Monday, August 1, 2011

હેમંતકુમાર: હમ હો ગયે તુમ્હારે


મૂળ બંગાળના બીહડુ ગામના વતની પણ મોસાળ બનારસમાં 16 મી જૂન 1920 ના રોજ જન્મેલા હેમંતકુમાર કાલિદાસ મુકરજી કલકત્તામાં 26મી સપ્ટેમ્બર 1989 ના રોજ ચીરનિદ્રામાં પોઢી ગયા. જે સ્વરપેટીમાંથી એમણે એક મધુરગીતો આપ્યા. તે કંઠની જન્મદાતા સ્વરમંજુષા તે દિવસે બળીને ખાખ થઈ ગઈ.જોગાનુજોગ પણ કેવો કે એમની વિદાયના બે જ દિવસ પછી એટલે કે 28મી સપ્ટેમ્બરે, 1929માં જન્મેલી લતા મંગેશકર જેવી સંગીતક્ષેત્રની વિરાટ હસ્તીએ પોતાના જીવનના સાઠ વર્ષો  પૂરા કર્યા હતા. અને જે દેવ આનંદ માટે તેમણે થોડા પણ અવિસ્મણીય ગીતો ગાયા હતા તેમના જન્મદિવસે (દેવઆનંદની જન્મ તારીખ: ૨૬-૯-૧૯૨૩) જ હેમંતકુમારે વિદાય લીધી. ફિલ્મક્ષેત્ર માટે આઘાત અને ઉજવણીના દિવસો સાથે જ આવ્યા. હિંદી ફિલ્મજગતમાં હેમંતકુમારનો પ્રવેશ 1944 માં કલકત્તામાં બનેલી ફિલ્મ “ઈરાદા”ના કેટલાક ગીતો ગાઈને થયો.  આ ફિલ્મનું ગીત 'આરામ સે જો રાતેં' સાંભળીએ.


એમાં સંગીત હતું પંડિત અમરનાથનું. પછી 1945 માં એમણે ન્યુ થિયેટર્સના વિખ્યાત ચિત્ર હમરાહી માં બંગાળી ગીત મધુ ગંધે ભવરા ગાયું. એમની સંગીતપ્રતિભામાં સંગીતકાર કમલદાસ ગુપ્તાને બહુ રસ પડ્યો હતો. એમના આમંત્રણથી તેઓ મુંબઇ આવ્યા અને એમના જ સંગીતનિર્દેશનમાં જમીન આસમાન(1946)માં એક એકલ અને એક યુગલ (કલ્યાણી સાથે) એમ બે ગીતો ગાયાં. બન્ને ગીતો બીન-ફિલ્મી ગીતલેખનના બાદશાહ એવા ફૈયાઝ હાશમીએ લખેલા હતા. જો કે એ ગીતો  બીન ફિલ્મીગીતોમાં બેજોડ ગણાતી એ ટીમના બીન ફિલ્મી ગીતો જેટલા  અથવા જરા ય પ્રખ્યાત થયા નહિં. બાકી તો એમાં જગમોહન-કલ્યાણીના બે યુગલ ગીતો પણ હતાં. જગમોહન તો ફિલ્મોમાં ખાસ ચાલ્યા નહિં પણ હેમંતકુમાર અંતે હિંદી ફિલ્મસંગીતમાં જામી જ ગયા. એમનો પહેલો સિક્કો પડ્યો ફિલ્મ આનંદમઠથી, જેમાં એમનું પોતાનું સંગીત અને સ્વર બેઉ  હતા. વંદેમાતરમ્ની ધૂન સાંભળતાં અને એમાં એમનો સ્વર અને તારસ્વરે ખેંચાતો આલાપ સાંભળતા આજે પણ શબ્દશઃ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય છે. જય જગદીશ હરેજેવા વિશુધ્ધ સંસ્કૃતસ્તુતિગાનને કોણ વીસરી શકે ? એ જયદેવ જેવા પ્રાચીન કવિની રચના હતી.
હેમંતકુમારે એમાં  તલત મહેમૂદ અને ગીતા દત્તના સ્વરમાં કૈસે રોકોગે ઐસે તૂફાન કો જેવું અવિસ્મરણીય દ્વંદ્વગીત પણ આપ્યું છે.શૈલેન્દ્ર લિખિત આ ગીતમાં કુદરતી કામવૃત્તિ અને તેની ઉપર અંકુશના કોઇ ટેકીલા પુરુષ(પ્રદીપકુમાર)ના નિષ્ફળ પ્રયત્નની એક સ્ત્રી(ગીતા બાલી)ના કંઠે ગીતરૂપે કહેવાયેલી વાત છે. એમાં કોમળ ભાવોની અભિવ્યક્તિ કરવાની હોવાથી હેમંતકુમારે પોતાના બદલે તલત મહેમૂદના સ્વરને પસંદ કર્યો હતો.  પહેલાં એ ગીત સાંભળીએ.



(કૈસે રોકોગે ઐસે તૂફાન કો, લતા-તલત, ફિલ્મ: આનંદમઠ)


 ખેર,હેમંતકુમારની યાદગીરીમાં આપણે એમના બે  દ્વંદ્વગીતો માણીએ. એમાંથી એક તે ઉપર જણાવ્યું તે ફિલ્મ આનંદમઠ(1952)નું છે.એ બંગાળના વિખ્યાત નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની આઝાદી માટેની સશસ્ત્ર ક્રાંતિના વિષયવસ્તુ પર આધારિત નવલકથા ઉપરથી ફિલ્મિસ્તાન દ્વારા નિર્માણ પામેલું હતું. આપણું રાષ્ટ્રગીત બનવાને લાયક દેશ-સ્તુતિ ગાન વંદે માતરમ એ નવલકથાની અંદર જ હતું. ફિલ્મમાં પણ આ વંદેમાતરમનું સમુહ ગાન બે વાર રજુ થાય છે, એકવાર લતાના અને બીજી વાર હેમંતકુમારના પ્રધાનસ્વરે. ફિલ્મમાં પૃથ્વીરાજ કપુર, ગીતા બાલી, પ્રદીપકુમાર, અજિત, ભારત ભુષણ જેવા માતબર કલાકારો હતા. રાજસી ચહેરોમહોરો  ધરાવનાર બંગાળી અભિનેતા પ્રદીપકુમાર બટબ્યાલને હિંદી ફિલ્મોમાં લાવનારા હેમંતકુમાર જ. ( આગળ જતા વિશ્વજીતને પણ લઇ આવ્યા.)     
આપણે જે બીજું ગીત સાંભળી રહ્યા છીએ તે  ફિલ્મ શર્ત  (1954)નું એક અનન્ય સ્વર રચનાવાળું ગીત છે. શર્ત પણ ફિલ્મીસ્તાનનું  હતું. ગીતકાર હતા એસ.એચ.બિહારી અને સંગીત હતું, હેમંતકુમારનું પોતાનું . સ્વર તા-હેમંતનો સંયુક્ત હતો. ફિલ્મમાં મુખ્ય કલાકારો શ્યામા, દીપક મુકરજી અને શશીકલા ઉપરાંત આઈ.એસ.જોહર  હતા.હીરો દીપક મામુલી અભિનેતા સાબિત થયા. તેમની આ પહેલી ફિલ્મ છેલ્લી જ બની રહી. ફિલ્મ પણ તદ્દન ફ્લોપ રહી.પણ એના ન યે ચાંદ હોગા,ન યે તારે રહેંગેજેવાં હેમંતકુમાર અને ગીતા દત્તના અલગ અલગ સ્વરોમાં ગવાયેલા એકલ ગીતો  ચીરશ્રવણીય બની રહ્યા.આજે પણ કાર્યક્રમોમાં એ અચુક ગવાય છે. પણ આપણે જે ગીત સાંભળી રહ્યા છીએ તે છે 'દેખો વો ચાંદ છુપકે કરતા હૈ ક્યા ઈશારે'.




શબ્દો આ રહ્યા:

हे: देखो वो चाँद छुपके करता है क्या इशारे
ल: शायद ये कह रहा है, हम हो गये तुम्हारे
हो गये तुम्हारे, देखो ...
ल: उल्फ़त का आज हमने इक़रार कर लिया है
लेकिन ये कौन जाने किस्मत में क्या लिखा है
मंजिल को चल पड़े हैं तक़दीर के सहारे
हो गये तुम्हारे, देखो ...
हे: ऐसा ना हो कि हमको रस्ते में छोड़ जाओ
जाकर कहीं किसीकी दुनिया नई बसाओ
मंझधार में रहे हम, लग जाओ तुम किनारे
हो गये तुम्हारे, देखो ...
ल: दिल में सिवा तुम्हारे कोई नहीं हमारे
ये अपने दिल से पूछो क्या दिल में है तुम्हारे
देंगे मेरी गवाही कुदरत के ये नज़ारे
हो गये तुम्हारे, देखो ...


ગીતકાર એસ.એચ.બિહારી
શર્તના “ન યે ચાંદ હોગા” જેવા સુંદર ગીત કરતાં પણ આ દ્વંદ્વગીત બહુ લોકપ્રિય બન્યું હતું. કારણકે નાયકના મનમાં નાયિકાની વફાદારી વિષે ચાલતી અવઢવ અને નાયિકાની એની સામેની અપાતી ખાતરી અને પ્રતિશંકાના ભાવને જે સરળ શબ્દોમાં ગીતકારે વ્યક્ત કર્યો. તેવી જ આરોહ - અવરોહની તર્જથી સંગીતકાર હેમંતકુમારે એની ભાવાભિવ્યક્તિ આપી. એમાં “હો ગયે તુમ્હારે” માં વચ્ચે આવતા વિરામ અને પછી બે વારના પૂનરાવર્તનથી શબ્દોના અર્થને પૂરતી વાચા મળી. એમાં હેમંત અને લતા બંનેના અત્યંત સુરીલા - મોહક સ્વરોએ ચાંદનીના કેફનું નિર્માણ કર્યું અને આમ આ ગીત અમર બની રહ્યું.

મને એ પણ યાદ આવે છે કે એ દિવસોમાં 78 આરપીએમની એવી રેકોર્ડઝ પણ બહાર પાડવામાં આવતી હતી જેમાં રેકોર્ડની બન્ને તરફ એક કરતા વધુ ગીતો સમાવાયાં હોય. બન્ને તરફ ત્રણ ત્રણ ગીતોના ‘ગ્રુવ્સ’ (grooves) એટલે કે આંકા એકબીજાની અંદર સમાંતરે ગોઠવવાથી આ શક્ય બનતું હતું પણ એ પ્રયોગ બહુ સફળ થયો નહીં કારણકે સાઉંડબોક્સની અણીદાર પીનો એક ગ્રુવ પરથી બીજા ગ્રુવ પર જલ્દી સરકી જતી અને વાગતું ગીત બદલાઈ જતું .આવી રેકોર્ડઝને પઝલ રેકોર્ડ કહેવામાં આવતી “શર્ત”નું આ ગીત પણ આવી જ એક પઝલ રેકોર્ડ પર હતું, ને સાદી રેકોર્ડ પર પણ.

આ ગીત રેકોર્ડ નંબર - 50458 ઉપર છે.
આવા અમર ગીતો આપનાર  હેમંતકુમાર પાછલી અવસ્થામાં દાંત કે જીભની કોઇ તકલીફને કારણે મરડાયેલા અને સાંકડા ઉચ્ચારો અને લથડતા સ્વરને કારણે પોતાનું સ્થાન ખોઇ બેઠા. એમને હતાશાએ ઘેરી લીધા.એની વધુ વિગતો મારા પુસ્તક આપકી પરછાઇયાં(પ્રકાશક આર.આર. શેઠની કંપની.)માં છે. એમાં આલેખાયેલા એમના શબ્દચિત્રના કેટલાક અંશ એમની સાથેની મારી હજુ સુધી સચવાયેલી ઑડીઓ મુલાકાત પર આધારીત છે જે મેં 1982માં લીધી હતી. એ ઓડીઓ મૂલાકાતનો મને એમણે પૂછેલા આપ ફિલ્મ બનાઇયેના ? ક્યા આપ મુઝે લેંગે ? જેવા હતાશાભર્યા પણ સીધા તીખા સવાલવાળો અંશ મેં આ સાથે મુક્યો છે.  


(હેમંતકુમારના ઈન્ટરવ્યૂની એક ઝલક)

(પુસ્તક સિવાયની તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધેલી છે. વિડીયો ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.)

4 comments:

  1. Glad to read your post,pandyasaheb. hemantkumar had his own identity in hindifilm.he was good musician and singer too.my favourite song of hemantkumar is-tum pukar lo-film-khamoshi.I like it very much.

    ReplyDelete
  2. આભાર રજનીભાઈ , મારા પ્રિય ગાયક કલાકાર વિષે ની વાત વાંચી ને બહુ ગમ્યું,હું અમદાવાદ માં ફરજ બજાવતો હતો એ વખતે પ્રેમાભાઈ હોલ માં શ્રી હેમંતકુમાર નો એક કાર્યક્રમ સંભાળવાની એક તક મને મળેલી એની યાદ આજે તાજી થઇ. એ વર્ષ તો યાદ આવતું નથી પણ આ બહુ મજાનો અને મારા માટે યાદગાર કાર્યક્રમ હતો. સ્ટેજ ઉપર બહુ જ ઓછા સાજીંદા હતા ,તેઓ નું એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ અને સાદા સફેદ વસ્ત્રો માં પ્રભાવશાળી લાગતા હતા, એમની સાથે એક બહેન ફેમેલ વોઈસ માં એમને સાથ આપનાર હતા એ પણ સાદગીપૂર્ણ. હું ભૂલતો ન હોઉં તો એમણે આખા કાર્યક્રમ દરમ્યાન એક બિલકુલ સાદી ખુરશી પર બેસીને અને સામે બીજી એક ખુરશી પર હાર્મોનિયમ રાખીને ગીત ગાયાં હતા, ફિલ્મ સંગીત નો કાર્યક્રમ હોવા છતાં કોઈ શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ માણતાં હોઈએ એવું લાગ્યું હતું.
    --ભુપતસિંહ સરવૈયા
    સૂરત

    ReplyDelete
  3. આભાર, ભુપતભાઇ અને મિત્રો.
    પ્રેમાભાઇ હૉલના એ કાર્યક્રમમાં હું પણ હાજર હતો. જમાનામાં આ અને બીજા દરેક ગાયક-ગાયિકાઓ બહુ સાદગીથી પેશ આવતા હતા.
    રજનીકુમાર પંડ્યા

    ReplyDelete
  4. હેમંત જાની લંડન યુકેJune 13, 2016 at 1:46 PM

    લેખ વાંચીને હેમંતદા ના ગીતો સ્મરણપટપરથી એક પટ્ટી ની જેમ પસાર થઇ ગયા. આપે રૂબરૂ મળ્યા ત્યારે રોટરી કલબના લાઇવ પ્રોગ્રામ માટે તેઓશ્રી નો સંપર્ક કર્યો અને ત્યારે તેમણે જે વાત કરી હતી..." પાંચ હઝાર દીલાઓગે ? " વખતની આર્થીક સંકડામણ ની વાત યાદ આવતાં હૈયું ભરાઈ આવ્યું, રજનીભાઈ, આપે આવા અનેક કલાકારોની સાચી બાજુ તેમનાં ચાહકો અને ભાવકો સામે રજુ કરીને ખુબ ઉમદા કામ કર્યું છે. પ્રભુ તેમનાં આત્માને શાંતિ આપે.

    ReplyDelete