ જો તારા થયા નથી તો આ રૂપિયા જે તારા નથી તે તારા કેવી રીતે થશે ?

બીજી મિનિટે એ ટેમ્પલ ઈન્સ્પેક્ટર પુરાણિયા સાહેબ પાસે પહોંચ્યો. રિપોર્ટ કર્યો. એમણે પંચ રૂબરૂ પોર્ટફોલિયો ખોલાવ્યો તો અંદરથી ચૌદ હજાર રૂપિયા નીકળ્યા. વધારે ખાંખાખોળા કર્યા તો અંદરથી માલિકનું નામ નીકળ્યું પી.એસ.આઈ. એક્ષ.વાય.ઝેડ. તાબડતોબ માણસ મોકલ્યો. ફોજદાર નાગલસાહેબ આવ્યા. એમણે તો રૂપિયા ગયા ખાતે માંડી વાળ્યા હતા. પણ આ જોઈને એમની આંખોમાં રૂપેરી ચમક આવી. પોતાનું ઓળખપત્ર બતાવીને એમણે માલ તો પાછો મેળવ્યો પણ બસો એકાવન એણે કમલેશને બક્ષિસના આપવા માંડ્યા. જે કમલેશે ભારે આનાકાની પછી લીધા ને એમાંથી બસો પચાસ માતાજીની ગોખમાં મૂકીને પોતે તો માત્ર એક રૂપિયો જ લીધો.

આ બધો ખેલ સરકાર તરફથી અંબાજીના નિમાયેલા વહીવટદાર આઈ. એ. એસ. ઓફિસર અતુલ રાવ જોતા હતા. એમણે કમલેશને નજીક બોલાવ્યો. “પ્રામાણિક છો. પૂણ્ય કરવાની વૃત્તિવાળો છો, વિચારશીલ પણ છો અને ઉદાર પણ છો તો પછી તારામાં શું ખૂટે છે ?”

0 0 0

આ વાત 1994ની છે. દિવાળીના દિવસોમાં સાવ છોકરડા-ભાયડા જેવા લાગતા આ તરવરિયા અમલદાર અતુલ રાવ મને મળ્યા ત્યારે મને એ એમના ઘરથી થોડે દૂર પડેલી વાન પાસે લઈ ગયા. અંદર બેફિકર થઈને કમલેશ ઘસઘસાટ ઉંઘતો હતો. મેં એની તસવીર પાડી એટલે ફ્લેશના ચમકારાથી એ બેઠો થઈ ગયો.

‘આ હવે એનું ઘર છે.’ અતુલ રાવ બોલ્યા ત્યારે એના મોં પર પ્રસન્નતા વરતાઈ આવતી હતી. પેલા દિવસના ફોજદારવાળા બનાવ પછી એની જિંદગી આખી પલટાઈ ગઈ છે - મંદિરમાં મેં એને સારી શરતોએ નોકરી આપી છે. બહારના થોડા મહેનત-મજૂરીના કામ કરે છે. ગામમાં એનો ઉપાડો સદંતર બંધ થઈ ગયો છે. આક્રોશ ચાલ્યો ગયો છે. ભલાઈના કામ કરે છે. મારે ત્યાં કે ક્યાંક સારે સ્થળે એને જમવાનું મળી જાય છે. મોટરમાં પડ્યો રહે છે. પગાર બચાવીને બેંકમાં મૂકે છે. જો આમ ને આમ ચાલશે તો થોડા દિવસમાં એને એના જોગ કોઈ સારી છોકરી શોધીને મેરેજ....’

આ સાંભળતો હતો ત્યાં કમલેશની આંખોમાં જુવાન માણસની આંખોમાં જ આવે તેવો રંગીન ચમકારો આવ્યો. હાથ જોડીને અતુલ રાવ તરફ આંગળી ચીંધીને કહે : ‘એ મારા ભગવાન છે.’

‘લગન કર્યા પછી રહીશ ક્યાં ?’ મેં પૂછ્યું : ‘આ મોટરમાં થોડું રહેવાશે ?’ પછી હસીને મેં કહ્યું : ‘તારા આ ઘરમાં તો ચોતરફ કાચ છે !’

‘એક જ ઘર કરીશ.’ એણે કહ્યું : ‘અને તે કાચનું નહીં હોય. કોઈ અંદર જોઈ પણ શકે નહીં - પથ્થર પણ મારી શકે નહીં.’

0 0 0

પત્રકાર તરીકે પેલા ફોજદારવાળો મામલો મંદિરના ચોપડે ચડ્યો હોય તો પુરાવો મેળવવાની મેં કોશિશ કરી. કદાચ ‘લોસ્ટ પ્રોપર્ટીના ચોપડે એની મળી આવ્યા-સોંપાયાની એન્ટ્રી હોય.’

પણ ન મળી. ક્યાંથી હોય ? ફોજદાર કોઈ ગામડેથી ખૂનના મામલાની તપાસ કરીને પાછા ફરતા હતા. ‘તોડ’ કરીને આવતા હશે એટલે તો ચૌદ હજાર જેવો દલ્લો પાકીટમાં હતો ! લાંચના રૂપિયા ગુમ થયાની ફરિયાદ કેવી રીતે થાય ? અરે, એની તો નોંધ પણ ક્યાંય ન થવા દેવાય. નોંધ ન થવા દેવા માટે એ માતાજીને બદલે મનુષ્યો સમક્ષ હાથ જોડતા હતા. ‘ભાઈસાહેબ, લખતા બખતા નહીં - કોઈ’ દિ ઇન્કવાયરી થશે તો મારી નોકરી જશે.’

એમની નોકરી ન ગઈ, પણ કમલેશની પાક્કી થઈ ગઈ. અને આ નોકરીને ચોપડે એનું નામ હવે લખાશે : ‘કમલેશ શાંતિલાલ જાની.’ એક અવિચળ નામ, બાપનું નામ અને અટક .
0 0 0

અતુલ રાવ
હવે એક મહત્વની વાત, એ અમલદાર અતુલ રાવને તે પછી મારે કદિ મળવાનું થયું નહિં. પણ એકાદા વર્ષ પહેલાં અચાનક એમનો ઇ મેલ આવ્યો. હવે એ અમેરિકા રહે છે. પણ મારું વાંચતા રહેતા હશે એટલે ક્યાંકથી મારો ઇ મેલ શોધીને એમણે મારો સંપર્ક કર્યો અને આ આખો કિસ્સો કે જે મેં ચિત્રલેખાના 21-2-94ના અંકમાં લખ્યો હતો તે યાદ કર્યો. સોળ વર્ષ વીતી ગયા હતા એટલે આ યાદી રોમાંચભરી હોય તે સ્વાભાવિક છે. મેં એમને એ લેખ શોધીને ઈ મેલથી મોકલ્યો.

એ પછી હમણાં આ લેખનું પુનર્લેખન બ્લોગ માટે કરતી વખતે અતુલભાઈને કમલેશની વિગત પૂછાવી. વળતા ઈમેલમાં અતુલભાઈએ જણાવ્યું કે સરકારની નોકરી ૨૦૦૬માં છોડી ત્યારે પોતે ડાયરેક્ટર ઑફ રૂરલ ડેવલપમેન્ટના હોદ્દે હતા. એ અગાઉ અંબાજીથી એમની બદલી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ભાવનગર થઈ ત્યારે એમનો સામાન મૂકવા કમલેશ ભાવનગર આવેલો. ત્યાર પછી એમને એકાદ બે વખત અંબાજી જવાનું બન્યું એ વખતે કમલેશને મળવાનું બનેલું. એ મંદીરમાં કામ કરતો હતો.

મારે હવે એ જાણવું છે કે કમલેશનું શું થયું અને દેશી એલિઝાબેથ ટેલરનું ?

Monday, August 1, 2011

હેમંતકુમાર: હમ હો ગયે તુમ્હારે


મૂળ બંગાળના બીહડુ ગામના વતની પણ મોસાળ બનારસમાં 16 મી જૂન 1920 ના રોજ જન્મેલા હેમંતકુમાર કાલિદાસ મુકરજી કલકત્તામાં 26મી સપ્ટેમ્બર 1989 ના રોજ ચીરનિદ્રામાં પોઢી ગયા. જે સ્વરપેટીમાંથી એમણે એક મધુરગીતો આપ્યા. તે કંઠની જન્મદાતા સ્વરમંજુષા તે દિવસે બળીને ખાખ થઈ ગઈ.જોગાનુજોગ પણ કેવો કે એમની વિદાયના બે જ દિવસ પછી એટલે કે 28મી સપ્ટેમ્બરે, 1929માં જન્મેલી લતા મંગેશકર જેવી સંગીતક્ષેત્રની વિરાટ હસ્તીએ પોતાના જીવનના સાઠ વર્ષો  પૂરા કર્યા હતા. અને જે દેવ આનંદ માટે તેમણે થોડા પણ અવિસ્મણીય ગીતો ગાયા હતા તેમના જન્મદિવસે (દેવઆનંદની જન્મ તારીખ: ૨૬-૯-૧૯૨૩) જ હેમંતકુમારે વિદાય લીધી. ફિલ્મક્ષેત્ર માટે આઘાત અને ઉજવણીના દિવસો સાથે જ આવ્યા. હિંદી ફિલ્મજગતમાં હેમંતકુમારનો પ્રવેશ 1944 માં કલકત્તામાં બનેલી ફિલ્મ “ઈરાદા”ના કેટલાક ગીતો ગાઈને થયો.  આ ફિલ્મનું ગીત 'આરામ સે જો રાતેં' સાંભળીએ.


એમાં સંગીત હતું પંડિત અમરનાથનું. પછી 1945 માં એમણે ન્યુ થિયેટર્સના વિખ્યાત ચિત્ર હમરાહી માં બંગાળી ગીત મધુ ગંધે ભવરા ગાયું. એમની સંગીતપ્રતિભામાં સંગીતકાર કમલદાસ ગુપ્તાને બહુ રસ પડ્યો હતો. એમના આમંત્રણથી તેઓ મુંબઇ આવ્યા અને એમના જ સંગીતનિર્દેશનમાં જમીન આસમાન(1946)માં એક એકલ અને એક યુગલ (કલ્યાણી સાથે) એમ બે ગીતો ગાયાં. બન્ને ગીતો બીન-ફિલ્મી ગીતલેખનના બાદશાહ એવા ફૈયાઝ હાશમીએ લખેલા હતા. જો કે એ ગીતો  બીન ફિલ્મીગીતોમાં બેજોડ ગણાતી એ ટીમના બીન ફિલ્મી ગીતો જેટલા  અથવા જરા ય પ્રખ્યાત થયા નહિં. બાકી તો એમાં જગમોહન-કલ્યાણીના બે યુગલ ગીતો પણ હતાં. જગમોહન તો ફિલ્મોમાં ખાસ ચાલ્યા નહિં પણ હેમંતકુમાર અંતે હિંદી ફિલ્મસંગીતમાં જામી જ ગયા. એમનો પહેલો સિક્કો પડ્યો ફિલ્મ આનંદમઠથી, જેમાં એમનું પોતાનું સંગીત અને સ્વર બેઉ  હતા. વંદેમાતરમ્ની ધૂન સાંભળતાં અને એમાં એમનો સ્વર અને તારસ્વરે ખેંચાતો આલાપ સાંભળતા આજે પણ શબ્દશઃ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય છે. જય જગદીશ હરેજેવા વિશુધ્ધ સંસ્કૃતસ્તુતિગાનને કોણ વીસરી શકે ? એ જયદેવ જેવા પ્રાચીન કવિની રચના હતી.
હેમંતકુમારે એમાં  તલત મહેમૂદ અને ગીતા દત્તના સ્વરમાં કૈસે રોકોગે ઐસે તૂફાન કો જેવું અવિસ્મરણીય દ્વંદ્વગીત પણ આપ્યું છે.શૈલેન્દ્ર લિખિત આ ગીતમાં કુદરતી કામવૃત્તિ અને તેની ઉપર અંકુશના કોઇ ટેકીલા પુરુષ(પ્રદીપકુમાર)ના નિષ્ફળ પ્રયત્નની એક સ્ત્રી(ગીતા બાલી)ના કંઠે ગીતરૂપે કહેવાયેલી વાત છે. એમાં કોમળ ભાવોની અભિવ્યક્તિ કરવાની હોવાથી હેમંતકુમારે પોતાના બદલે તલત મહેમૂદના સ્વરને પસંદ કર્યો હતો.  પહેલાં એ ગીત સાંભળીએ.



(કૈસે રોકોગે ઐસે તૂફાન કો, લતા-તલત, ફિલ્મ: આનંદમઠ)


 ખેર,હેમંતકુમારની યાદગીરીમાં આપણે એમના બે  દ્વંદ્વગીતો માણીએ. એમાંથી એક તે ઉપર જણાવ્યું તે ફિલ્મ આનંદમઠ(1952)નું છે.એ બંગાળના વિખ્યાત નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની આઝાદી માટેની સશસ્ત્ર ક્રાંતિના વિષયવસ્તુ પર આધારિત નવલકથા ઉપરથી ફિલ્મિસ્તાન દ્વારા નિર્માણ પામેલું હતું. આપણું રાષ્ટ્રગીત બનવાને લાયક દેશ-સ્તુતિ ગાન વંદે માતરમ એ નવલકથાની અંદર જ હતું. ફિલ્મમાં પણ આ વંદેમાતરમનું સમુહ ગાન બે વાર રજુ થાય છે, એકવાર લતાના અને બીજી વાર હેમંતકુમારના પ્રધાનસ્વરે. ફિલ્મમાં પૃથ્વીરાજ કપુર, ગીતા બાલી, પ્રદીપકુમાર, અજિત, ભારત ભુષણ જેવા માતબર કલાકારો હતા. રાજસી ચહેરોમહોરો  ધરાવનાર બંગાળી અભિનેતા પ્રદીપકુમાર બટબ્યાલને હિંદી ફિલ્મોમાં લાવનારા હેમંતકુમાર જ. ( આગળ જતા વિશ્વજીતને પણ લઇ આવ્યા.)     
આપણે જે બીજું ગીત સાંભળી રહ્યા છીએ તે  ફિલ્મ શર્ત  (1954)નું એક અનન્ય સ્વર રચનાવાળું ગીત છે. શર્ત પણ ફિલ્મીસ્તાનનું  હતું. ગીતકાર હતા એસ.એચ.બિહારી અને સંગીત હતું, હેમંતકુમારનું પોતાનું . સ્વર તા-હેમંતનો સંયુક્ત હતો. ફિલ્મમાં મુખ્ય કલાકારો શ્યામા, દીપક મુકરજી અને શશીકલા ઉપરાંત આઈ.એસ.જોહર  હતા.હીરો દીપક મામુલી અભિનેતા સાબિત થયા. તેમની આ પહેલી ફિલ્મ છેલ્લી જ બની રહી. ફિલ્મ પણ તદ્દન ફ્લોપ રહી.પણ એના ન યે ચાંદ હોગા,ન યે તારે રહેંગેજેવાં હેમંતકુમાર અને ગીતા દત્તના અલગ અલગ સ્વરોમાં ગવાયેલા એકલ ગીતો  ચીરશ્રવણીય બની રહ્યા.આજે પણ કાર્યક્રમોમાં એ અચુક ગવાય છે. પણ આપણે જે ગીત સાંભળી રહ્યા છીએ તે છે 'દેખો વો ચાંદ છુપકે કરતા હૈ ક્યા ઈશારે'.




શબ્દો આ રહ્યા:

हे: देखो वो चाँद छुपके करता है क्या इशारे
ल: शायद ये कह रहा है, हम हो गये तुम्हारे
हो गये तुम्हारे, देखो ...
ल: उल्फ़त का आज हमने इक़रार कर लिया है
लेकिन ये कौन जाने किस्मत में क्या लिखा है
मंजिल को चल पड़े हैं तक़दीर के सहारे
हो गये तुम्हारे, देखो ...
हे: ऐसा ना हो कि हमको रस्ते में छोड़ जाओ
जाकर कहीं किसीकी दुनिया नई बसाओ
मंझधार में रहे हम, लग जाओ तुम किनारे
हो गये तुम्हारे, देखो ...
ल: दिल में सिवा तुम्हारे कोई नहीं हमारे
ये अपने दिल से पूछो क्या दिल में है तुम्हारे
देंगे मेरी गवाही कुदरत के ये नज़ारे
हो गये तुम्हारे, देखो ...


ગીતકાર એસ.એચ.બિહારી
શર્તના “ન યે ચાંદ હોગા” જેવા સુંદર ગીત કરતાં પણ આ દ્વંદ્વગીત બહુ લોકપ્રિય બન્યું હતું. કારણકે નાયકના મનમાં નાયિકાની વફાદારી વિષે ચાલતી અવઢવ અને નાયિકાની એની સામેની અપાતી ખાતરી અને પ્રતિશંકાના ભાવને જે સરળ શબ્દોમાં ગીતકારે વ્યક્ત કર્યો. તેવી જ આરોહ - અવરોહની તર્જથી સંગીતકાર હેમંતકુમારે એની ભાવાભિવ્યક્તિ આપી. એમાં “હો ગયે તુમ્હારે” માં વચ્ચે આવતા વિરામ અને પછી બે વારના પૂનરાવર્તનથી શબ્દોના અર્થને પૂરતી વાચા મળી. એમાં હેમંત અને લતા બંનેના અત્યંત સુરીલા - મોહક સ્વરોએ ચાંદનીના કેફનું નિર્માણ કર્યું અને આમ આ ગીત અમર બની રહ્યું.

મને એ પણ યાદ આવે છે કે એ દિવસોમાં 78 આરપીએમની એવી રેકોર્ડઝ પણ બહાર પાડવામાં આવતી હતી જેમાં રેકોર્ડની બન્ને તરફ એક કરતા વધુ ગીતો સમાવાયાં હોય. બન્ને તરફ ત્રણ ત્રણ ગીતોના ‘ગ્રુવ્સ’ (grooves) એટલે કે આંકા એકબીજાની અંદર સમાંતરે ગોઠવવાથી આ શક્ય બનતું હતું પણ એ પ્રયોગ બહુ સફળ થયો નહીં કારણકે સાઉંડબોક્સની અણીદાર પીનો એક ગ્રુવ પરથી બીજા ગ્રુવ પર જલ્દી સરકી જતી અને વાગતું ગીત બદલાઈ જતું .આવી રેકોર્ડઝને પઝલ રેકોર્ડ કહેવામાં આવતી “શર્ત”નું આ ગીત પણ આવી જ એક પઝલ રેકોર્ડ પર હતું, ને સાદી રેકોર્ડ પર પણ.

આ ગીત રેકોર્ડ નંબર - 50458 ઉપર છે.
આવા અમર ગીતો આપનાર  હેમંતકુમાર પાછલી અવસ્થામાં દાંત કે જીભની કોઇ તકલીફને કારણે મરડાયેલા અને સાંકડા ઉચ્ચારો અને લથડતા સ્વરને કારણે પોતાનું સ્થાન ખોઇ બેઠા. એમને હતાશાએ ઘેરી લીધા.એની વધુ વિગતો મારા પુસ્તક આપકી પરછાઇયાં(પ્રકાશક આર.આર. શેઠની કંપની.)માં છે. એમાં આલેખાયેલા એમના શબ્દચિત્રના કેટલાક અંશ એમની સાથેની મારી હજુ સુધી સચવાયેલી ઑડીઓ મુલાકાત પર આધારીત છે જે મેં 1982માં લીધી હતી. એ ઓડીઓ મૂલાકાતનો મને એમણે પૂછેલા આપ ફિલ્મ બનાઇયેના ? ક્યા આપ મુઝે લેંગે ? જેવા હતાશાભર્યા પણ સીધા તીખા સવાલવાળો અંશ મેં આ સાથે મુક્યો છે.  


(હેમંતકુમારના ઈન્ટરવ્યૂની એક ઝલક)

(પુસ્તક સિવાયની તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધેલી છે. વિડીયો ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.)