Monday, October 24, 2011

ક્યાં ગઈ એ દિવાળી ?


દિવાળીના દિવસો તો પછી આવે છે, પણ દિવાળી પહેલાં તો ધીરે ધીરે મનમાં ઊગે છે. આ વાત અત્યારે તો સાચી છે જ, પરંતુ બચપણમાં એની પ્રતિતી કંઇક વધુ નક્કર હતી. કારણ કે મન ત્યારે સરવાળા જ કરતું હતું. બાદબાકીની એને ખબર જ નહોતી. દિવાળીના આગમનને કારણે માબાપનો ઉત્સાહ એટલો નથી હોતો કે જેટલો બાળકને હોય છે. કારણમાં એક તો એ કે માબાપે ઘણી દિવાળી જોઈ નાખી હોય છે.(કહેવતના અર્થમાં પણ આ સાચું હોય છે.)અને એને કારણે આવી પડનારા અધિક ખર્ચની ચિંતા કે ગૃહિણીઓને વધુ પડતા કામના બોજની ચિંતા જેવા વાસ્તવિક કારણોએ ઉત્સાહમાંથી સારી એવી બાદબાકી કરી નાખી હોય છે.
મારું વતન જેતપુર તો રાજકોટ-જૂનાગઢ-ગોંડલ જેવા મોટા કહેવાય તેવા શહેરોની સાવ નજીકમાં હોવાને કારણે વસ્તી કે વિસ્તારની રીતે બહુ વિકસી શક્યું નહોતું, (આ વાત હું 1940ના દાયકાની કરું છું.)પણ આજુબાજુના ગામડાઓ માટે હટાણાનું મહત્વનું કેન્દ્ર હતું . એટલે કાપડ બજાર અને સોનીબજાર બહુ વિકસી હતી. દિવાળીની રોનક સૌથી પહેલા ત્યાં દેખાવાની શરુ થતી. નોરતા પછીના તરતના દિવસોમાં સફેદ ચોરણી –કેડીયું અને માથે કણબીશાઈ પાઘડી ચડાવેલા  અને ગામડેથી ટોળાબંધ આવતા પટેલિયાઓથી જેતપુરની એ બજારો ઉભરાતી ત્યારે પહેલો અહેસાસ થતો કે દિવાળીના આગમનનો સિગ્નલ પડી ગયો છે. 1945 થી એટલે કે મારી સાત વર્ષની ઉમરથી આવા સમીકરણથી પ્રગટેલી સમજણ મારામાં ધીમા ઉત્સાહનો  સંચાર  કરતી. અને એ જ દિવસોમાં બા-બાપુજી પણ અમે બન્ને ભાઇઓ અને મોટી બહેનને નવાં કપડાં લઇ આપતા. આ તરફ ઘરમાં કાં તો નવા રંગરોગાન કરાવવાનું કે છેવટ દિવાલોને ચૂનો ધોળાવવાનું કામ આરંભાતું.અભેરાઇ પરથી હારબંધ ગોઠવેલા વાસણો નીચે ઉતારાતાં અને એને આમલીના પાણીથી ચકચકીત કરી દઇને પાછા હતાં ત્યાં જ  ગોઠવી દેવામાં આવતાં.
બંને ભાઈઓ: રજનીકુમાર - ઇન્દુકુમાર
વર્ષો વીતતાં ગયાં તેમ અમે બન્ને ભાઇઓમાં થનગનાટનો પરીઘ વધુ વિસ્તર્યો, અને ઉજવણીની તૈયારીમાં અમે પણ હિસ્સેદાર બન્યા. ધનતેરસ આડે ચારપાંચ દિવસ અગાઉ મારા મોટાભાઇ ઇંદુભાઇ અમારી મેડી ઉપર છાપાં કાર્યાલય શરુ કરતા.અને મને પણ એમાં જોતરતા. આ છાપાં કાર્યાલય એટલે દિવાળીના ચાર દિવસ દરમ્યાન વહેલી સવારે ઉઠીને આંગણાંમાં જેના વડે રંગોળી કરવામાં આવતી તેના માટે પૂંઠામાંથી કોતરકામ કરીને બનાવવામાં આવતા બીબાં તૈયાર કરવાનું અમારું કામચલાઉ વર્કશોપ. એક અણીદાર ચપ્પુ, છીણી,કાતર, બ્લેડ( જેને અમે પતરી કહેતા).અને પેન્સીલ. આટલા સાધનો ઉપરાંત પૂંઠા(કાર્ડબોર્ડ)ના ચોરસ અને લંબચોરસ ટુકડાઓ. આટલી સામગ્રી પાસે રાખીને અમે બન્ને ભાઇઓ ફર્શ પર કોથળા પાથરીને સવારના પરવારીને બેસી જતા અને ક્યાંય ક્યાંયથી એકત્ર કરેલી ડિઝાઇનો પરથી ટ્રેસ કરીને કે બીજી કોઇ રીતે એને પૂંઠા ઉપર ઉતારીને એને આવા સાધનો વડે કોતરી કાઢતા. એવાં બીબાંમાં ડિઝાઇનો સિવાય લક્ષ્મીપગલાં કે સાથીયા અને કોડીયામાં ઝળહળતો દીવો જેવી આઇટેમો તો અવશ્ય હોય જ. આ ઉદ્યમમાં અમે બન્ને એવા તો તન્મય થઇ જતા કે ઇંદુ-રંજુ, હવે જલ્દી જમવા આવોને ભાઇસાબ એવી બાની ઉપરાછાપરી બૂમોને અમે જલ્દી કાનસરો આપતા જ નહિં. કામ કરતા કરતા પલાંઠી છોડીને  અમે ક્યારેક ગોઠણીયાભેર બેઠા હોઇએ કે ક્યારેક અધુકડા બેઠા હોઇએ છતાં ઉભા થતી વખતે અમારા બન્નેના પગ ચોક્કસ જકડાઇ જ ગયા હોય.અને જમવા જવામાંથી આળસી જવાનું મન થતું જ હોય.
હું જરા મોટો થયો તે પછી સાથે બેસીને બનાવવામાં આવતા એ છાપાં(બીબાં)ની મદદથી  તૈયાર કરવામાં આવતી આંગણાની રંગોળીના નિર્માણમાં અમારા વચ્ચે સ્પર્ધાનું તત્વ દાખલ થઈ જ ગયું. એકબીજાના હાથમાંથી છાપાંની ઝંટાઝંટી જેવા પ્રસંગો ના આવે તેટલા વાસ્તે મને એક બીજો અલાયદો ચોક ફાળવવામાં આવ્યો. બિચારી બહેને એ બન્ને ચોકને પાણી છાંટીને લિંપી આપવાનું કામ માથે આવ્યું, પણ આ ગોઠવણને  લીધે  ભલે સ્પર્ધાનો અવકાશ તો રહ્યો જ,પણ ઝગડાનો ટળ્યો.
ધનતેરસને દહાડે સવારે તો દિવાળીનો માહૌલ બહુ ના વરતાતો, પણ સાંજે બજારમાં નિકળતા ત્યારે દિવાળીની રોશનીનો પ્રારંભ થયેલો અનુભવાતો. અમે બે ભાઇઓ અને બાપુજી(જેમને અમે ભાઇ કહેતા) ત્રણેય સાંજના સાતની આસપાસ નીકળતા અને ખોડપરામાં આવેલી શંકરની દેરીએ જરા માથું નમાવીને પછી કમરીબાઇ હાઇસ્કૂલથી જરા આગળ ઇસ્ટાન(ઘોડાગાડીસ્ટેન્ડ)થી જમણે વળાંક લઇને આગળ જતા. અને ત્યાંથી દિવાળીનો રોશન સ્પર્શ અનુભવાતો. 
જેતપુરની બજાર 
કોઇ દુકાનમાં થોડી રોશની હોય, કોઇમાં ના હોય યા ઝાંખીપાંખી હોય, પણ અંદર બેઠેલાઓના ચહેરા ઉપર તો હરખ વરતાતો જ હોય. અમે આગળ વધતાં છેક મોટા ચોકમાં આવેલા હનુમાનજીના મંદીરના ઓટલે ઘડી-બે ઘડી બેસીને ઘેર પાછા ફરીએ અને ભાઇએ હોંશથી અપાવેલા ફટાકડામાંથી જે ધનતેરસની રાત માટેનો હિસ્સો હોય તે પૂરો કરીએ. પણ અસલી મઝા તો કાળી ચૌદસની. અમારે ત્યાં એને રાંધણચૌદસ પણ કહેતા. એ દિવસે ઘરનો તમામ સ્ત્રીવર્ગ ફરસાણ અને મીઠાઇ બનાવવામાં ખાસ તો બપોર પછી પરોવાયેલો હોય અને આખા ઘરમાં તેની સુગંધ અને સોડમ પ્રસરી રહી હોય. અમને આજુબાજુ ઘુમરાતા જોઇને બા કે બહેન એકાદ નાનકડી  થાળીમાં એની તાજી ચખણી પણ કરાવે. પણ વધુની લાલચ આજે નહિં કરવાની એ શરતે. આ બધું આજે પાંસઠ વર્ષે પણ યાદ આવે છે પણ જે યાદ આવતાં આંખો આજે પણ ભીની થાય છે તે દ્રશ્ય તો અનન્ય જ છે. કાળી ચૌદસની રાતે નવેક વાગ્યે બધા વાળુ-બાળુ પતાવે  તે પછી બા-બહેન ઢાંકોઢુંબો પતાવી લે, ત્યાં સુધીમાં અમે બજારની રોશની જોઇને પાછા આવી જઇએ. બસ,તે પછી ફર્શ પર શેતરંજી પાથરીને  ભગવાનનું નાનું સિંહાસન ગોખમાંથી નીચે ઉતારીને બા અમારી પાસે થોડી પૂજા કરાવે.પછી એક રકાબીમાં ઘીનો દીવો પ્રગટાવીને બા એની શગ ઉપર ઉંધી રકાબી ધરીને મેશ એકત્ર કરે. અને પછી અમને બન્ને ભાઇઓના માથા વારાફરતી પોતાના ખોળામાં લઇને એ મેશથી આંખો અમારી આંખો આંજતી જાય અને કહેતી જાય ચૌદસનો આંજ્યો એ કોઇથી ન જાય ગાંજ્યો.  અમે બન્ને ભાઇઓના લગ્ન થઇ ગયા પછી પણ અમારી બા અમારી પત્નીઓની હાજરીમાં અમારી ઉપર આ વિધિ કરતી અને એમાં આનાકાની ન કરવાનો પણ મને આનંદ આવતો. એ પછી બા મારા હાથમાં એક વડું આપતી અને કહેતી કે જા, જરા પણ પાછું જોયા વગર શેરીના નાકે મૂકીને ઉપર પાણી છાટીને કોણ વીર ? હું વીર. એમ બોલતો બોલતો પાછો આવ.
અમે ત્રણ ભાઈબહેન: (ડાબેથી) રજનીકુમાર, કમળાબહેન, ઈન્દુકુમાર
દિવાળીની સવાર પણ અમારી છાપાં પાડવાના ક્રમથી શરુ થતી પણ એ દિવસની ખરી મઝા રાતની રોશની જોવા માટે બજારનો મોટો રાઉન્ડ લેવાની હતી. બાપુજી સાથે અમે બે ય ભાઇઓ નીકળતા અને ધનતેરસવાળા રૂટ ઉપર જ ઇસ્ટાન થી જેવા આગળ વધતા કે તરત જ આખે રસ્તે ફટાકડાના ધડાધડ દેમાર અવાજો અને બન્ને તરફની દુકાનોમાં ઝાકઝમાળ રોશની. અને ક્યાંકક્યાંક તો રોશની ઉપરાંત કંઈક નવીન જોણું પણ ! જેમકે રંગીન બલ્બોની ઝાકઝમાળ વચ્ચે પારણામાં સુવડાવેલું અસલી બાળક, અથવા પળેપળે રંગ બદલતો ફૂવારો કે પાણીના સોનેરી પ્રવાહમાંથી વારેવારે ઉપર આવતી શ્રીકૃષ્ણની મૂર્તિ! અમે પળ બે પળ એ જોવા થોભતા અને પછી ફટાકડાઓથી સાવચેત રહેવાનો હાથ વડે  સતત સંકેત આપ્યા કરતા બાપૂજીની પાછળ પાછળ ચાલતા આગળ વધતા. એમ જ મોટા ચોકમાં આવેલા હનુમાનજીના મંદીરે જઇને,મૂર્તિ પરના સિંદૂરનો કપાળ પર ચાંદલો કરતા. બાપુજી માથેથી ટોપી ઉતારી, બે ઘડી હાથમાં રાખીને, આંખો બંધ કરીને, હોઠ ફફડાવીને પ્રાર્થના કરતા. અને પછી ઘેર પાછા ફરતા. અને પછી અલબત્ત ફટાકડા.......એ દરમ્યાન બા એક સૂપડીમાં થોડો કચરો ભરીને ઘરની બહાર નીકળતી અને થોડે દ્દૂર ઉકરડામાં ઠાલવી આવતી. આ વિધીને અળશ કાઢવાની વિધિ તરીકે ઓળખવામાં આવતી.
દેવદર્શન પણ ઉજવણીનો હિસ્સો 
બેસતા વર્ષની સવાર તો બહુ રોમાંચક રહેતી. પાછલા ત્રણે દિવસો કરતાં જરા વધુ વહેલા ઉઠી જવાનું રહેતું . કારણ કે શેરીમાં સબરસ સબરસ ની હાકલ પાડતો મીઠાની રેંકડીવાળો આહમદ આવી જતો અને શેરીની સ્ત્રીઓ શુકનનું સબરસ (મીઠું) ખરીદવા એને ઘેરી વળતી. અમારે તો છાપાં પાડવામાં પણ ઉતાવળ કરવાની રહેતી. કારણ કે તે પછી તરત જ સ્નાન કરીને વંદન-પ્રણામ-અને સાલમુબારકના સિલસિલામાં સામેલ થવાનું અનિવાર્ય હતું. શેરીમાં ત્રણ ઘેર ગ્રામોફોન હતા, તેમાં દિવાલી ફીર આ ગઇ સજની  અથવા આઇ દિવાલી આઇ દિવાલી જેવાં ગીતો વાગવા શરૂ થઇ જતાં. અને બીજી તરફ અતિ ઉત્સાહી પગે લાગૂઓનો ધસારો મારા પિતાજી જેવા ગામવડિલને કે પોતાના અંગત વડિલને પ્રણામ કરીને આશિર્વાદ મેળવવા માટે શરૂ થઇ જતો. તબલાં રીપેર કરવાનો વંશપરંપરાગત ધંધો ધમધોકાર ચલાવનાર એક ડબગર બંધુ તો રીતસર પોતે વર્ષમાં કદી ના માથે મુકતા હોય તેવા જરીયાન સાફા અને લાંબી અચકન-શેરવાની સાથે આવતા અને મુલાકાતીઓ માટે તાસકમાં મુકાયેલા સાકરવરીયાળીના બૂકડા ઉપર બૂકડા  ભરતા ત્યારે પોતાના રજવાડી પોષાકની પણ આમન્યા ના રાખતા.
અમે બન્ને ભાઇઓ સૌથી પહેલાં ભગવાનને, પછી અમારાં કુળદેવી સામુદ્રી માતાને અને પછી બા-બાપુજીને પગે લાગતા, મોટી બહેનને તો બરાબર પણ મારે તો જેમની સાથે છાપાં પાડતાં પાડતાં થોડી જામી ગઇ હોય એવા મોટા ભાઇને પણ પગે લાગવાનું રહેતું. એ પછી ગામમાં રહેતા બીજા અમારા વડીલોને અને શિક્ષકોને પગે લાગવા નીકળી જવાનું રહેતું.
પણ બપોરના સાડા બાર-એક થતા સુધીમાં તો દિવાળીના દિવસોના અંતની થોડી ઉદાસી મનને ઘેરી વળતી અને સાંજ થતાં સુધીમાં તો ફરી એની એ જ ઘટમાળમાં જોતરાઇ ગયાનો તીવ્ર અહેસાસ થતો.
**** **** **** 
બાપુજી દેવરામભાઈ - બા હિરાલક્ષ્મીબેન
બાપુજીએ તો 1966માં વિદાય લીધી, પણ છેક બાના અવસાન(1980) સુધી જ્યાં હોઇએ ત્યાંથી આવીને પણ દીવાળીના દિવસોમાં જેતપુર એકઠા થવાનો અમારો ક્રમ જારી રહ્યો. પછી એ તૂટ્યો. મોટાભાઇ પણ 1997માં ગયા. હવે જેતપુરમાં કેવી દિવાળી ઉજવાતી હશે એની કાંઇ ખબર નથી. બહેન કમળાબહેન આજે ત્યાંસી વર્ષનાં છે અને અમદાવાદમાં મારી નજીકમાં જ રહે છે. મને તોંતેર થયાં. હવે કેટલી દિવાળી જોવાની રહી  છે કોને ખબર ?

Tuesday, October 18, 2011

દેશભક્ત ગાંધીવાદી જૈન પરીવારનો કોઇ જુવાન મુસલમાની ફકીર કેવી રીતે બને?

(બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતીના પ્રખર સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકર જેતપુરમાં વસતા મશહુર ગાંધીવાદી અને ગાંધીજીની  સાથે બેરિસ્ટરીનું ભણેલા એવા દેવચંદ ઉત્તમચંદ પારેખના પરીવારના વેવાઇ હતા.હા, તેમના પુત્ર સતીશ કાલેલકરનું લગ્ન એ પરીવારનાં પુત્રી ચંદનબહેન સાથે થયેલું. અને વધુ રસપ્રદ વાત તો એ કે એ દંપતિનું સંતાન એવાં શૈલજાબહેનનું લગ્ન સુવિખ્યાત સાહિત્યકાર અને મહિલા અગ્રણી વિનોદિની નિલકંઠના પુત્ર સુકુમાર પરિખ જોડે થયું. એ પરીવાર અમદાવાદમાં વસે છે. શૈલજાબહેન પરીખ હવે પોતાના માતામહના એ પારેખ  પરીવાર અને પૂર્વજો વિષે  વિશદ સંશોધન કરી રહ્યાં છે.તેમની મનોકામના એક અભ્યાસપૂર્ણ ગ્રંથ લખવાની છે. એ માટે તેઓ અવારનવાર જેતપુરની મુ લાકાત લે છે . જેતપુરના ઇતિહાસ સંશોધક જિતુભાઇ ધાધલ તેમને એમાં સહયોગ આપી રહ્યા છે.શૈલજાબહેનને એ કાર્યમાં મદદરૂપ થઇ શકે તેવા જાણકારોને આગળ આવવા વિનંતી છે. તેમનો સંપર્ક-નિશાત બંગલોઝ, દેરાસર પાસે, દાદાસાહેબના પગલાં, યુનિવર્સિટી રોડ,નવરંગપુરા,અમદાવાદ-380 009/ ફોન-079-26401215 અને 26408393/મોબાઇલ-+91 98251 37005/ ઇ મેલ- shailajaparikh@hotmail.com . પ્રસ્તુત લેખ પણ કાકા સાહેબના વેવાઇ અને દેશસેવક એવા જેતપુરના એ  પારેખ પરીવારના એક વિશિષ્ટ એવા વ્યક્તિત્વ વિષે છે,) 
છોકરા-છોકરિયું ગીન્નો લાણ- કચ્છી મેમણી બોલીમાં લાણ લેવાનું ઇજ્જન આપતો કોઈ કોમળ કિશોર-સ્વર આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે વ્યાકુળ બની જાઉં છું. એક વાર આ સ્વર સાંભળીને હું પણ શેરીઓમાં દોડી જતો હતો. જેતપુરની ગલીઓમાં રોજ સંધ્યાકાળે આ પોકારના પડઘા પડતાંની સાથે જ શેરીઓમાં લીલાં કપડાં પહેરેલા ફકીરની જુબાજુ છોકરા-છોકરીઓની ઘીંગ એકઠી થઈ જતી. બાળકોની પગલીઓથી શેરીની ધૂળ ગોટો બનીને ફકીરની આજુબાજુ ઘૂમરાઈ વળતી અને છતાં એથી જરા પણ અકળાયા વગર પોતાના બન્ને ખભે લટકાવેલા અતલસના લીલા થેલાઓમાંથી મુઠ્ઠી ભરી ભરીને પીપરમેન્ટ વહેંચતાં વહેંચતાં એ બીજી શેરીઓમાં ચાલ્યો જતો અને ત્યાં વળી બીજી કોઈ કિશોરીને એ કહેતો, સાદ દે દીકરી. અને છોકરી સાદ પાડતી પ્રલંબ સ્વરે; છોકરા-છોકરિયું ગીન્નો લાણ. (છોકરા-છોકરીઓ લાણ થઈ જાઓ.) બાની મનાઈ હતી. બહારના કોઈનું આપેલું ખાવું નહીં. પણ હકાબાપુ ક્યાં બહારના કોઈ હતા ? એટલે મંજૂરી મળી ગઈ હતી. બા કહેતી : હકાબાપુની લાણનો સાદ પડે છે ને હુહભર્યો (શ્વાસભર્યો) દોડ્યો જાય છે. છે શું પણ એટલું બધું ઈ ગોળિયુંમાં ?
 ગીનો લાણના એ શબ્દો આજે હવામાં ઓગળી ગયા છે એવું નથી. શેરીઓ બદલાઈ છે – એના નકશા બદલાયા છે, આબોહવામાં હવે જેતપુરના સાડી ઉદ્યોગનો રંગીન પાસ બેસી ગયો છે – પણ એ શબ્દોની ગંધ હજુ ગઈ નથી. એ દિવસો તો હિંદુ-મુસ્લિમ વચ્ચે ખૂનખાર હુલ્લડ થયેલું એ પહેલાંના દિવસો હતા. પંચાવન-સાઠ  વરસ થવા આવ્યાં. પણ સાંઠી વટાવી ગયેલો કોઈ પણ ગૃહસ્થ જો એ જેતપુરમાં જ મોટો થયો હોય તો પોતાના સંતાનને એ કોઈ ફકીરના હાથનું નહિં ખાવાની શીખ આપી શકે તેમ નથી. કારણ કે એક જમાનામાં એ ખુદ જ હકાબાપુના હાથની પીપરમિન્ટ ખાઈ ચૂક્યો હશે, જેનું ગળપણ આજે પણ જીભ પર એ અનુભવતો હશે.
બાએ એક વાર કહ્યું હતું : તને ખબર છે, હકાબાપુ કંઈ મૂળથી ફકીર નથી. એ તો જૈન વાણિયાનો દીકરો છે.
જેતપુરના ખોડપુરા, જીનપ્લોટમાં આવેલા ભરતભાઈ પારેખની હવેલી જેવા મકાનમાં વીસેક  વરસ પહેલાં જ જવાનું થયું. જૈન વાણિયાનું ઘર એટલે જૈન મુનિની તસવીરો તો હોય જ.  અને હતી જ. પણ જોડાજોડ હકાબાપુ તો ઠીક કે એમના કાકા હતા એટલે એમની તસવીર તો હોય, પણ એમના ગુરુ કુબાશાહબાપુ, નિઝામબાપુ, લાલશાહબાપુની તસવીરો પણ જોવા મળે. નીચે કાચના કબાટમાં જૈન મુનિનાં સફેદ વસ્ત્રોની બાજુમાં ફકીરનો લીલો અતલસનો ઝબ્બો પણ દેખાય. એક પેટી ખોલીને બતાવી તો એમાંથી તસ્બી, વાઘ-નખ, લાલ-પીળા મણકા, લોબાનિયું નીકળ્યાં. જે થેલામાંથી અમને પીપરમિન્ટની લાણ મળતી હતી તે લીલો અતલસનો ઝોળો પણ ચમકતા સળ સાથે સંકળાયેલો કબાટના એક ખૂણે ને અને બધું બતાવતા દિલીપભાઈ, દીપકભાઈ અને ભરતભાઈ એ ત્રણેયના ચહેરા પર પૂરૂં ગૌરવ ! કોઈ ક્ષોભનો ભાવ નહીં  કે આ જૈન વણિકના ઘરમાં મુસલમાન ફકીરનો પોષાક ક્યાંથી?
તમે તો ભાઈ, પાકા જૈન. આચારે, વિચારે અને સંસ્કૃતિએ, બધી રીતે જૈન. તો તમારા પરિવારમાં આ ફકીર કેવી રીતે પાક્યો ?’ મેં પૂછી જ લીધું હતુ
 આટલા વરસે સવાલ જાગ્યો ?’
વતનની બહાર રહું છું એટલે મેં કહ્યું, બાકી ગીનો લાણના જમાનામાં તો હું લાણ લેનારો એક નાનકડો છોકરો હતો. એ વખતે મગજની પાટી કોરી હતી. પીપરમિન્ટ સત્ય હતી, જગત મિથ્યા હતું. મારા એક મિત્રનું નામ હારુન હતું, બીજાનું નામ હરિ હતું. એક છોકરી ભેગી રમતી તેનું નામ આઈસા હતું, જે આઈશાના નામે પાકિસ્તાન જઈને ફિલ્મોમાં નાનામોટા રોલ કરવા માંડી હતી. એક અનસૂયા હતી. એવી રીતે ઘરમાં એક મૂછાળા મહાદેવનો ફોટો હતો અને શેરીમાં સાંજે હકાબાપુના લીલે ઝભ્ભે દર્શન હતાં. આ બધાં વચ્ચે કોઈ ભેદ ફરક નહોતો. હવે મગજ ખાનાં ખાનાં થઈ ગયું છે. એટલે આવા સવાલો થાય છે કે જૈન વાણિયો ફકીર કેમ બન્યો ! બનવા જ કેમ પામ્યો ?’  
હકાબાપુ એટલે ફ્લેશબેકમાં હકમીચંદ માણેકચંદ પારેખ, પાટુ મારીને જ માની કૂખમાંથી જનમ્યા. તોફાની બનીને ઊછર્યા. એમંના પિતરાઈ ભાઈ દેવચંદ ઉત્તમચંદ પારેખ તો લંડનમાં ગાંધીજીની સાથે બેરિસ્ટરીનું ભણેલા. પણ એમની સલૂકાઈ અને મુત્સદ્દીગીરીને રક્તમાંથી તારવીને આ હકમીચંદે ઉકરડે ફેંકી દીધી. ગાંધીજી એક વાર દેવચંદભાઈને મળ્યા ત્યારે હકમીચંદ બોસ્કીનાં ચમકિલા કપડાં પહેરીને આંટા મારતા હતા. ગાંધીજી કહે, છોકરા, છોડી દે, છોડી દે આ પરદેશી ઠાઠ.... સ્વદેશી પહેર. ત્યારે હકમીચંદે બાર વર્ષની વયે પણ ઓઝપાવાને બદલે તડ ને ફડ કહ્યું : બાપુ, આ જિંદગીમાં અમને મન થશે ત્યાં સુધી બોસ્કીનાં કપડાં પહેરશું. મનને મારવું નથી. મન ના પાડશે ત્યારે તમે નહીં કહો તોય મૂકી દઈશું
 દેવચંદભાઈ ગાંધીજી બોલ્યા, તમે કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી છો. તમારે  એમને સમજાવવાના હોય – આ છોકરાને પણ સમજાવો.
બાપુ દેવચંદભાઈ કહે, છોકરો ઊંધી ખોપરીનો છે. અમારી જેતપુરના જમાઈવાડામાં મેમણોની વસ્તી વિશેષ છે. ત્યાં એ દિવસરાત પડ્યો પાથર્યો રહે છે. ને ક્યારેક કબ્રસ્તાનમાં જઈને પણ સૂઈ રહે છે ને પછી ઘેર આવીને પૂછે છે, બીક એટલે શું ? બીક એટલે શું ? મારે બીકને જાણવી છે. મને કેમ ક્યાંય કળાતી નથી ? એકવાર મેં એને કહ્યું કે બીક એટલે લોહી, બીક એટલે છરી તો તાજિયાના દિવસે એણે ઢોલ-ત્રાંસાના દ્રુત તાલ પર છરી લઈને યા અલ્લાહ – યા અલ્લાહ બોલતાં બોલતાં હૂલ લીધી – ધમાલ લીધી. હવે બાપુ, એમ કરતાં કરતાં આવેશમાં ને આવેશમાં છરીનું ફળું બે ઈંચ જેટલું એની છાતીમાં પેસી ગયું.
પછી ?’ ગાંધીજીએ પૂછ્યું
પછી તાજિયા સાથે ચાલતા લાલશાહબાપુને કોઈએ કહ્યું કે બાપુ, એક બનિયેકા બેટા હૂલ-ધમાલ લે રહા થા – ખૂન નિકલા. એટલે લાલશાહબાપુ દોડ્યા. એની છાતી ખુલ્લી કરી આકાશ તરફ હવામાં હાથ ઊંચા કર્યા. દુવા માંગી પછી માત્ર પોતાનું થૂંક ઘાવ પર લગાડ્યું. ઠીક થઈ ગયું. બસ ત્યારથી એ દરરોજ દરગાહમાં જતો-આવતો થઈ ગયો.
જવા દેવો. ગાંધીજી કંઇક વિચાર કરીને બોલ્યા, એમાં કશું ખોટું નથી.' 
 પણ લાલશાહબાપુએ પાંખમાં લીધા પછી પણ હકાનું તોફાન શમ્યું નહીં. ફકીરી વૃત્તિથી પડખોપડખ તામસીવૃત્તિ પણ વિકસતી જતી હતી. હકો યુવાન થયો. ખુદ હકાબાપુ બન્યો પણ એના ત્રીજા નેત્રમાંથી હંમેશાં આગ ઝર્યા કરતી. ને દરેક વખતે આગ ઝરવાની રીત પણ ન્યારી ન્યારી હતી. હકાબાપુ જુગારખાનું પણ ચલાવતા અને સવાર પડ્યે એ જુગારખાનાની પાઈએ પાઈનો વકરો જરુરતમંદોમાં ખેરાત કરી દેતા. વકરાની પાવલીને પણ ગજવે ટકવા ન દે અને ઉઘરાણીની એક પાઈ પણ અબાર ન જવા દે. છોડે નહીં. કેવી રીતે ?’
એકવાર એક પ્રાગજી લવજી નામના લુહારે આવીને લાલશાબાપુની પાસે રાવ કરી, બાપુ, આપકે ચેલે હકાબાપુને મેરેકુ બોત બદનામ કિયા ?’ બાપુએ પૂછેલા, કૈસે?’ ના જવાબમાં પ્રાગજીએ ભારે ભોંઠપ અનુભવી, છતાં વાતનો ફોડ પાડ્યો, વો મેરે પાસ જૂઆકે તીનસો રુપયે માંગતે થે, મેરે પાસ નહીં થે ટાલતા થા. વો બોલતે થે જમણે હાથસે મેરી ઉઘરાણી કે રુપયે દે ઔર અગર જરુરતમંદ હો તો ડાબે હાથસે મેરી પાસસે લે જા,. બાપુ મુઝકો યકીન નહીં પડી. મૈંને નહીં દિયા ઔર કલ રાત કો ડાયમંડ ટોકીઝમેં ફિલીમ દેખણે વાસ્તે ગયા તો વહાં હકાબાપુને ચાલુ ફિલમમેં સીલાઈડ (સ્લાઈડ) લગવા દી કે પ્રાગજી બહાર આ જા – મેરે તીનસો રુપયે તેરી પાસ બાકી હૈ. 
લાલશાહબાપુ હસીને બોલ્યા, તુ તો કિસ્મતવાલા હૈ લવાર. મગર દૂસરોં કે સાથ વો ક્યા કરતા હૈ માલૂમ હૈ ? હર દિવાલી કે દિન જેતપુરકા ઈસ્ટાન (સ્ટેન્ડ ચોક) હૈ ના ! વહાં કાલે પાટિયે પર ઉસકે સભી બાકી દેણદારો કે નામ લિખતા હૈ, ઔર નીચે લિખતા હૈ કી ઈન લોગોં કા કોઈ ભરોસા ન કરે. તૂ તો કિસ્મતવાલા હૈ કિ સિરીફ થેટર મેં હી તેરી ઘંટી બજી.
પ્રાગજી ગયો તો બહાર એને વધારે કંપાવનારા સમાચાર મળ્યા. મૈં અલ્લાહ કો માનતા હું ઔર વહાં કયામત કે દિન સબકી મુદત પડી હૈ. એમ બોલતા બોલતા હકાબાપુ આજે કોર્ટમાં ગયા હતા અને એમને ગાળ આપનાર અને ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી ઉપર છુટી કુહાડીનો ઘા કર્યો હતો. પછી કારાવાસની સજા સાંભળી. એ વખતે ન્યાયાધીશે ફરમાવેલી સજા માફ કરવાની સત્તા ગામના દરબારને હતી તે એ રીતે માફી પામીને હકોબાપુ પાછો શેરીઓમાં છોકરાઓને પીપરમીન્ટ વહેંચવા નીકળી પડ્યો. હજુ એક-બે ગલી ફર્યા હશે ત્યાં કોઈએ સમાચાર આપ્યા, હકાબાપુ પેલા ફરિયાદીએ એક ભરવાડને ઉશ્કેર્યો છે ને એ ભરવાડ હમણાં જ પોલીસમાં તમારા સામે માર માર્યાની ખોટી ફરિયાદ લખાવવા ગયો છે. સાંભળીને હકાબાપુની લાલઘૂમ આંખો વધુ લાલ થઈ. એ પોલીસચોકીએ દોડ્યા. ભરવાડને બોચીએથી પકડીને ફોજદારની સામે જ માર્યો અને કહ્યું, જા બેટા, અબ તેરી જુઠી ફરિયાદ પર મૈંને સચ્ચાઈ કી મોહર લગા દી.
એકવાર લાલશાહબાપુએ એને જુગાર અને ક્રોધ છોડી દેવાનું કહ્યું ત્યારે હકાબાપુની આંખમાં પાણી આવી ગયાં, મેરે ગરીબનવાઝ, આપ સમજો તો સહી, મૈં અપને લિયે થોડે હી જુઆ ખેલતા હું, ઔર ગરમી ભી અપુન કે લિયે થોડે હી ખાતા હૂં ? યે દોનોં મૈં ગરીબોં કે લિયે કરતા હૂં ઔર આપકા યે મુરીદ (શિષ્ય) તો સાલા ખાલી હી ખાલી રહેગા ઔર ઐસે હી મરેગા. કહીને એમણે બે હાથ ઊંચા કરી દીધા જાણે કે જુગાર અને ક્રોધ સાથે એમને કશી લેવા દેવા ન હોય. પછી વળી બોલ્યા, અગર આપ અલ્લાહ કા નામ છોડ દો તો મૈં જુઆ, છોડ દૂં – આપ બંદગી છોડ દો તો મૈં ગુસ્સા છોડ દું, બોલો, કબૂલ હૈં ?’
એ વખતે ગુરુ કંઈ બોલી શક્યા નહીં, પણ પછી એમના મનમાં થયું કે હકો હોટેલ ચલાવે, જુગારખાનું ચલાવે, ક્રોધ કરે એ બધું શા માટે ? કંઈક મેળવવા માટે જ ને ? તો લાવ એને માગે તે આપી દઉં, એટલે એમણે એકવાર હકાને અચાનક કહ્યું, હકા, કુછ માંગ લો. પીઠે હાથ પસવારીને કહ્યું કુછ ભી માંગ લો, ધન-દોલત, સોના-ચાંદી, જા મેરી દુઆ હૈ કિ બનિયેકા બેટા હૈ તો જૂતેકી ભી ફેરી કરેગા તો ભી તેરે ઘર પર સોને કે નલિયે હો જાયેંગે.
 સૌ સાંભળનારાના મનમાં હતું કે આ વાણિયો ફકીર હવે મોકો નહીં ચૂકે. છેવટે ભાઈના કુટુંબ માટે તો કંઈ માગી જ લેશે. પણ હકો બોલ્યો નહીં. આંખમાં આંસુની ધારાવાડી ચાલી. બોલ્યા, આપ કો જબ મૈં ચલમ ભર કે દેતા હું તબ આપ મેરા હાથ પકડ લેતે હૈ ના ?
લાલબાપુ બોલ્યા, હા, મગર ઈસકા ક્યા હૈ ?'
બસ હકાબાપુ બોલ્યા, જૈસા યહાં પકડતે હો ઐસા આકાશ તરફ આંગળી ઊંચી કરીને કહે, વહાં ભી પકડના મેરા હાથ, ઔર છોડના મત.
 'ભરતભાઈ', મૈં ભરતભાઈને ઢંઢોળીને પૂછ્યું, જુગાર અને ટંટાફિસાદમાં રચ્યાપચ્યા રહેનાર હકાબાપુને કોઈ મિત્ર હતો કે નહીં ?’
અત્યારે ધર્માદા દ્વારા હોસ્પિટલો બંધાવવાની પ્રવૃત્તિ કરનાર જનકમુનિ એમના પરમ મિત્ર હતા, ભાઈ. ભરતભાઈએ કહ્યું, અને હકાબાપુનું ખુદનું પણ જૈનશાસ્ત્રોનું અને વેદ-વેદાંતોનું વાચન ઘણું વિશાળ હતું.
અચાનક મને યાદ આવ્યું કે એકવાર હું દરગાહ પાસેથી પસાર થતો હતો ત્યારે મેં એક ભારે વિચિત્ર દ્રશ્ય જોયું હતું. હકાબાપુ દરગાહના પથ્થરને માથું ટેકવીને પોતાનું વાચન મોટેથી કરતા હતા. બીજી વાર નીકળ્યો ત્યારે અલ્લાહની યાદમાં તરફડી તરફડીને કરાહતા મેં એમને જોયા હતા. હું ડરીને દૂર ઊભો રહી ગયો હતો. થોડીવારે મારી પાસે આવીને બોલ્યા, તું તારા બાપુજી પાસે પગ પછાડી પછાડીને કોઈ ચીજનું વેન નથી કરતો ? એમ હું પણ મારા માલિક પાસે જમીન પર આળોટી આળોટીને વેન કરતો હતો.
 શેનું વેન ?’ મેં પૂછ્યું હતું.
 મને એમના ખોળામાં બેસાડવાનું. એ બોલ્યા. સમજી શક્યો નહોતો હું કે એ શું કહેવા માગે છે. છેક 1980માં મારી પુખ્તવયે મને એની ખબર પડી કે એ અદ્વૈતની વાત કરતા હતા.
હકાબાપુની દરગાહે હિંદુ ભક્તો 

પચાસ વરસ સુધી જેતપુરની ગલીઓમાં લોબાનની સુગંધ અને પોતાની આંતરિક ચેતનાનું તેજ ફેલાવનાર વણિક-ફકીર હકાશાહ 1980ની પાંચમી ઓક્ટોબરે એ અદ્વૈતને પામ્યા. ડાયરીમાં લખેલું હતું, મુઝે જલાના મત. મુઝે દાતારકે ટીલે કે પાસ દફન કરના. અગર કોઈ મુસલમાન કો મેરા દફનાના મંજૂર ન હો તો મેરી લાશ કો કુત્તે ઔર કૌઓં કો ખિલા દેના, ઉસસે મેરી રુહકો આરામ પહુંચેગા.એમની ઈચ્છા પૂરી થઈ. કોઈએ કશો વિરોધ ન કર્યો.
હજારોની સંખ્યામાં પત્રો આવ્યા આ સમાચાર જાણીને. પાકિસ્તાનથી આવેલો બે ભાઈઓનો એક પત્ર ભારે હૃદયસ્પર્શી હતો, અહીં અમે મોટા શેઠિયા બની ગયા છીએ, પણ હકાબાપુની લાણની પીપરમિન્ટનો સ્વાદ ભૂલ્યો ભુલાતો નથી. એમના ઈંતકાલના સમાચાર જાણતા સીનો ચાક થઈ ગયો. અમે અહીં એમની તારીખ પર ઉર્સ કરીશું. તમે અમારા વતી ત્યાં મોંઘામાં મોંઘી ફૂલની સંદલ (ચાદર) લઈને મજાર પર ચઢાવજો અને અમારા એ દુઆગીરને માટે દુઆ કરજો.
જેતપુરના આકાશમાં ક્યારેક ઊંચે જોઉં તો દેવ પુત્રો અને પયગંબરપુત્રો વચ્ચે કોઈક કોમળ સ્વર બોલીને કલ્પું છું, છોકરા-છોકરિયું, ગીન્નો લાણ.
જરુર હકાબાપુ ત્યાં પહોંચી ગયા!

Sunday, October 9, 2011

સૌરાષ્ટ્રમાં જન્મેલા હિંદી ફિલ્મ ગીતકાર કોણ? એમનું અતિપ્રખ્યાત ગીત કયું?


અમુક અપવાદોને બાદ કરતા નવા હિંદી ફિલ્મસંગીતમાં  ધાંધલ-ધમાલ અને શોરબકોરનું  પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ખરેખરા માધુર્યના ચાહક શ્રોતાઓ જુના ફિલ્મ સંગીત તરફ વધુને વધુ ઢળતા જાય છે. મોટા મોટા મ્યુઝિક સ્ટોરોમાં જુની હિંદી ફિલ્મો અને તેના સંગીતની રેક્સ વધતી જતી અને છલકાતી રહેતી જોવા મળે છે. અખબારોમાં આવતી મનોરંજન પેજીસની જાહેરખબરોમાં નાટક્ની જાહેરખબરોની  સંખ્યાની લગભગ બરોબરી જુના હિંદી ફિલ્મ સંગીતના કાર્યક્રમોની જાહેરખબરો કરે છે. સાઠ સિત્તેર વર્ષથી માંડીને પચ્ચીસત્રીસ વર્ષ પહેલા દિવંગત થઈ ગયેલા ગાયકો અને સંગીતકારોની  તસ્વીરોથી એવી જાહેરખબરોને શોભિતી બનાવવામાં આવે છે. અને બહારગામ રહેતા હજારો ભાવકો માત્ર એ તસ્વીરો જોઇને પણ પ્રમોદ પામે  છે. અમદાવાદ , રાજકોટ, જામનગર, સુરત, ભાવનગર, વડોદરા જેવા નાનામોટા શહેરોમાં જૂના ફિલ્મસંગીતને પિરસતી અનેક અનેક ક્લબો અને ખાનગી મંડળો હજારોની સભ્યસંખ્યા ધરાવે છે અને એમાં સભ્યપદ  મેળવવા માટેની લાંબી લાંબી પ્રતિક્ષાયાદીઓ છે. વયને કારણે હવે બરાબર ગાઈ ના શકતા એવા ગાયક મન્ના ડે હજુ પણ મોંઘા ભાવે ડિમાન્ડમાં છે. તો હવે જરા પણ ગાઈ ના શકતાં એકાણું વર્ષના  અજોડ ગાયિકા શમશાદ બેગમને તેમની નાદુરસ્ત તબિયત છતાં અનેક નિમંત્રણો મળે છે. તો આ તરફ વોઇસ ઓફ .....જેવા અનેક ગાયક-ગાયિકાઓ એ મર્હૂમ કલાકારોની અમીટ આભામાં પોતાની કિસ્મતને અજવાળી લીધી છે.
આ બધું જોઇને એમ અવશ્ય પ્રતિત થાય છે કે 1935 થી 1970-75 ના સમયગાળાનું હિંદી ફિલ્મ સંગીત  આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો બની રહેવા સર્જાયું છે. તેમાં પણ 1945 થી 1965 સુધીના સ્લોટ્ને સુવર્ણ તો શું પણ પ્લેટીનમ યુગ ગણાવાઈ રહ્યો છે તે તો બેશક માધુર્યનો વિરાટ મધપૂડો જ હતું. સંગીતની ઇન જનરલ-એટલે કે સર્વસામાન્ય છતાં સંકુચિત રહી ગયેલી વ્યાખ્યાને લેશમાત્ર ઊઝરડો પાડ્યા વગર એણે લોક્ભોગ્ય સંગીતને બહુ દેદિપ્યમાન ચહેરો બક્ષી દીધો. જેને અમરત્વનું વરદાન મળ્યું છે.
પરંતુ ઘણાના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે અને તે બિલકુલ સાચો જ છે કે શું આ સંગીતની ચિરંજીવતામાં  જેમના નામ આપણા કાને પડ્યા કરે છે તેવા માત્ર ગાયક કલાકારો અને સંગીતકારો જ પૂરા યશના અધિકારી છે ? સાઉન્ડ રેકોર્ડિસ્ટ કે સાઉંડ એન્જીનીયર્સ જેવા ટેક્નિકલ સહયોગીઓને રૂઢ અર્થમાં કલાકારની શ્રેણીમાં ના મુકીએ પણ મ્યુઝિક એરેન્જરો, વાદકો અને ગીતકારોનું શું ? કેમ તેમના નામની આપણે અવગણના કરીએ છીએ? એકોર્ડીઅન પર, ગીટાર પર,વાયોલીન પર,પિયાનો કે જલતરંગ પર, ફ્લ્યુટ પર, સિતાર પર,હાર્મોનિયમ પર, તબલા,ઢોલક.મૃદંગ અને પખવાજ પર, અરે ડફલી કે ખંજરી પરથી જોઇતો ધ્વની નિપજાવવાને માટે  જેમણે પોતાના હ્રદયનું રક્ત નિચોવી દીધું છે અને જેમના એકાદ પીસ ઉપર આપણે ઝૂમી ઝૂમી ઉઠીએ છીએ તેવા ગુમનામ કલાકારોને બોરિવલીના દિનેશ ઘાટે જેવા પોતાના લઘુમેગેઝીન સ્વર આલાપમાં યાદ કરે છે. મુકેશ ગીતકોશના નિર્માણકર્તા એવા તપસ્વી જેવા સંશોધક હરીશ રઘુવંશી(સુરત) જેવા તો એવા જ સમર્પિત અને જયકીશન પર ગ્રંથ લખનારા પદ્મનાભ જોશી(અમદાવાદ) ક્યારેક મિત્રોને મેલ પર આવા વાદનગંધર્વોની વાતો અને તસ્વીરો મોકલે છે. મને થાય છે કે આવા બેનમૂન વાદક કલાકારો પર કોઈ સંસ્થાએ  ખૂબ વિસ્તૃત સંશોધનાત્મક અભ્યાસ કરાવીને અધિકૃત કહી શકાય તેવા પુસ્તકનું લેખન યા સંપાદન યોગ્ય વ્યક્તિ પાસે કરાવવું જોઇએ અને  તે માટે ધન ખર્ચવામાં જરા પણ કસર ના છોડવી  જોઇએ.
લગભગ આવી જ સ્થિતી ગીતકારોની બાબતમાં પ્રવર્તે છે.અલબત્ત, હિંદીમા અને ગુજરાતીમાં એ દિશામાં થોડું કામ થયું છે. હવે તો કેનેડા જઈ વસેલા જાણકાર લેખક સલિલ દલાલનું થોડા ગીતકારો ઉપરનું એક સરસ  પુસ્તક ગાતા રહે મેરા દિલ  અમદાવાદના  આરપાર સાપ્તાહિકના તંત્રી મનોજ ભીમાણીએ પ્રગટ કર્યું. કચ્છના ગાંધીધામના ભાર્ગવ ભટ્ટે શૈલેન્દ્રના ઘણા ગીતોનો સંચય બહાર પાડ્યો છે. ગયે વરસે વડોદરા આકાશવાણીના રસજ્ઞ સ્ટેશન ડાઈરેક્ટર કવિ યજ્ઞેશ શુક્લે (હાલ રાજકોટ) ઘણા સમયથી સૂઝબૂઝવાળા યુવાન ઉદઘોષક અભિષેક શાહના સહયોગથી એક એક હિંદી ફિલ્મ ગીતકવિ ઉપર બહારના નિષ્ણાતોની પાસેથી લાંબા દસ્તાવેજી આલેખો મંગાવીને તેનું એ ગીતકારના ગીતો બજાવવા સાથે ગીત તમારા હોઠો પર કુલ બોંત્તેર હપ્તાનું પ્રસારણ કર્યું. આ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો. મશહુર શાયર હસરત જયપુરીના અતિ અંગત મિત્ર રહી ચુકેલા જામનગરના શાયરદિલ શ્રેષ્ઠી ચંદુભાઈ બારદાનવાલા હસરતજીના 1999માં ઇન્તેકાલ પછીના  દસ વર્ષ સુધી પૂરા દેશમાંથી સેંકડો સંગીતપ્રેમીઓને દિકરાની જાનમાં નોતરતા હોય તેવા ઉમળકાથી  જામનગર નોંતરીને ટાઉનહોલમાં હસરત સાહેબનો સંગીતમય હ્રદયાંજલી ભવ્ય કાર્યક્રમ ગાંઠના ખર્ચે યોજતા રહ્યા,દર વર્ષે એ કાર્યક્રમનો અંતિમ અંશ જોનારાની આંખમાં ઝળઝળીયા આવ્યા વગર ના રહે જેમાં એ અમર શાયરની વિરાટ તસ્વીરને તેમના જ રચેલા ગીત દિલ એક મંદીર હૈ ના પૂરા શ્રોતાગણ દ્વારા પ્રચંડ ઘોષ જેવા  સમૂહગાન સાથે પુષ્પાંજલી આપવામાં આવે. ભારતભરમાં હિંદી સિનેમાસંગીતના એક  શાયરનો આ પ્રકારનો  સ્મરણસ્પંદનથી તરબોળ બીજો કોઈ અંજલી કાર્યક્રમ થયાનું  સાંભળ્યું નથી.
હિંદી ફિલ્મસંગીતના ડી એન મધોક, પ્રેમ ધવન, આરઝુ લખનવી,સાહીર લુધિયાનવી, શૈલેન્દ્ર,હસરત જયપુરી,શકીલ બદાયુની,કમર જલાલાબાદી, મજરૂહ સુલ્તાનપુરી.ખુમાર બારાબંકવી, એસ.એચ. બિહારી, કૈફી આઝમી, ગુલઝાર, ઇંદીવર,આનંદ બક્ષી, રાજેન્દ્ર કૃષ્ણ, નીરજ, કવિ પ્રદીપ, ભરત વ્યાસ, નરેન્દ્ર શર્મા જેવા અનેક નામાંકીત ગીતકારોની સાથોસાથ કેટલાક એવા ગીતકારો પણ થઈ ગયા કે  જેમના ગીતો તેમના પ્રત્યેના કોઈ ઋણભાવ વગર તો ઠીક પણ તેમના નામ જાણવાની પણ દરકાર કર્યા વગર ગણગણ્યા કરીએ છીએ અને માત્ર સંગીત અને વાદ્યરચનાના વખાણ કર્યા કરીએ છીએ. પણ અનેક ગીતો  તો તેમના સંગીતને કારણે  નહિં પણ તેના શબ્દોને કારણે આપણને આપણા અતીતની સ્મૃતિઓના એકાંત અડાબીડમાં લઈ જાય છે અને ઘણીવાર તો આપણને આપણી અંગતતમ પીડા સાથે સમાધાન પણ સાધી આપે છે. ક્યારેક વર્તમાનમાંથી હળવે હાથે ઉંચકીને  ભુતકાળના હુંફાળા દિવસો અને  રંગીન રાત્રીઓની મદહોશ મનોમય સફરે ઉપાડી જાય છે. એ પંક્તિઓના રચયિતાઓના નામ જાણવાની ઉત્કંઠા કેમ કદિ જાગતી નથી? ખરેખર આ એક વૈચિત્ર્ય છે. અત્યાર સુધીમાં મેં ચંદુભાઈ બારદાનવાલા સિવાય કોઈ એવા શબ્દપરખંદાને જોયો નથી કે જે   હજારો  જુના ગીતોમાંથી  કોઈ પણ ગીતનું માત્ર મુખડું બોલતાવેંત એના ગીતકારનું નામ કહી શકે. રાત ગઈ ફીર દિન આતા હૈ, ઇસી તરાહ આતે જાતે હી યે સારા જીવન જાતા હૈ જેવું ફિલ્મ બૂટપૉલિશ  (1952)નું શૈલેન્દ્રની કલમની નિપજ લાગતું ગીત એમનું નહિં પણ સરસ્વતિકુમાર દીપકનું છે. એની ખબર એમની જ પાસેથી મને પડી.અને ફિલ્મના એ ગીતને સેંકડોવાર માણ્યા પછી પડી.
પણ આવા એક-બે નહિં બલકે અનેક ગીતકારો છે કે જેમણે થોડા પણ અવિસ્મરણીય ગીતો આપણને આપ્યાં છે. રામરાજ્ય(1943)ના ગીતોના રચનારા કવિ રમેશ ગુપ્તા પણ પોતે બનાવેલી ફિલ્મ મતલબી દુનિયા(1961)ના મુકેશના સુમધુર કંઠે ગવાયેલા હૈ મતલબકી દુનિયા સારી જેવા ગીત છતાં અને ઓ નીલ ગગનના પંખેરુ અને મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને જેવા બેમિસાલ ગીતો છતાં વિસરાઈ ગયા. નરસી ભગત(1957)ના ગીત દરશન દો ઘનશ્યામ આજ મોરી અંખિયા પ્યાસીના લેખક ગોપાલસિંહ નેપાલીના એ યાદગાર ગીતની વાત કરું.  એ આર રહેમાનને જે માટે ઓસ્કાર મળ્યો તે ફિલ્મ સ્લમડૉગ મિલીયોનેરના એક  ક્વીઝના દ્રશ્યમાં એ ગીતના રચયિતા તરીકે સ્પર્ધકોને  તુલસીદાસ, મીરાબાઇ, સુરદાસ, અને કબીર,  એમ ચાર વિકલ્પો  આપવામાં આવેલા, તેમાંથી સુરદાસનું નામ આપનારાને  વિજેતા જાહેર થતો બતાવવામાં આવેલો, એ પછી  સ્વ. ગોપાલસિંહજીના વારસદારોએ વાંધો પણ ઉઠાવેલો,  મતલબ કે કરોડો દર્શકો સમક્ષ ગોપાલસિંહજીની હસ્તીને મીટાવી દેવામાં આવી.
ગીતકાર રમેશ શાસ્ત્રી 
આવા વણઓળખાયેલા, અણપ્રિછ્યા ગીતકારોના સંદર્ભમાં વાચકો માટે તદ્દન તદ્દન અજાણી રહી ગયેલી  એવી એક  વાત કરું. હિંદી ફિલ્મજગતના સુવર્ણયુગના ગીતકારોમાં કોઈ મૂળ ગુજરાતીનુ નામ યાદ આવે  છે ? ના, એની ખબર ના હોય તો એ દોષ આપનો નથી,એમની બદકિસ્મતીનો છે.  એ ગીતકારનું નામ ડૉ રમેશ શાસ્ત્રી, રાજકપૂરે પોતાની બીજી ફિલ્મ બરસાત(1949)માં ગીતો લખવા માટે જે જાહેરાત આપેલી તેના જવાબમાં એ વખતે બનારસ રહેતા રમેશ શાસ્ત્રીએ પોતાની જે રચનાઓ તેમને બતાવી અને  તેમાંથી જે રચના પસંદ થઈ અને પછી એમાથી જે અજરામર અમર રચના બની આવી  તે હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલકા. એ પછી તો એમના બીજા અનેક ગીતો ફિલ્મોમાં પ્રસિધ્ધ થયા. ફિલ્મ હર હર મહાદેવ(1950)નું ગીતા દત્ત( એ વખતે રૉય)ના કંઠે ગવાયેલું  કંકર કંકર સે મૈં પૂછું શંકર મેરા કહાં હૈ પણ એમનું જ. જો કે બરસાત પછી તો મોટે ભાગે એમણે પૌરાણિક ફિલ્મોમાં જ ગીતો લખ્યા. રેડિયો સિલોન પરથી રામશરણના ઉપનામથી જે સુંદર ભજનો આવતા તે પણ તેમના જ.
સૌરાષ્ટ્ર યુની.ના પદવીદાન સમારંભમાં
દીપ પ્રગટાવતા ડૉ. રમેશ શાસ્ત્રી (૧૧/૧/૭૩) 
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા દીયોર ગામના રમેશજીનો જન્મ 1935 ની 2જી ઑગષ્ટે. પિતાનું નામ યમુનાવલ્લભ નરભેરામ શાસ્ત્રી. પોતાની નાની વયે થયેલા પિતાના અવસાન પછી ભાભીના કડક સ્વભાવના કારણે એમણે ગૃહત્યાગ કરીને બનારસ જઇને સંસ્કૃત સાહિત્યમાં વિશારદની પદવી મેળવી, શિઘ્રકવિત્વ કુદરતની દેણગી હતી.એ પછી વતન ગુજરાત આવ્યા અને શ્રી સરયુદાસજીના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓને ભણાવવા સાથે સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ પણ જારી રાખ્યો અને આગળ જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્યના પ્રથમ પીએચ.ડી. થયા. એ પછી સરકારી આયુર્વેદ કોલેજોમાં ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં સેવાઓ આપી, છેક 1990માં નિવૃત્ત થયા અને એ પછી પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જ્ઞાન આપતા રહ્યા.
ફિલ્મોમાં આટલા સુપર હીટ ગીતો લખવા છતાં તેમાં આગળ જવાની મહાત્વાકાંક્ષાના અભાવને કારણે અને શુધ્ધ સનાતની વિચારોને લીધે રાજકપૂરના વારંવારના તેડાં છતાં એમણે મુંબઇનો વસવાટ કદિ ના સ્વિકાર્યો. અને  માત્ર સંસ્કૃત સાહિત્યના અધ્યયન અને અધ્યાપનમાં જ જિંદગી ગુજારી.
પરંતુ તેમનું અંગત જીવન પુષ્કળ અને તિવ્ર ચઢાવ-ઉતારવાળું રહ્યું, પત્ની ઇશબાળાથી એમને બે સંતાનો થયાં, જે થયાં તો તેજસ્વી પરંતુ એમાંથી મિકેનિકલ એન્જીનીયર એવો પુત્ર કપિલદેવ ડિપ્રેશનનો શિકાર બન્યો અને રમેશ શાસ્ત્રીને  ખુદને કેન્સરમાં  પત્નીના અવસાન પછી સ્ટ્રોક આવ્યો અને બે મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા, એ પછી થોડા સમયે સેરીબ્રલ પાલ્સીનો ભોગ બન્યા અને પૂરા દસ વર્ષ એ અપંગાવસ્થામાં જ પથારીવશ રહ્યા.એમને માનસિક રીતે યાતના ભોગવતા જોઇને યુવાન પુત્રીએ તેમની મનોચિકિત્સા બરાબર થઈ શકે તે વાસ્તે સાઇકોલોજીમાં એમ. એ . કર્યુ.અને અત્યારે એ –પ્રો. સંગીતા શાસ્ત્રી -ગુજરાત કોલેજમાં સાઇકોલોજી વિભાગનાં હેડ ઓફ ડીપાર્મેન્ટ છે અને નિમેશ દેસાઈ જેવા નામાંકિત દિગ્દર્શક માટે પટકથા લેખનનું કાર્ય પણ કરે છે.પિતાની અને માનસિક રીતે અસ્વસ્થ ભાઇની  સેવા માટે અપરિણીત રહ્યાં, પરંતુ હવામેં ઉડતા જાયેના ગીતકાર એવા કવિ રમેશ શાસ્ત્રીએ અમદાવાદમાં જ ગુમનામ અવસ્થામાં 2010ના એપ્રિલની 30મીએ હંમેશાને માટે આંખો મીંચી દીધી,
આજે પણ આવા કર્ણ અને શ્રુતિમધુર ગીતો સાંભળતી વેળા જેમની કલમમાંથી એની પંક્તિઓ સરી એ  ગીતકારો કેમ યાદ નથી આવતા?
આ અનોખા ગીતકારની સ્મૃતિને એમનું આ અમર ગીત સાંભળીને તાજી કરીએ.



Sunday, October 2, 2011

દેવ આનંદ: ઉદય, મધ્યાહ્ન અને સંધ્યા મારા ચિત્તમાં (ભાગ ૨)


દેવ આનંદની આવા દિવસોમાં કોતરાતી છબી એમની ઉત્તરોત્તરની ફિલ્મો પછી વધુ સુરેખ બનતી ગઈ. પણ દિલીપકુમારને ટોપ ગણવાની એક ફેશન હતી તેથી દેવ આનંદ ગમે ખરા (ખરો નહીં પણ ખરાબોલાતું. પણ તે માનાર્થે નહીં, એક બોલીની લઢણરૂપે, પુરાવો: તે આખું વાક્ય: "પણ સાલો કયેંક (ક્યારેક) બાયલો લાગે.”) પણ તે ત્રીજા નંબરે, રાજકપુરનો બીજો નંબર બજારમાંય પાકો હતો. એટલે કોઈપણ પ્રકારના તુલનાત્મક અધ્યયન વગર આ ક્રમ સર્વમાન્ય બની રહ્યો હતો. અલબત્ત, આમ છતાં આની ચર્ચા કરતાં કરતાં પણ દેવ આનંદને અન્યાય ના થઈ જાય તેની કાળજી રાખતા. તે એના તરફના તીવ્ર આકર્ષણનો પુરાવો હતો. મારા મોટાભાઈ ઈંદુકુમાર ધોળા-ઉમરાળા નોકરીમાં હોવાથી શનિ-રવિ ભાવનગર આવતા ને અમે બે ભાઈઓ સાથે શનિવાર રાત કે રવિ મોર્નિંગ શો જોવા જતા. ૧૯પ૬ નું ફંટૂશઅમને બન્ને ભાઈઓને બહુ ગમ્યું હતું. એમાં એક દૃશ્યમાં કે.એન.સિંગ પાગલ હોવાનો ઢોંગ કરતા દેવ આનંદને પાટા ઉપર સૂઈ જઈને આપઘાત કરવાની ફરજ પાડે છે. તેમાં સિગારેટનો બંધાણી દેવ આનંદ ટ્રેન આવતા પહેલાં પાટા પાસે ઉભા રહીને સિગારેટના સટ (કશ) દસ ગણી ઝડપે મારવા માંડે છે. તેની કોપી કરવાનું ઈંદુભાઈ મને વારંવાર કહેતા. હું કરતો. તેઓ ખુશ થતા. આ દૃશ્ય વખતના દેવઆનંદના ચહેરાના ભાવ આ-લા-ગ્રાન્ડ હતા.
**** **** ****
એ પછી ૧૯પ૭માં ભણવા માટે હું અમદાવાદ આવ્યો અને ઘીકાંટા પરના લિબર્ટી (હાલનું મધુરમ)માં પહેલી ફિલ્મ જોઈ તે પેઈંગ ગેસ્ટ’ . આ ફિલ્મ ફંટૂશના અનુસંધાન જેવી લાગતી, જો કે એ બન્નેની વાર્તા વચ્ચે કોઈ સામ્ય નહોતું. સામ્ય હતું તે માત્ર એસ. ડી. બર્મનના સંગીતનું અને દેવ આનંદના રમતિયાળપણાનું.
પેઈંગ ગેસ્ટમાં દેવ આનંદ બુઢ્ઢાનો મેઈકઅપ કરીને જે રંગ નૂતન સાથે જમાવે છે તેને આઝાદમાં દિલીપકુમારની તેવી ભૂમિકા સાથે સરખાવો તો સમજાય કે દિલીપકુમારનો (વૃદ્ધ તરીકેનો) અભિનય કદાચ વધારે વાસ્તવિક લાગે, પણ જે ઉંમરે વાસ્તવ કરતા અતિરંજકતાનો ટોનિક જેટલો વાજબી ડોઝ વધુ ગમતો હોય તે ઉંમરે તો દેવ આનંદ જ વધુ ગમે. તે ગમોપાછલી ઉંમરે પણ ભૂંસી શકાતો હોતો નથી. તે હિસાબે આજે પણ બેમાંથી એક પીસ જોવાનો હોય તો હું પેઈંગ ગેસ્ટનો દેવ આનંદવાળો પીસ જોવાનું જ વધુ પસંદ કરૂં. (એક આડવાત: પેઇંગ ગેસ્ટ ”હું મિત્ર મનોહર ભાટીયાને ચકમો આપીને એક ગર્લફ્રેન્ડ સાથે જોવા ઘૂસી ગયેલો. ચકમો એ રીતે કે ટિકિટ મેં ભાટીયા પાસે એ રીતે અગાઉથી ખરીદાવેલી કે હું તારી સાથે એ ફિલ્મ જોઇશ ને મારા ભાગના પૈસા હું આપી દઇશ. એને બદલે બેય ટિકીટના પૈસા એના ગળામાં નાખીને હું અને મારી ફ્રેન્ડ સાથે ઘીકાંટા પરના લિબર્ટી ટૉકિઝમાં પેસી ગયેલા. ભાટિયો એની અશુદ્ધ ભાષામાં મને ગાળો આપતો આપતો ખોડંગાતી ચાલે લાલ દરવાજાથી નવ નંબરની બસ પકડીને હોસ્ટેલ ભેગો થઇ ગયેલો.)
અલબત્ત, અમદાવાદમાં આ ગાળામાં દિલીપકુમારની નયા દૌર’, ‘મધુમતિ જેવી ફિલ્મો આવી. રાજકપુરની અનાડીઆવી. નયા દૌરકૃષ્ણ ટોકિઝમાં, ‘મધુમતિરીલીફ ટોકિઝમાં, ‘અનાડીરૂપમ ટોકિઝમાં જોઈ. એક જ અઠવાડીયું ચાલીને પછી પ્રતિબંધિત થઇ ગયેલી બેગુનાહ પણ જોયેલી. ચોરી ચોરી’  અગાઉ ૧૯પ૬માં ભાવનગરમાં જોઈ હતી, પણ ત્યારે પ્રોજેક્ટરમાં એના રીલ આડાઅવળા ચડી ગયા હતા, તેથી અવળસવળ પ્રસંગો, વેરવિખેર ઘટનાપ્રવાહને કારણે મઝા નહોતી આવી. સીટીઓ મારી મારીને હોઠ દુઃખી ગયેલા, પણ રીલો સરખા કરવા જતા પછીના શોનો ટાઇમ થઇ જાય તેમ હતું, એટલે અમને ટિકિટના પૈસા પાછા આપીને પાછા કાઢેલા. તે એ રીતે યાદગાર ફિલ્મ ચોરીચોરી અમદાવાદમાં રૂપમમાં મોર્નિંગ શોમાં ફરીવાર જોઈ ત્યારે સરખી જોઈ, પણ ફરી એકવાર નિષ્કર્ષ તે એ કે રાજકપુર (ડફોળ, અનાડી, નાસમજ, ભોટ) કે દિલીપકુમાર (ઘોડાગાડીવાળા કે પુનર્જન્મની સ્મૃતિઓમાં ગુમસુમ) સાથે આપણું કોઈ રીતે રિકન્સાઈલેશન થતું નહોતું. તે દેવ આનંદના કાલા પાની’, ‘બારીશકે એવી ફિલ્મોના સ્માર્ટ, મસ્તીખોર, મોજીલા, રોમેન્ટિક ચિત્ર સાથે રિકન્સાઈલ થતું હતું. એ ચિત્ર સાથે વધુ તાદાત્મ્ય અનુભવાતું.
લાગે છે કે આ એક એવી ચીજ છે કે જેને ઘરસાથે સરખાવી શકાય. ફાઈવ સ્ટારથીય મોટી સારામાં સારી હોટેલમાં રહો, રિસોર્ટસમાં રહો, હિલસ્ટેશને રહો, બનાવટી ગામડા જેવા ઉભા કરેલાં રમ્ય વાતાવરણમાં રહો. પણ એટ હોમતમે માત્ર તમારા પોતાના કાયમી આવાસમાં જ ફીલ કરો. તેમ આ બધા જ અભિનેતાઓ સાથે માત્ર એ એક જ અભિનેતા એવા હતા કે જેની સાથે એટ હોમફીલ કરી શકાતું હતું. પણ શું આ એક જ કારણ હતું ? ના, આજે વિચારતાં એમ લાગે છે કે એમ તો બલરાજ સહાની અને પછી સંજીવકુમાર, અમોલ પાલેકર, ફારૂક શેખ જેવા સમર્થ, સક્ષમ અભિનેતાઓ આવ્યા. જેઓ હિરો પણ બન્યા હતા. પણ એ લોકો સ્ટારના બન્યા. કારણ કે એમનામાં ગ્લેમરનો અભાવ હતો. મારા જેવી માનસિકતા ધરાવતો માણસ (હું બીજાઓની માનસિકતા ક્યાંથી જાણું ?) માત્ર એટ હોમફીલ કરવાથી પણ સંતુષ્ટ ના હોય. તો પણ એને બીજે જઈને પ્રદર્શનો કરવાય ના ગમે,   પોતાના સાદા ઘરને વધુમાં વધુ દર્શનીય, શોભીતું બતાવવાની ઝંખના એને રહ્યા જ કરે. એટલે જ ઈલેક્ટ્રીકની રંગબેરંગી પેનલ ધારાવીની ઝૂંપડપટ્ટીના કોઈ ઝુંપડા ઉપર પણ જોવા મળે છે. વાસ્તવના ધરાતલ પર પણ કાંઈક અધિક રોગાન તો સૌને જોઈએ જ છે..
 એમ દેવ આનંદના ગમવા પાછળ આ એક કારણ હતું. રાજકપુરનું ભોટ, ગામડીયા, બીન-ચાલાક, પાત્ર વાસ્તવ જગતનું નહોતું. આપણી અડોશપડોશમાં કોઈ એવો માણસ ન જોવા મળે. દિલીપકુમાર જેવો ઘા ખાધેલો, ગંભીર, સતત સંવેદનાપૂર્ણ ચહેરો લઈને ફરતો માણસ પણ એમ હાલતાજોવા ના મળે, જયારે દેવ આનંદ, ભારતભૂષણ, અમોલ પાલેકર, બલરાજ સહાની, ફારૂક શેખ જેવા નોર્મલ માણસો તો રોજ જોવા મળે. પણ આમાં દેવ આનંદ વિશેષ ગમે, કારણ કે એક તો ગજબનો ચાર્મીંગ, સ્ટાઈલીશ, ઉંચો અને મસ્તીખોર, રમતીયાળ, વળી કાંતાસંમોહનમાં કુશળ, આ બધી ક્વોલીટીઝ, આ બધી વસ્તુ હોય પછી કલાકીય ધોરણો, બહુ લક્ષમાં લેવાના ના હોય.
**** **** ****
આમ  જ્યારે મારી વાત કરૂં છું ત્યારે આ સમગ્ર ભૂતકાળનું સ્મરણ કરવું જરૂરી લાગે છે. ફોટો પડવાની ક્ષણ અને ફોટો હાથમાં મૂકાવાની ક્ષણ વચ્ચે કેટલીક ફોટો ઉઘડવાની ક્ષણો હોય છે અને એનો રી-કેપ, રી-રન જ બહુ રસપ્રદ હોય છે. આજે મારા મનમાં રહેલી એની છબીની વાત કરવી છે ત્યારે મારે કંઈ એની જાણીતી જીવનકથા કે એમની સાથેની પ્રત્યક્ષ મુલાકાતો વિષે લખવાનું ના હોય.(પછી તો ઘણી મુલાકાતો થઇ, એમની સાથે અંગત પરિચય પણ ખાસ્સો થયો અને રહ્યો પણ તેવી વાતો ફરી ક્યારેક કરીશું.) આવી વ્યક્તિઓ  આપણી મિત્ર નથી હોતી,  સગા-વહાલામાં નથી હોતી, પાસ-પડોશમાં નથી હોતી,   કદિ મળવાની, એમની સાથે વાત કરવાની શક્યતા (ભલે મારા કિસ્સે બની, પણ) બનવી કંઈ અનિવાર્ય નથી હોતી, તે જો આપણા વિચારતંત્ર, સંવેદનતંત્રમાં વારંવાર ઝબકી જતી હોય તો એને કેજયુઅલ ના ગણાય. એના વિષે લખવું હોય તો આપણી જાતના સંદર્ભ સમેત જ લખી શકાય. એનાથી પૃથક પાડીને નહીં. એ તો ટોડલા વગર તોરણ બાંધવા જેવું લાગે.
ખેર, જીવનમાં યૌવનના સાવ પ્રારંભિક કાળે દેવ આનંદની આ ઈમેજ ધીરે ધીરે ઉઘડી, ઉઘડતી રહી તે થોડા પરિપક્વ યૌવનના કાળે વધુ સુરેખ સુદૃઢ બની. તે ગાળો ૧૯૭૦ અને પછીનો દાયકો હતો. અમે કોલેજમાં (અમદાવાદમાં) ભણતા હતા ત્યારે મિત્ર વસંત દેસાઈ દિલીપકુમારનું કોઈ ઘસાતું બોલે તો મારામારી કરી બેસે તેવા એમના ફેન, વિનેશ પટેલ દેવ આનંદ માટે એવા ઝનૂની. જયારે રાજકપુરનો હું એ સ્પેરહોવાના કારણે પ્રશંસક. બાકી અંદરખાને મને દેવ આનંદ જ વધુ ગમતા. લોકો આ અભિનેતાઓની સ્ટાઈલની નકલ કરતા. હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી, જેઓ અમારા અધ્યાપક હતા તેઓ દિલીપકુમાર જેવી હેર સ્ટાઈલ રાખતા, જયારે વિનેશ દેવ આનંદની સ્ટાઈલથી વાળમાં ફૂગ્ગો પાડતો. મને કોઈ એવી ઘેલછા નહોતી વળગી. ને વળગે તો એ અમલી બનાવી શકાય એમ પણ નહોતું. કારણ કે ન તો રાજકપુર જેવી નીલી આંખો હતી કે ન તો કટ મૂછો રાખી શકાય એટલો મૂછોનો જથ્થો. છેક ચાર-પાંચ દિવસે એકવાર શેવિંગ જરૂરી બને. એટલા જ કોંટા ફૂટ્યા હતા એમાં કોઈ શોખ કે વહેમ રાખવા શક્ય નહોતા. ને મને બેઝીકલી એવો શોખ નહોતો અને નથી, એ પણ હકીકત છે.
પણ લાગે છે કે આ એક્ટરોની સ્ટાઈલનો યુગ ૧૯૭૦ પછી આથમી ગયો. એમાં દેવ આનંદનો ફૂગ્ગોગયો. એ જોઈને વિનેશ બહુ દુઃખી થઈ ગયો હતો. દેવ આનંદને કાલા પાની’ (૧૯પ૮) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો ત્યારે એણે દેવ આનંદનું કોઈ પોસ્ટરમાંથી ફાડેલું મોટું ચિત્ર પોતાની રૂમના બારણે લગાવ્યું હતું અને દિલીપકુમાર, રાજકપુરને એના ચરણોમાં બેઠેલા બતાવ્યા હતા. જે માત્ર થોડા જ કલાક રહ્યું. કારણ કે વસંત દેસાઈએ દિલીપકુમારના વકીલતરીકે ગૃહપતિ એ.ડી.ઝાલાને ફરિયાદ કરી હતી અને એમણે જાતે જ નખોડીયા ભરી ભરીને એ ચિત્ર ફાડી ફાડીને ઉખાડી નાંખ્યું, ત્યારે દેવ આનંદની આ અવદશા જોઈને વિનેશની આંખમાં ઝળઝળીયાં આવી ગયા હતા. આ વિનેશ ૧૯૭૦ પછીની દેવ આનંદની ફિલ્મોમાં ફૂગ્ગા ગુમહાલતમાં જોઈને નારાજ થયો હતો. (વચ્ચે એક આડવાત - ૧૯૬૦ ની આસપાસ ગુજરાત સમાચારના ચિત્રલોક સાપ્તાહિકે દિલીપકુમારને લટ ના હોત તો ?’ નામની ગુજરાતવ્યાપી લેખન સ્પર્ધા યોજી હતી. એમાં મને ત્રીજું ઈનામ રૂપિયા દસનું મળ્યું હતું. એ વખતે વિનેશે એ લોકોને દેવ આનંદના ફૂગ્ગા વિશે હરિફાઈ યોજવાનું સૂચન કર્યું હતું, પણ એ ટપાલ નોટપેઈડ થવાના કારણે પાછી આવી હતી. ટપાલી શિવરામ સાથે એણે એ માટે ઝઘડો કર્યો હતો.)
વિનેશ જેવો જ આઘાત ભારતભરમાં બીજા અનેકોને લાગ્યો હશે પણ દેવ આનંદે એ જ અરસામાં નવો જ કરિશ્મો કર્યો અને તે વસ્ત્ર પરિધાનનો. ફૂગ્ગાની ખોટ ભરપાઈ થઈ ગઈ. અંગ્રેજીમાં જેને ગ્રોટેસ્ક’ (Grotesque) કહેવાય તેવા પરંપરાગત રીતે વય સાથે સુસંગત ના ગણાય તેવા રંગ-બેરંગી, મોટા કોલર, ચટ્ટાપટ્ટા, ગલપટ્ટા, સ્કાર્ફ કે એવા કોઈ મોટા ડાખળા શુઝ અને ઉપરાંત પોતાની સ્ટાઈલમાં ઔર લચક-મચક, સ્ફૂર્તિ, ઉછળકૂદ.ચહેરો વાંકો કરીને
નવા રૂપરંગે 
ઝીણી આંખો કરીને બોલવું, ઝડપી ગતિથી, વચ્ચે વચ્ચે શબ્દોને ઝુલાવીને બોલવું, મોટી ડાંફ ભરીને ચાલવુંજેવી અદાઓ પેદા કરીને તદૃન જુદી ઈમેજ ઉભી કરી દીધી. આની પહેલા ગેમ્બ્લર’, ‘તેરે મેરે સપનેજેવી ફિલ્મોમાં એની શરૂઆત હતી. તો ગાઈડમાં એનો  મધ્યાહ્ન હતો પણ પરાકાષ્ટાએ જહોની મેરા નામમાં એ બધું પહોંચ્યું. હું માનું છું કે એની એ સ્ટાઈલ ડેવલપ કરવામાં દેવ આનંદ કરતાં પણ વધુ મોટો ફાળો જીનીયસ વિજય આનંદનો હતો. દેવ આનંદની વધતી વયને,  ઘસાતા જતા ચાર્મને કોમ્પેન્સેટ કરવા માટે આવું કંઈક કરવું જોઈએ.એ નિઃશંકપણે એનો જ વિચાર હતો. આ ના થયું હોત તો દેવ આનંદ બીજા બન્ને અભિનેતાઓની ઉઠતી બજાર પહેલાં જ ચરિત્ર અભિનેતાની ભૂમિકા ભજવતા થઈ ગયા હોત.
 ૧૯૭૦ ની સાલ પછી બનેલી દેવ આનંદની ઈમેજ સાથે ભાગ્યે જ કોઈ તાદાત્મ્ય સાધી શકે. પણ જે માણસોએ, પ્રેક્ષકોએ એની સાથે નાનપણમાં છેડાછેડીબાંધી હોય તે બહુ જલ્દી એમાંથી છુટકારો પામી શકે નહીં. હું એમાંનો એક છું અને મારા જેવા કરોડો છે. એના પછીના ફાલમાં ઓમપુરી, નસીરૂદ્દીન અને એવા બીજા અનેક એક્ટર્સ આવ્યા. સ્ટાઈલીશમાં ગણીએ તો રાજકુમાર. ગુડલુકીંગમાં ધર્મેન્દ્ર, શશી કપુર, શમ્મી કપુર. શમ્મી કપુરે તો તુમસા નહીં દેખા’ (૧૯૯૭)માં દેવ આનંદની સ્ટાઈલ પૂરેપૂરી અપનાવી, તે વખતે દેવ આનંદનો મધ્યાહ્નકાળ હતો. જોવાની મઝા એ કે શમ્મી કપુરે દસેક વર્ષ એના જોર ઉપર જબરી લોકપ્રિયતા મેળવી. પણ દેવ આનંદ જેવી ચહેરાની સૌમ્યતા, કુમાશ, શાલીન પરિવેશ એમાં નહોતો, તેથી સ્વાભાવિકપણે જ શમ્મી કપુરની પંક્તિ જુદી રહી. બલકે એમ કહી શકાય, થોડાક લફંગા હિરોનો ચાલ ગુરૂદત્તે શરૂ કર્યો હતો. (આરપાર, મિસ્ટર એન્ડ મિસીસ ફીફટી ફાઈવ) એમાં શમ્મી કપુર દેવ આનંદની સ્ટાઈલ ઘોળવા છતાં લફંગાપણું મિટાવી ના શક્યા. જયારે દેવઆનંદ બાઝી’, પોકેટમાર’, ‘જાલ’, ‘જવેલથીફજેવી ફિલ્મોમાં નેગેટીવ કેરેક્ટર કરવા છતાં કદીએ લફંગા, મવાલી જેવા પાત્ર તરીકે મનમાં બેઠા જ નહીં, પછી ભલેને ગળામાં ટપોરી જેમ રૂમાલ-સ્કાર્ફ નાખે, વાંકી-ઉંધી ફેલ્ટ પહેરે, મોમાં હોઠ વચ્ચે સિગારેટ રમાડે, જામ પર જામ પીને ચકચૂર થઈને પરદા પર દેકારો મચાવતા દેખાય... પણ કદી બદમાશી, સસ્તાપણું એમના વ્યક્તિત્વમાં આવી ન શક્યું. એક સદાયનું સુવાળાપણું જે કુદરતી રીતે જ તેમના ચહેરા-મહોરા અને વ્યક્તિત્વમાં છે તેણે કદિ એમને સડકછાપ લાગવા જ દીધા નહીં. મને લાગે છે કે બીજા કોઈ અભિનેતા માટે આ શક્ય બન્યું નથી. ધારે તો પણ વીલનીશ લુકતેમનામાં આવી ના શકે, તેઓ લાવી ન શકે. એને કારણે એ સદા લાગણીલાયક બની રહ્યા. અલબત્ત, આ બાબતમાં તેમના શરીરે તેમને સાથ આપ્યો.(તેમણે મારી સામે 74 ની ઉમરે જે અભિનય કરી બતાવ્યો તેની તસ્વીર આ સાથે મુકી છે.) 


તેમણે શશી કપુર, રાજ કપુર, શમ્મી કપુર, પ્રેમનાથ, દિલીપકુમાર, અજીતની જેમ મારક શરીરને બેડોળ, દુંદાળું, ભારે બનવા દીધું નહીં. અશોક કુમારની માફક વડીલાઈ એમની સિકલ પર જન્મી જ નહીં. બૂઢાપો તેમના ઉપર છવાયો પણ તે બહુ મોડો અને એણે એમને વધુ આભા (ગ્રેસ) આપી.
હંમેશા ર્સ્ફૂતિ, ચપળતા, વાતચીતમાં મશીનગની, શરીરની ચંચળતા જળવાવાના કારણે દેવ આનંદ હંમેશ (બીજા અભિનેતાઓ સાથેની છૂપી તુલનાને કારણે) અનોખા, નિરાળા, બેજોડ રહ્યા. અલબત્ત, પાછળની એમની ફિલ્મો જોતાં લાગે કે તેમણે પોતાની સ્ટાઈલને ક્યારેક ઓવરડુકરી છે. પણ એ જેટલી દિલીપકુમારે કે રાજ કપુર, રાજકુમારે પોતપોતાની સ્ટાઈલની બાબતમાં કરી તેટલી દેવ આનંદે ના કરી.
પણ તેમણે જીવનની સૌથી મોટી મૂર્ખાઈ વિજય આનંદ સાથે છેડો ફાડવામાં કરી. મને સતત ગમતા રહેલા દેવ આનંદમાં આ એક બહુ આઘાતજનક વાત બની.
વિજય આનંદે તેમને પોતાના બેસ્ટ ડાયરેક્શનના સાચા લાભાર્થી બનાવ્યા. ગાઈડમાં આ વાત સોળે કળાએ હતી. પણ જહોની મેરા નામજેવા સાવ કોમર્શીયલ ચિત્રમાં તો એ ચોવીસેય કળાએ હતી. વિજય આનંદે એ ફિલ્મમાં દેવ આનંદની મસ્તીખોર સ્ટાઈલનો બહુ મૌલિક અને ભરપુર ઉપયોગ કર્યો હતો. (ગીત: પલ ભરકે લીયે કોઈ હમેં પ્યાર કર લે..) પણ એ સિવાય ફિલ્મના વાર્તાપ્રવાહમાં સુપર સોનિક સ્પીડનો ટ્રેન્ડસેટર પ્રયોગ કર્યો, જે એ જ કાળે રિલીઝ થયેલી ઠંડીગાર ગતિવાળી ફિલ્મ મેરા નામ જોકરની સામેના એન્કાઉન્ટરમાં બહુ નિર્ણાયક રહ્યો. જહોની મેરા નામફિલ્મ જબરદસ્ત ચાલી. જોકરમાર ખાઈ ગઈ.
દેવ આનંદ વિષે સતત એમ બોલવાની ફેશન રહી છે કે સ્ટાઈલમાં એ સુપર્બ, પણ એક્ટીંગમાં તદ્દન સામાન્ય. થોડા સમય પહેલા મારા નવજુવાન મિત્ર શિશિર રામાવતે [દેવ આનંદનું વધુ પડતું હેઈસો હેઈસો’ (ફાળકે એવોર્ડના સંદર્ભમાં) લખાતું હતું ત્યારે] એક સરસ સમતોલ લેખમાં દેવ આનંદનું સરસ મૂલ્યાંકન કરીને તેમની આડેધડ ફિલ્મો બનાવવાના ઉન્માદ વિષે સાચી, ઉચિત ટીકા કરી હતી. ખરેખર શિશિર તદૃન સાચા હતા. પણ તેમણે એમની સફળ ફિલ્મો અને એમના અભિનય વિષે કરેલી ટીપ્પણી સાથે હું સંમત થઈ શકતો નથી. શરૂઆતની થોડી ફિલ્મો પછી દેવ આનંદ જયારે એના અસલ રંગમાં આવ્યા. (એટલે કે ૧૯પર પછી) ત્યારના ગાળાની કેટલીક ફિલ્મોમાં એમનો અભિનય પણ બહુ સંવેદનાપૂર્ણ હતો. [મંઝીલ’ (૧૯૬૦), ‘દુશ્મન’ (૧૯પ૭), ‘શરાબી’ (૧૯૬૪), ‘તેરે ઘર કે સામને’ (૧૯૬૩) સરહદ’, ‘બાદબાન’ (૧૯પ૪), ‘આંધિયાં’ (૧૯પર), ‘ઝલઝલા’ (૧૯પર) અને બીજી કેટલીક ફિલ્મો.] એમાંની અમુક ફિલ્મોના દૃશ્યો ફિલ્મી સંગીત રસજ્ઞ મિત્ર અરવિંદ પટેલના સૌજન્યથી મારી પાસે છે. કોઈ સારા, બિમલ રોય જેવા દિગ્દર્શક ધારે તો દેવદાસજેવા પાત્રમાં પણ દેવ આનંદ પાસેથી સચોટ, સુરેખ અભિનય લઈ શકે તે વાતની પ્રતિતી એ દૃશ્યો જોતાં થાય છે. ગાઈડમાં આની થોડી ઝલક આપણને મળી હતી. મેં મારી એમના પરત્વેની મુગ્ધતા ઓસરી ગયા પછી મેં ફરીવાર જોયેલા દૃશ્યો પછીનો મારો આ સમ્યક અભિપ્રાય છે. માત્ર સ્ટાઈલીશ હોવાના કારણે કોઈની અભિનયક્ષમતાને જાણ્યા-પ્રમાણ્યા વગર ઓછી આંકવી તે ગોગલ્સ પછવાડે માત્ર મોતીયાવાળી કે કાણી આંખ જ હશે તેવી ધારણા બાંધી લેવા જેવું ઉતાવળીયું પગલું છે.
 ‘બાઈસિકલ થીફજોયા પછી મને બલરાજ સહાનીએ પોતાની અભિનય લઢણ ક્યાંથી લીધી હશે તે સમજાયું હતું. નસીરૂદ્દીન શાહ, બલરાજ સહાનીના ઉત્તરાધિકારી લાગે. રાજ કપુર તો ચાર્લી ચેપ્લીનની હિંદી આવૃત્તિ જ બની રહ્યા. તો દેવ આનંદે ગ્રેગરી પેકની સ્ટાઈલ અપનાવી તેવું શ્રી અરવિંદ પટેલે મને બન્નેના દૃશ્યોને અડોઅડ મૂકીને સમજાવી દીધું. પણ કોઈની સ્ટાઈલના પ્રભાવ હેઠળ હોવું એ પણ અભિનય ક્ષમતાના ઓછા માર્કસ મૂકવા માટેનું વાજબી કારણ નથી.
**** **** ****
આ લાંબા લેખના પ્રારંભમાં મારા ચિત્તના પડદા ઉપર દેવ આનંદની છબી ઉઘડવાની પ્રક્રિયા મેં થોડા આત્મકથ્યમાં કાલવીને આપી હતી. પણ એકવાર એ છબી દૃઢમૂલ થઈ ગઈ ત્યારે મારી વય પણ અંજાઈ જવાની રહી નહોતી. એટલે એકવાર પેદા થઈ ચૂકેલો ગમો (લાઈકીંગ) રહ્યો તેની ના નથી, પણ તટસ્થ મૂલ્યાંકનની વેળાએ એ ગમાને વેગળો મૂકી દેવો પડે. એ રીતે મનમાં અંકાયેલી છબીથી પૃથક થઈને થોડાંક વિધાનો મેં આમાં કર્યા છે. મારાં એ નિરીક્ષણો છે,ગૃહીતો નથી. બદલાવાને અવકાશ છે, પણ હવે એ શક્યતા નથી લાગતી, કારણ કે હવેની દેવ આનંદની ફિલ્મો હું જોતો નથી.સમય નથી એમ નહીં કહું, ઉત્સુકતા નથી એમ કહીશ. કારણ કે હવે દેવ આનંદ વધુ રોમાંચ પ્રેરી શકે તેમ લાગતું નથી. ભૂતકાળને વેગળો રાખીને દેવ આનંદના ફેનબની રહેવું હવે શક્ય જ નથીએમના વર્તમાનને નજરઅંદાઝ કર્યા વગર ચાલે તેમ નથી. અને સામે છેડે કરુણતા એ છે કે   એ હવે એ ભૂતકાળને ભૂલાવી દેવાના મરણીયા પ્રયત્નોમાં સમય વિતાવે છે.
દેવ આનંદના બે-ત્રણ શૂટિંગ્સ મેં જોયાં, જેમાં જહોની મેરા નામના જ બે-ત્રણ દ્રશ્યોના હતા. પરંતુ મિત્ર મહેશ વકીલ(સુરત)ના મિત્ર અભિનેતા દિનેશ ઠાકુર સાથે પરિચય થતાં તેમનાં ગુજરાતી જાણતાં પત્નીને માટે મેં મારી નવલકથા કુંતી આપી, 
કુંતી વિષે ચર્ચા કરતા 
જે તેમને બહુ ગમી જતાં દેવ આનંદને આપી હશે. એમને ગુજરાતી વાંચતા આવડે નહિં એટલે એક સવારે મારા ભારે આશ્ચર્ય વચ્ચે દેવ આનંદે મને જાતે લખેલો એક પત્ર મારી ઉપર આવ્યો. મારા માટે એ ભારે રોમાંચની ક્ષણ હતી. એમાં એમણે  કુંતી વિષે જાણવામાં રસ બતાવ્યો હતો અને મને મુંબઇ આવું ત્યારે મળવાનું આમંત્રણ આપ્યું હતું. માર્ચ 1996માં હું જ્યારે પત્ની-પુત્રી માટે અમેરિકાના વિઝા લેવા ગયો,ત્યારે રાત્રે નવ વાગ્યા પછી એમને ત્યાં એમની પાલી હિલની ઓફિસે અતિ લંબાણથી મળ્યો. એમણે કુંતીના રાઇટ્સમાં રસ બતાવ્યો, પણ મેં એ રાઇટ્સ નિમેષ દેસાઇને આપી દીધેલા છે એમ સમજતો હોવાથી એ આપવાની અસમર્થતા બતાવી. એ પછીની વાત તો લાંબી છે અને તે અલગ લેખમાં વિગતે લખીશ. પરંતુ એ પછી તો અમારો સંબંધ વધ્યો. મારે તેમને અવારનવાર મળવાનું બનતું રહ્યું. ક્યારેક ક્યારેક શૂટિંગ માટે લોકેશનના સ્થળોની પૃચ્છા કરતા તેમના ફોન પણ મારા પર આવતા રહ્યા. બીજા કારણોએ પણ મળવાનું બનતું રહ્યું. 

1998માં તેમની પંચોતેર વર્ષની વયે તેમની સાથે પાડેલી મારી તસ્વીર મેં અહિં ઉપર મુકી છે.એમાં તે કેવા વાઇબ્રન્ટ દેખાય છે તે જોઇ શકાશે. તે પછી છેક 2005 સુધી મેં તેમને તરવરીયા અને જેમને મળ્યા પછી આપણી બેટરી ચાર્જ થઇ જાય તેવા સ્ફૂર્તિલા અને ચંચળ જ  જોયા છે. પણ છેલ્લે આ 2011ના એપ્રિલમાં હું તેમને મળ્યો ત્યારે જોઇને ભારે નિરાશ અને દુઃખી થયો. જાણે કે એ દેવ આનંદ જ નહિ
એ મુલાકાતની નાનકડી વીડીયો ક્લીપ જુઓ. 




એમણે પાલી હિલની પોતાની આલિશાન ઇમારત વેચી કાઢીને ખારની એક ગલીમાં નાની ઓફિસ રાખી છે. નાનો એવો બે-ત્રણ જણનો જ સ્ટાફ છે. છ-બાય બાર ઇંચની લાકડાની પટ્ટી પર નવકેતન ફિલ્મ્સનું બોર્ડ છે. એક બાર બાય ચૌદ ફીટની નાની ચેમ્બરમાં મોટા ટેબલની પાછળ એ નિસ્તેજ ચહેરે બેઠેલા દેખાય છે. 
આ એ જ દેવ આનંદ? 
ટેબલ પર પુસ્તકોનો પથારો છે. અને એની બાજુમાં જ્વેલથીફ  સ્ટાઇલની ફેલ્ટ હેટ પડી છે. અગાઉ પાલી હિલની ઑફિસમાં એમને મળવાનુ થતું ત્યારે  વિદાય આપતી વેળા એ છેક લિફ્ટના દરવાજા સુધી સાથે આવતા અને ટેઇક કેર,ટેઇક કેર જેવી સૂચનાઓ આપતા. અને આ વખતેય એ વિદાય આપવા ઉભા તો થયા, પણ હવે તો વેંત જ છેટે એમની ચેમ્બરનું બારણું છે, એટલે એમણે ત્યાં ઉભા ઉભા જ હાથ ફરકાવીને વિદાય આપી, ત્યારે એમના પાતળા ખપાટ જેવા કાંડા અને જીન્સની પાછળથી લાકડી જેવા પગનો આકાર ઉપસી આવતો દેખાતો હતો.
એ તો શારીરિક ક્ષીણતાની વાત થઇ કે જેના ઉપર કોઇ માણસનો અંકુશ નથી હોતો. પણ દુઃખ તેમના ચહેરા ઉપર વ્યાપેલી ત્રસ્તતા અને થાકોડો જોઇને થયું. દેવ આનંદને એટલા નંખાઇ ગયેલા જોવા એ ભારે પીડાકારી હતું.
પાકિસ્તાની ફિલ્મ અઝરાના નૂરજહાંના ગીતની આ પંક્તિઓ યાદ આવી ગઇ
દેખેંગે ઉન્હે, દિલ કહેતા થા,
જો દેખા તો દેખા ન  ગયા.
**** **** ****
છેલ્લી વાત: એમની આત્મકથા રોમાન્સિંગ વીથ લાઈફ વિષે. દેવ આનંદ પાસેથી એમાં પોતાના આંતરિક ઘડતરની પ્રક્રિયા અને તબક્કાઓની વાતની અપેક્ષા હતી, એવું કંઈક જોઈતું હતું કે જે હિંદી ફિલ્મોના ઈતિહાસનો એક વણપ્રીછ્યો અંશ બની રહે. એવું આમાં થોડું છે પણ ખરૂં, પણ સ્ત્રીઓ સાથેના સહવાસની વાતો (જે ક્યારેક તો પોર્નોગ્રાફીની કક્ષાએ પહોંચતા પહોંચતા રહી જાય છે) ઘણી જગ્યા રોકે છે. એમાં સંયમ અને લાઘવનો અભાવ ખટકે છે.
દેવ આનંદના 1954 ના મારા પરોક્ષ દર્શન અને 2011 ના પ્રત્યક્ષ દર્શન વચ્ચે પૂરા સતાવન વર્ષોનો ગાળો છે. એમની સાથેની મૂલાકાતોની ભીતરની વાતો ફરી ક્યારેક
(સમાપ્ત)