Sunday, September 4, 2011

લોહી



        તાવ ચડે ત્યારે ટોળાબંધ વિચારો ક્યાં-ક્યાંથી ચડી આવે! વિચારોનો ચરુ ખદખદે અને એમાં સાજા અને ગાંડા બંને પ્રકારના, ક્યારેય પણ ન કર્યા હોય એવા વિચારો હોમાયા કરે, કદી પણ યાદ ન આવતા હોય એવા ચહેરાઓ યાદ આવે અને આવે એટલું જ નહિ, પણ મગજને કબજે કરી લે, તાવનો પરિતાપ એથી અનેકગણો વધી જાય.
        1948 ની સાલમાં કેશવે મારી સામે રાઈફલ તાકી હતી, એ સાવ અણધાર્યું જ યાદ આવી ગયું. એ બનાવનું કોઈ કરતાં કોઈ જ વજન નહીં માનસ પર, પણ છતાં ચિત્ર સાંગોપાંગ અંકાઈ ગયું. કોઈએ આપણી સામે રાઈફલ તાકી હતી એ બનાવનું વજન કેમ નહીં? નહીં, કેમ કે, કોઈ વેરઝેરથી તાકી નહોતી; મજાકમાં પણ નહીં. બસ તકાયેલી રાયફલ સામે આકસ્મિક રીતે જ ખભે સ્કૂલનું દફતર ભેરવેલી હાલતમાં હું ઊભો રહી ગયો હતો. એક મોટા ઓરડામાં બારણા આગળ આઠ-નવ વર્ષના કોઇ છોકરાને કેશવ કંઈ સેવાદળ કે એવી સંસ્થામાં રાઈફલ શૂટીંગ શીખવે, મારું નીકળવું અને કૂતુહલથી જોવા ઉભા રહી જવું, અને રાઈફલ પણ ભરેલી નહીં હોય, નહીં તો જેતપુરના ખોડપરા, મેઈનરોડ જેવા જાહેર રસ્તા પર કંઈ કોઈ એને તાકવા દે પણ નહિ.
મારી છાતી સામે રાઈફલને તકાયેલી જોવા છતાં હું જોવા ઊભો રહી ગયો.જિજિવિષા કરતાં  જિજ્ઞાસા પ્રબળ નીકળી.
ડાકુ ભૂપતની એ વખતે ત્યારે ભારે બીક હતી.
        મારી સાથેના છોકરાએ મને  કહ્યું : ત્યાં ક્યાં ઊભો રહ્યો ? ડાકુ ભૂપત હમણાં ફૂંકી મારશે.
જા જા હવે !’ મેં કહ્યું : એ તો કેશુભાઈ છે, કંઈ ભૂપત નથી, હોં !’
        એ વખતે હું એમના નિશાનની આડે આવતો હતો એટલે કેશવે ચિડાઈને મારી સામે જોરથી માખીને ઝાપટ મારીને ઉડાડતો હોય એમ એક હાથ વીંઝ્યો. હું ડરીને દૂર ખસી ગયો.
        તાવના ઘેનમાં આટલું યાદ આવીને ભજવાવા માંડ્યું નજર સામે. ત્યાં તો બાનો શીળો હાથ કપાળે ફર્યો. પૂછ્યું : કેમ ઊંહકારા કરે છે, ભાઇ! શાંતિથી સૂઈ જાને !’
        બા !” મેં કહ્યું : તારો ફોટો પડાવવા જવું છે ને ?’
        મારે તો કંઈ ફોટોબોટો પડાવવો નથી, હવે આ ઉમ્મરે. પછી મારી પત્ની સામે જોઈને કહે : “ઘેનમાં લવારો કરે છે. દવાનો બોજો ડોઝ આપી દેવો છે ?”
            આટલી વાતચીત કાને પડી ત્યાં કેશવ ફરી ગોઠણિયાભેર જમીન પર બેસીને રાયફલ તાકતો મનમાં તાદૃશ્ય થયો. મૂછનાં મોટાં મોટાં થોભિયાં અને રાક્ષસની જેમ વાળથી ઘેઘૂર ગાલોશિયા.કાનની બાલપટ્ટી અને દાઢીની જટાજૂટ ક્યાં એક થયા એની ખબર ન પડે. કેશવની આંખો કેશવની આંખો ન લાગે. કાળા હનુમાન પર સફેદ કોડી ઊંધી ચોડેલી હોય એવું લાગે..એ ગોઠણિયાભેર બેસતો હતો છતાં ગામના બીજા જુવાનિયાઓના માથાં સુધી પહોંચતો હતો. ઊભો થાય તો માથું ખોરડાની વંજી સાથે અથડાય ને બેચાર નળિયાં ખળભળવાનો અવાજ આવે. મારા બેચાર ગોઠિયા કહેતા હતા કે આંદામાન-નિકાબારની કાળા પાણીની જેલનું પાણી કેશવને સદી ગયું હતું. એમાં એ શરીરે આવો વકરી ગયો હતો. કેટલાં બધાં વરસ થયાં એ વાતને પણ!  અત્યારે તાવમાં આ વિચાર આવ્યો કે તરત જ આંદામાનના કાળા દરિયાનાં પાણી નજર સામે લોઢાવા માંડ્યા અને એથી માથામાં સણકા આવવા મંડ્યા.કોઇ સંબંધ ખરો એ એકબીજી ચીજને ?
        એથી મેં પડખું ફરીને બાને કહ્યું : બા, અત્યારે કેશવ ક્યાં છે, ખબર છે ?’
        બાએ મારી પત્નીને કહ્યું : મારો પીટ્યો કેશવો આને અત્યારે ક્યાંથી યાદ આવ્યો આટલે વરસે ?’ પછી મારે માથે હાથ ફેરવીને કહે : માથે ઓઢીને સૂઈ જા.... અત્યારે ક્યાં ઈ મૂવાને યાદ કરશ ?’
            ‘કેશવો કોણ ?’ મારી પત્નીએ મારી બાને પૂછ્યું.
        હતો રોયો એક અમારા જેતપુરમાં બા બોલ્યાં : સગા બાપનો ખૂની. બિચારા રામ જેવા રાજારામને સમી સાંજે ઊભી બજારે છરી હુલાવી દીધી.
        પછી વળી  સમયમાં સફર કરતાં હોય એમ આંખો બીડીને બોલ્યા : ‘ચાળીસ વરસ ઉપર થઈ ગયા.
        ધગધગતા કપાળ પર રજાઈ ઓઢ્યા છતાં મારા કાને બાના આ શબ્દો પડ્યા અને આંદામાનનો દરિયો ફરી લોઢાવા માંડ્યો. કલ્પના પણ કેવી ? કાળુંભમ્મર આકાશ અને કાળું કાળું ડામર જેવું પાણી, ઊખડી ગયેલા લાલ રંગવાળી, કટાઈ ગયેલ બોડીવાળી ચાર-છ યાંત્રિક હાલક ડોલક હોડીઓ દેખાઈ. બે-ચાર એકલદોકલ કાળી ચોકડી ચીતરેલા કપડામાં કેદી દેખાયા. એમાં કેશવ પણ ખરો. વધેલી કાળી દાઢી અને કલંકિત કાલિમાવાળું મોં, ચરૂમાં પાણી ઊકળે એમ તાવીયેલ મગજમાં આ આખું દૃશ્ય ખદબદવા માંડ્યું. બંને લમણાંમાં તપારો તપારો થઇ ગયો. માથેથી રજાઈ ફેંકી દીધી. એટલે પત્નીએ પૂછ્યું : બામ ઘસી દઉં ?’
            ‘ના. મેં કહ્યું : પણ એક કામ કર..... વાસુદેવના ઘરની બાજુમાં ફોન છે. નંબર જોને, મારી ડાયરીમાં ક્યાંક લખ્યો હશે. એને ફોન કરીને કહી દે કે મને આજે તાવ છે. બેંકે પણ ગયો નથી એટલે આજે બાનો ફોટો પડાવવા નહીં અવાય. બનશે તો કાલે યા ગમે ત્યારે પાછળથી એક દિવસ આવી જઈશું.
        પત્ની ડાયરી શોધીને ફોન કરવા ગઈ. એટલે  બાને કહ્યું: તું સમજતી નથી બા, બિચારો વાસુદેવ અઠવાડિયાથી કહ્યા કરે છે, બાનો ફોટો પાડવો છે.એક વાર લઈ આવો.આપણે જેતપુરના ને વેરાવળના આટલે વરસે ભેગા થયાં છીએ. બાને તો ત્રીસ-પાંત્રીસ વરસે જોયાં હશે. એક વાર મારા સ્ટુડિયોએ લઈ આવો.
રજનીકુમાર: એક વર્ષની ઉમરે 
        બા બોલ્યાં : બિચારો બહુ ભલો છોકરો.... એના સગ્ગાભાઈ કેશવાથી સાવ જુદો. ઓલાએ બાપને ઊભી બજારે વેતરી નાખ્યો જ્યારે આવડો આ વાસુદેવ તો એનાથી પાંચ વરસ નાનો, તોય એના બાપની પડખે ધંધામાં ઊભો રહેતો. જોને તારો પેલો એક વરસની ઉમ્મરનો ફોટો નહીં ? તે ઈ રાજારામ ડ્રોઇંગ માસ્તરને બદલે ઇ જ આવીને પાડી ગયેલો ને !’
        આટલી વાત થઇ ત્યાં એ આવી ગઈ. એના તરફ જોઈને બોલ્યા : રંજુનો ઓલો નાનો ફોટો નહીં ? ઈ વાસુદેવે જ પાડેલો, રાજારામ ડ્રોઈંગ માસ્તરના છોકરાએ.
        ફોન કર્યો. મારી પત્ની બોલી: વાસુદેવભાઈ કહે છે, ભલે તબિયત સારી થાય ત્યારે આવજો – પણ આવો ત્યારે સૌ જમવા જ આવજો.
        ફરી ટાઢ ચડી. રજાઈ ઓઢવી પડી. આંખો પર ઊંઘની થોડી થોડી ફોતરી બાઝવા માંડી, પત્ની કશુંક પૂછતી હતી. બા એને કહેતાં હતાં. એમાંથી થોડાં ત્રુટક ત્રુટક વાક્યો મારા તાવિયેલ મગજમાં ઊકળતા વિચારોના ચરુમાં આવીને પડ્યા
**** **** ****

કેશવો જુગારની લતે ચડી ગયેલો. રોજ ઊઠીને બાપ રાજારામ પાસે રૂપિયા માગે. ફાટીને ધૂમાડે ગયેલો. એકવાર રાજારામ સાંજે ઓળખીતાની દુકાને બેઠા હતા. કેશવાએ પૈસા માગ્યા. રાજારામે આનાકાની કરી. કેશવાએ કહ્યું : ગામ આખાના ફોટા પાડી પાડીને રૂપિયા પાડો છો તે કોને માટે ? આપો છો કે નહીં ? નહીં તો જોવા જેવી કરીશ. રાજારામભાઈ બોલ્યા:નહીં આપું જા, શું કરી લઈશ ?’
        જવાબમાં કેશવે છરી કાઢી ને ત્યાં જઈ બાપના પેટમાં પરોવી દીધી.
        લોહીનું ખાબોચિયું.... પોલીસ પકડી ગઈ. કેસ ચાલ્યો... જુવાન હતો એટલે ફાંસી નહીં પણ કાળા પાણીની જનમટીપ થઈ. એમને તો એમ કે ગયો જંતર વગાડતો, પણ....
        મારું મગજ તાવથી ફાટફાટ થઈ રહ્યું. બેચેની ઉભરાઈ આવી. રજાઈ એક તરફ ફેંકીને મેં જ પત્નીને કહ્યું : એ તો આપણને સ્વરાજ્ય મળ્યું ને સુડતાલીસમાં, એની ખુશાલીમાં છૂટી ગયો. પાછો જેતપુર આવ્યો. વકરીને વાઘ બની ગયો હતો. સેવાદળ કે હોમગાર્ડમાં ગામના જુવાનોને રાઈફલની તાલીમ આપવા માંડ્યો. જેતપુર ગામમાં એની એવી ધાક પડી ગઈ. બોલતાં બોલતાં મને થાક ચડ્યો અને મારી છાતી સામે તકાયેલી એની રાઈફલ યાદ આવી ગઈ.
**** **** ****
        બાનો ફોટો પાડી લીધા પછી વાસુદેવ કહે : હવે ભાઈ, એક ફોટો તમારોય પાડી લઉં  અને એક તમારો દંપતીનો....
        મેં કહ્યું : શી જરૂર છે ?’ વાણીમાં કૃત્રિમ વિવેક આવી ગયો : ચાલશે હવે, રહેવા દોને ! તાવમાં મોઢુંય જુઓને,  કેવું લેવાઈ ગયું છે ?’
        તમે એક વરસના હતા ત્યારે ફોટો પાડેલો. આજે એને ચાલીસ વરસ થયાં લગભગ. હવે પાછો હું જ તમારો ફોટો પાડું એમાં કેવો રોમાંચ થાય ?’
        એ મારી સામે ઘોડી ગોઠવીને કેમેરા એડજસ્ટ કરતો હતો ત્યાં મારાથી બોલાઈ ગયું :
        એક વાર વાસુદેવભાઈ, તમારા ભાઈ કેશવે મારી છાતી સામે આમ જ રાઈફલ તાકી હતી.
        હું ખડખડાટ હસ્યો : મજાકમાં જ હોં !’
        વાસુદેવ ઘડીભર થંભી ગયો, એક જ ક્ષણ. પછી ફરી કેમેરાનો લેન્સ બરાબર કરવા માંડ્યો. કહે : ‘એમ ને ! બાકી એ તો સાચોસાચ તાકે એવા હતા હોં !’
        હાલ એ છે ક્યાં ?’ મેં પૂછ્યું પણ વાસુદેવે કંઈ જવાબ દીધો નહિ.
        કદાચ સાંભળ્યું જ ન હોય. જાણે કદાચ આવી પૂછપરછ ગમતી ન હોય.
રજનીકુમારનાં બા હીરાબહેન:
વેરાવળના સ્ટુડીયોમાં પાડેલો  ફોટો 
        પણ બાનો હાથ ઝાલીને એ સ્ટુડિયોનો દાદરો ઉતરાવતા હતા ત્યાં બા કહે : વાસુદેવ, તારી ભાભી હમણાં છ મહિના પહેલાં જ મળી હતી હોં ! બહુ રોદણાં રેતી હતી.
        ભાભી એટલે કેશવની બૈરી? કેશવ પરણ્યો હતો? એને કોઈએ કન્યા આપી હતી? એને? આવા રાક્ષસ જેવા ખૂનીને ?’ બાને પૂછ્યું તો બા કહે : હા, જેલમાંથી છૂટીને એ હોમગાર્ડમાં રહ્યો ત્યારે વળી પરણ્યો પણ હતો. એક છોકરો પણ થયો હતો. બધાય રાન રાન ને પાન પાન.
કેમ ?’ મેં પૂછ્યું તો જવાબમાં વાસુદેવે જ કહ્યું : ભાભી નિશાળમાં નોકરી કરતી હતી. પણ કેશવભાઈ એને મારે બહુ ને ? છોકરાને મારી મારીને ધોઈ નાખે. ફેંકી દઈશ, ફૂંકી દઈશ એમ કહ્યા કરે. મૂળ રાઈફલ ચલાવતાં બહુ સારી રીતે આવડે ને !’
તે હાલ કેશવો છે ક્યાં ?’ બાએ પૂછ્યું.
બાપુજીનું આવું થયા પછી હું જેતપુર છોડીને અહીં વેરાવળ આવતો રહ્યો – ને કેશવભાઈને હોમગાર્ડમાંથી કાઢી મૂક્યા પછી એ પણ અહીં આવતા રહ્યા. હું અહીં ખરોને, એટલે !’
અહીં કરે છે શું ?’ મેં પૂછ્યું. પણ લાગે છે કે વાસુદેવે ફરીવાર બરાબર સાંભળ્યું નહિ.
વાસુદેવે બાને પૂછ્યું : જેતપુરમાં આપણા જૂના સૌ શું કરે છે ?’
વાસુદેવ ખરેખર સુખી હતો. છૈયાં-છોકરાંથી ઘર ભર્યુંભર્યું. સ્ટુડિયો બહુ સરસ ચાલતો હતો એની સાબિતી એનું ઘર આપતું હતું. રાચ-રચીલું-ફર્નિચર, સૌના ચહેરા પર સુરખી. બા બહુ રાજી થયાં. બહુ એટલે બહુ જ.
પણ થોડીવારે પાછું પૂછ્યું : કેશવો ક્યાં છે એ તો કહે, વાસુદેવ ?’
જે ગલીને છેડે વાસુદેવ સુખી નિવાસ કરતો હતો તે ગલીને બીજા છેડે એ અમને એક ખોલી પાસે લઈ ગયો. બારણું ખખડાવ્યું. તે ખખડાવતાં જ ખૂલી ગયું. કદાચ અટકાવેલું હશે. અંદરને ઉંબરે એક ક્ષીણ દેહ માથું ટેકવીને લાંબો થઈને સૂતેલો. અવાજથી યા સંચારથી ઊઠી ગયો. ઊઠ્યો ત્યારે ખબર પડી કે ઊઠવું પડ્યું એટલે એ ઊઠ્યો. કષ્ટ પડ્યું. હાડકાંનો માળો ઊભો થયો. આખો હલબલ્યો, હાથ જોડ્યા, વાસુદેવને અમારી ઓળખાણ પૂછી, જે એણે આપી. એટલે મહામહેનતે ખેંચાતી રબ્બરપટ્ટીની જેમ મોંફાડ પહોળી થઈ. તૂટેલી કમાનવાળું તીર તાકે એમ નજર તાકી અને ઢળી પડી. બાજુમાં ઓધરા ઓધરા પ્રાઈમસ અને ટીનની તપેલી પડેલી. માખીઓનું ઝુંડ બણબણે. એ તરફ નજર કરી એટલે મારાથી બોલાઈ ગયું :
નથી પીવી. નથી પીવી, કેશવભાઈ, હમણાં જ જમીને આવ્યા.
        વધુ આગ્રહ નહિં. સૂઈ જવાની રજા માગતો હોય એમ અમારા તરફ નમેલી ડોકે જોયું.
        એ બોલ્યા : સૂઈ રહે કેશવા, સૂઈ રહે.
        એના બાપનો લોહીથી લથપથ દેહ એકાએક મારી કલ્પનામાં વ્યાપી ગયો. મગજમાં લોહી લોહી થઈ ગયું. એ સાથે જ બીજા પગથિયાની જેમ કેશવાના છોકરાનો મને વિચાર આવ્યો. વાસુદેવનો ભર્યોભર્યો સંસાર ગલીને આ છેડે વસેલો હતો, તો ગલીને બીજે છેડે મરવા પડેલા આ કેશવાનો પરિવાર ?
        મેં વાસુદેવને પાછાં વળતાં પૂછ્યું : એના વાઇફ ક્યાં ?અને છોકરો?’
            વિચારમાંથી ઝબકીને એણે જવાબ આપ્યો: ભાભીના જીવ્યા-મર્યાનો કાંઇ પત્તો નથી ને છોકરો તો સાવ ઓટીવાળ... એણે ય હમણાં જાતે જ પેટમાં છરી ખાઇ લીધી. સવા વરસ થઇ ગયું,ગઇ ગોકળ આઠમના દિએ બરાબર.
અરે ! કેમ ?
પાટલા પર(જુગારમાં) હારી ગયો હતો ને, લાખો કહેતાં લાખો રૂપિયા.
ફરી મારા મગજમાં લોહી લોહી થઈ ગયું.

No comments:

Post a Comment