Saturday, July 23, 2011

જાગા શરાબખાનેમેં



પોઢ્યો સનમની સેજમાં, જાગ્યો તો પીઠામાં હતો,
ગુજરી હશે ક્યાં રાત? સાંજે તો ઉપવનમાં હતો!


અનિલ બિશ્વાસ
( કોઇ કલાકારના જીવનની કોઇ આંતરિક હોનારતની વાત બહુ કરુણા ઉપજાવનારી હોય છે. એવા કેટલાય ‘જીનીયસ’ લોકોને હું જાણું છું કે જેમને કુદરતે સતત પીડ્યા કર્યા છે. એવા એક દિગ્ગજ સંગીતકાર હતા અનિલ બિશ્વાસ. નૌશાદ પણ જેમને ગુરૂ માનતા એવા અનિલદાનું પ્રથમ સંસારજીવન અતિ વ્યથાપૂર્ણ હતું. તેમના પ્રેમલગ્નનાં પત્નિ આશાલતા(મૂળ નામ મહેરુન્નિસા) એ તેમને રંજાડવામાં કોઇ કસર નહોતી છોડી.છેવટે તેમને રીતસર પાયમાલ કરીને પછી જ તે સ્ત્રીએ તેમનો છાલ છોડ્યો.
અનિલદા જેવા સિનિયર મોસ્ટ સંગીતકારને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને છેવટે દિલ્હી જઇને આકાશવાણીની નોકરી સ્વિકારવી પડી. ખેર, અત્યારે એમની વધુ વાત નથી કરવી. પણ મારા મનમાં અનિલદાનું નામ આવ્યું એવા જ જિનિયસ’ શાસ્ત્રીય સંગીતકાર અને ઉત્કૃષ્ટ ગાયક કલાકાર દયાનંદ દેવગાંધર્વની યાદની સાથે જ જોડાઇને. અલબત્ત, અનિલદાની પાછલી જિંદગી તો મીના કપૂરના હૂંફાળા સહવાસમાં ઘણી સુખેથી વીતી, પણ દયાનંદ દેવ ગાંધર્વને તો તેમના છિન્ન-વિચ્છિન્ન લગ્નજીવને નશાની લતે ચડાવ્યા અને છેવટે એક દર-દર ભટકતા ભિખારીની દશામાં મુકી દીધા.

હું 1978 ના અંતથી 1982 ના અંત સુધી જૂનાગઢમાં હતો. ત્યારે મિત્ર વૃંદાવન સોલંકી જેવા ઉત્તમ કલાકાર મિત્ર તો મળ્યા પણ બીજા એવા કેટલાક દુઃખિયારા જીવોનો પણ ભેટો થયો કે જેઓ મારી એ જ અરસામાં શરુ થયેલી કોલમ ‘ઝબકાર;ના જીવંત પાત્રો બન્યા.તેમાંના એક દયાનંદ દેવગાંધર્વ પણ હતા. તેમને મળીને જે લેખ મેં લખ્યો હતો તે ફરીથી થોડા જરૂરી ફેરફાર સાથે અહિં મુકી રહ્યો છું.)

***** ***** *****

વાળમાં કાંસકો ફેરવવા જાઓ તો કાંસકો બટકી જાય પણ વાળ સરખા ન થાય. માથામાં છેલ્લી વાર તેલ નાખ્યાને પંદરેક વર્ષ થઈ ગયાં હશે. ચહેરાને ઉપમા આપવી હોય તો સુકાઈ ગયેલી ખોરાક સ્મરણે ચડે. અઢવાડિયા પહેલાં દાઢી કરવાનો વખત મળ્યો હશે તો આજે શા માટે નહીં મળ્યો હોય? ઘણા માણસોની ઊંચાઈ વધી જ નહીં હોય એમ લાગે, પણ આ દયાનંદ દેવગાંધર્વના મામલામાં એમ લાગે છે કે ઊંચાઈ વધ્યા પછી એકાએક ઘટી ગઈ હશે. કારણકે ખભા ખળભળીને નમી ગયા હતા. કોટ ન પહેર્યો હોય તો આ માણસ ખભા વગરનો માણસ લાગે. ટૂંકા ઝભ્ભા ઉપર ચોળાઈ ગયેલો કોટ અને નીચે પલાંઠી વાળતાં લુંગીની જેમ ઓટોગોટો વળી જાય તેવો લેંઘો પહેરવાનું માહાત્મ્ય એ ખુદ જ જાણે.
દયાનંદ દેવગાંધર્વ
આ વર્ણનમાં મારા શબ્દો વડે મેં એના ગળાને અને આંખને અડપલું એટલા માટે નથી કર્યું કે એમ કરવા જાઉં તો દેવી સરસ્વતી માફ ન કરે. કારણ કે દયાનંદ દેવગાંધર્વના ગળામાં હજી એનો વાસ અને આંખોમાં હજી એનો ઉજાસ છે, તિખારા, ભલે બુઝાઈ જવા આવેલા, પણ છે. જૂનાગઢમાં વસતા સંગીતજ્ઞ બચુભાઈ રાજાને મેં લગભગ કરગરવા જવા અવાજે કહ્યું : ‘બચુભાઈ, મારે લખવું છે આ માણસ વિષે. પણ કોઈ કશું ખાસ એના વિષે જાણતું નથી. તમે આવા પ્રખર ગાયક વિષે ન જાણતા હો એવું ન બને. મને કહો, એના વિષે કહો.’

‘લખો કે 1960 ની અખિલ ભારતીય આકાશવાણીની શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં એને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળેલો. આજના વિખ્યાત ગઝલગાયક જગજિતસિંઘ એનાથી બીજે નંબરે આવેલો. એમ પણ લખો કે એ પંડિત શિવકુમાર શુક્લનો શિષ્ય અને આમ એની ગાયકી અમાનઅલી, એટલેકે ભીંડીબજાર ઘરાનાની.

‘બચુભાઈ’ મેં કહ્યું : ‘આટલું જ જો લખીશ તો અમારા વાચકો ભારે દિલદાર છે. દયાનંદ દેવગાંધર્વની છબી એવી ચીતરશે કે જાણે ખભે ખેસ, લાંબાં ઓળેલાં ઓડિયાં, મળેલા સન્માનના અરીસા જેવા ચક્ચકિત ચહેરો, ખભે તાનપૂરો, એને મળવા માટે અગાઉથી પત્ર લખીને એપોઈન્ટમેન્ટ લેવી પડે. ઉપાડ્યો ઊપડે નહીં એવો કલાકાર....’

‘કલાકાર તો એ ઉપાડ્યો ઊપડે નહીં તેવો જ છે’ એમણે કહ્યું : ‘પણ મળવા માટે એપોઈન્ટમેન્ટની વાત કરતા હો તો ... ’ બચુભાઇનું એ હાસ્ય આજે ત્રીસ વર્ષ પછી પણ હું “રિપ્લે” કરી શકું એમ છું.

‘આજે સવારે જ મારી પાસે આવેલા.,’ મેં કહ્યું, ‘ અને ફરી આવીશ તેમ પણ એ કહેતા હતા.’

અમારી બન્નેની વચ્ચે થોડી વાર મૌન પથરાઇ રહ્યું. મેં કશું પૂછ્યું નહીં અને એ કશું બોલ્યા નહીં. અમસ્તાય એ કોઈના ય ભેદ ખોલે એવા માણસ નહોતા. પણ એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોત તો અમારી વચ્ચે નીચે મુજબ વાતચીત થઈ હોય, એવી મારી કલ્પના છે.

‘સવારે તમારી પાસે અમસ્થા જ આવ્યા હતા ?’ એમણે પૂછ્યું હોય.

‘ના’ મેં કહ્યું હોય ‘પૈસા લેવા આવ્યા હતા. ’

નશો જીવનની રાહ બની ગઈ
‘ લઈ ગયા ? કેટલા ? ’

‘એમણે વધારે માગ્યા પણ નહીં. દસ માગ્યા. રાજકોટ જવા માટે ટિકિટભાડાના આપો એમ કહીને માગ્યા. મેં આપ્યા.’ ( આ વાત 1981ની છે .એ વખતે આટલી રકમ રાજકોટ પહોંચવા માટે ઠીક હતી)

‘થયું ત્યારે’ એ બોલે: ‘ઘુમાડો થઈ ગયો તમારા એ રુપિયાનો ! ’

‘એટલે ? ’

‘ચરસ અથવા ગાંજો ’

-આટલા મૌન સંવાદ પછી હું જરા ખિન્ન તો થઇ ગયો પણ પછી વિચારની એક નાનકડી લહેરખી આવી ગઇ. દસ રૂપિયા આપીને આપણે આ જબરદસ્ત કલાકારને શું ન્યાલ કર્યો હતો ? એ રૂપિયાનું એણે જે કર્યું હોય તે. આપણે બહુ વિચાર ના કરવો કે જે હજારો રૂપિયા આપ્યા પછી કરવાનો હોય, ખેર, ત્યાંથી નીકળીને હું મારા મિત્ર અનિરુદ્ધ જાનીના સંગીતરસિયા પિતા દયાશંકરભાઈ જાની પાસે આવ્યો. મેં સવાલ પૂછ્યો તો ટેપરેકોર્ડરમાંથી માથું ઊંચું કરીને બોલ્યા ‘અદભુત !’

‘શું અદભુત ?’

‘સરગમ એની પાસે વીજળી બને છે’ ‘સંદેશ’ તા. 13-1-80 ના અંકમાં પ્રગટ થયેલા ‘બિલાવલ’ના શબ્દો ટાંકીને એ બોલ્યા : ‘સંગીતની એની સૂઝ હેરત પમાડે તેવી છે. સ્વર અને લય વચ્ચે ચીજનો શબ્દ મૂકીને એ આપણને મોહક અચંબામાં ઝબકાવે છે. દયાનંદ દેવગાંધર્વમાં સંગીતની સિકસ્થ સેન્સ છે’

‘બીજું કાંઈ ?’

‘અનેક પ્રોગ્રામોમાં એમણે ગરુડવાણી નાનો અસામાન્ય રાગ, જે સાડાનવ લાટના તાલમાં ગવાય છે તે ગાઈ બતાવ્યો છે. સાત બીટના તાલમાં એણે મીનાક્ષી તોડી પણ રજૂ કર્યો અને સંગીતની કલામાં મંદિર ચણી દીધું જોતજાતામાં. અજે પણ સંગીતના અખિલ ભારતીય રેડિયો કાર્યક્રમોમાં શ્રોતાઓ એને કાન દઈને સાંભળે છે ?’

‘પણ જાનીકાકા’ મેં કહ્યું : ‘ગઈ કાલે રાતે એણે મારા એક મિત્રને ત્યાં રાતના બે સુધી ગાયું પણ સ્વર લથડી ગયો હતો. ચૂક થઈ જતી હતી. થાકી જતા હતા. એમ લાગ્યું હતું કે એમની આંખો પ્યાસી થઈને જાણે ક્યાંક ભટકે છે. આમ શા માટે બનતું હશે ?’ હજી એમની ઉંમર શી ? વર્ષ તો બેંતાલીસ જ ને ? ’

જવાબમાં જાનીકાકા કાંઈ બોલ્યા નહીં. વ્યક્ત થયા વગરનો જવાબ માણસને ઘણી વાર અંદરથી પીડે છે. એ અંદરથી પીડાતો હતા. કદાચ એમ લાગતું હતું કે દયાનંદ દેવગાંધર્વ આ લતે કયાંથી ચડયા ? ’

જાનીકાકા પાસેથી ઊઠી આવીને હું ગિરનારના રસ્તે આવેલી રામટેકરી ઉપર ગયે।. દયાનંદ દેવગાંધર્વ ખુદ ત્યાં મળી જવાની સંભાવના હતી, પણ એ અંદરના રૂમમાં સંધ્યાટાણે સૂતા હતા. રામટેકરીના પૂજારી અને દયાનંદના પરમ પ્રશંસક મિત્ર અને આશ્રયદાતા રામનાથજી મળી ગયા. એમને મેં આ સવાલ કર્યો ત્યારે: : ‘ અગર ઉસી સવાલ કા જવાબ હમેં મિલ ગયા હો તો ઉન્હેં યે આદત છુડવા ન દેતે ? ’ એમ બોલ્યા.

જવાબ તાર્કિક હતો. અને એમાં તર્ક ઉપરાંત એક મિત્રની વેદના ગર્ભાયેલી હતી. ભીંતે ટીંગાડેલા કેસેટ પ્લેયરમાંથી મધ્ય લયમાં દયાનંદનો સ્વર અભોગી વહાવતો હતો. અને એમાં સમ પર આવી જવાની એમની આવડત અને કલા અપૂર્વ રીતે એમના ઘરાણાનો પરિચય કરાવતી.

એકાએક રામદાસજી ઊઠયા અને કેસેટપ્લયરને ધીમું કરીને બોલ્યા : ‘ દયાનંદ યહાં જૂનાગઢમેં હમેશા કહાં રહેતા હૈ કિ હમ ઉસકી લત છુડવાયેં ? યહ તો આજ યહાં તો હપ્તે બાદ આસામમેં નજર આયેગા. ઇસકે બાદ દિલ્હીમેં રેડિયો પર સે ઉસકી આવાઝ નેશનલ પ્રોગામ મેં સુનાઈ પડેગી, તો હપ્તે બાદ વો કન્યાકુમારી મેં ધૂએં નિકાલતે પડા હોગા. ’

‘ ઉનકા અપના સ્થાયી ઘર ? ’

‘ કહીં નહીં .’ રામદાસજી બોલ્યા : ‘ ઔર સબ જગહ.’ એટલામાં જ દયાનંદ દેવગાંધર્વ પોતે જ અંદરથી ઊઠીને બહાર આવ્યા. એમની આંખોમાં ઘેનના લાલ લાલ દોરા હતા. ‘કયું ? ’ મેં મશ્કરીમાં પૂછયું : ‘ રાજકોટ નહીં ગયે આપ ? ’

જવાબમાં એ કબૂલાતનામા જેવું હસ્યા અને મારા પગ પાસે બેસી ગયા.

‘અરે અરે !’ મેં ચોંકીને કહ્યું : ‘યે ક્યા કર રહે હો ! ઇતને બડે કલાકાર હોકર..’

‘રહેને દો.’ એકદમ ખરજતા સ્વરમાં એમણે કહ્યું : ‘આપ સે દસ રૂપિયે જો લિયે થે.’

કોઈ છરી મારે તોપણ કદાચ આવી વેદના ન થાય. સાંભળનારને થઈ (વાંચનારને પણ કદાચ થઈ હશે) તો બોલનારને કેટલી થઈ હશે ? દસ રૂપિયાનો ડામ આવડો મોટો પડે ? એમણે મારા ઉપર કટાક્ષ કર્યો, કે ખરેખર એ આટલી નીચી સપાટીએ ઊતરી ગયા ?

‘દયાનંદજી.’ મેં કહ્યું : ‘મેં આપકે બારેમેં મેરે કોલમમેં લિખના ચાહતા હૂં.’

‘ક્યા લિખના ચાહતે હો ?’

પેલો સવાલ મારા મોંએ આવી ગયો કે એવી તે કઈ વેદનાએ અમને આમ કીડાની જેમ અંદરથી કોરી ખાધા ? પણ મેં જોયું તો હજુ દયાનંદ દેવગાંધર્વ એ આલમમાં નહોતા. માથું હજુ ડોલતું હતું. મેં એટલે સાવ સ્થૂલ સવાલો એમને પૂછવા માંડ્યા : ‘તમારો જન્મ ક્યાં ?’ કોને ઘેર ? કેટલાં ભાઈબહેન ? સંગીતનાં સંસ્કાર કેવીરીતે ?’

‘સોલાહ માર્ચ બયાલીસમેં ઉદેપુર રાજસ્થાનમેં મેરા જન્મ. પિતાજી ઉદેપુર કે બહોત બડે રાજગાયક થે. સંગીતકા શૌક બચપન સે. સાત વર્ષ કી આયુમેં દેવદત્ત નાદમૂર્તિને સંગીતકી વિશેષ તાલીમ દી. હમ દસ ભાઈબહેન થે. હમ સબસે છોટે, શાયદ પ્યાર ભી કિસ્મત મેં સબસે છોટા આયા... ફિર ભી...’ જવાબને એકદમ ધક્કા મારીને આગળ ધકેલતા હોય એમ બોલ્યા :

‘સોલાહ સાલકી ઉમરમેં હી પિતાજી ગોપાલજી દેવ-ગાંધર્વ મુઝે બડૌદા લે ગયે. વહાં પંડિત શિવકુમાર શુક્લ મેરે ગુરુ બને. મ્યુઝિક કાલેજમેં ડિપ્લોમાં લિયા.’ એ વાત કરતાં કરતાં અંદર પડેલા ભૂતકાળના અવશેષોને તપાસવા માંડ્યા. રાષ્ટ્રપતિ એવોર્ડ અને પછી આકાશવાણી ઉપર સિદ્ધિઓની પરંપરા. પણ પછી પેટનો તકાજો. બે-ત્રણ સ્કૂલોમાં સંગીત શિક્ષક તરીકે અતુલ (વલસાડ) ની કલ્યાણી સ્કૂલમાં નોકરી – મુંબઈમાં એસ. કે. લાલભાઈ ગ્રૂપમાં કામ કર્યું – મ્યુનિસિપલ સ્કૂલમાં નોકરી કરી. કલ્યાણજીભાઈના (કલ્યાણજી આણંદજી) પુત્રને, અને હેમામાલિનીના કુટુંબમાં છોકરીઓને તાલીમ આપી. આવી તો છૂટક છૂટક અનેક નોકરીઓ કરી. વાદ્યમાં તબલાં પણ બજાવવાનું કામ કર્યું.

દયાનંદ દેવગાંધર્વ વાત કરતાં કરતાં આમ ઉપરની સપાટી ઉપર વિચરતા હતા. પણ એકાએક રામટેકરીના મંદિરમાં ઘંટારવ થયો અને એ ઊંડા ઊતરી ગયા. એમની આંખ ખૂલી ગઈ. એ બોલ્યા : ‘ફિર સબ કુછ છોડ દિયા... અકેલે મેં રહે કે સાધના શુરૂ કી... ચાણોદ કે નર્મદા કિનારે જાકે ત્રિકમજી મંદિરમેં રહા... પૂર્ણિમામેં જલસા કિયા... સંગીતકી ઘોર સાધના કી. ફિર આસામ ચલા ગયા... તેજપુર, ગોહાટી...સાત-આઠ માસ તક સીખતે હીર હે... ફિર કન્યાકુમારી, કેરાલા, પૂના, બોમ્બે, પરિભ્રમણ... પરિભ્રરણ... પરિભ્રમણ...અતૃપ્ત આત્મા કા પરિભ્રમણ...

‘જૂનાગઢ આના કૈસે હુઆ, દેવગાંધર્વજી ?’

‘બમ્બઈ મેં રહતા થા તબ વહાં એક સંગીતપ્રેમી ગૃહસ્થ રમણભાઈ મહેતા સે મુલાકાત હુઈ થી. વો રામટેકરી કી જગા કે ભક્ત થે – વો મુઝે યહાં લે આયે... ’

સંગીતમાં સિફ્તથી સમ પર આવી શકનાર દેવગાંધર્વ પોતાના જીવનના સમ પર આવી શકતા નહોતા..મેં ધીરેથી પૂછ્યું : ‘શાદીબાદી હુઈ કિ નહીં ?’

ઘંટારવ બંધ થતાં પૂજામાં બેઠેલો માણસ આંખ ખોલે એમ એમણે એમની લાલ લાલ આંખો ખોલી. પહેલી જ વાર મને એમ લાગ્યું કે એમની આંખોમાં એમનો પ્રાણ આવી ગયો છે. ઢોળાતા ગ્લાસને કોઈ સમાલી લે એમ એમણે વાણીને સમાલી લીધી, બોલ્યા : ‘સન ઈકસઠ મેં માતાપિતા કે ઘોર (ઘોરનો અહીં કયો અર્થ કરવો ?) આગ્રહ કે કારણ શાદી કી. મેરી ઉન્નીસ સાલકી ઉમ્ર થી. શાદી કા બંધન જમા નહીં, મન લગા નહીં. ટ્યૂનિંગ હુઈ નહીં... પરિસ્થિતિ અનુકૂલ નહીં હુઈ. ટૂટ ગયા. સબ ટૂટ ગયા. સબ તિતર બિતર હો ગયા. ખતમ હો ગયા. ’

‘ફિર ? ’ મેં પૂછ્યું : ‘આપ કા ઘર કહાં હૈ ?’

‘ઘર નહીં, બચ્ચા નહીં, બીવી નહીં.’ એમણે મારી સામે ડારી નાખતી આંખે જોયું :

‘ભક્તિ મેં મન લગ ગયા...નશા કિયા... જરૂર ઉસમેં ખોયા નહીં... અધ્યાત્મકલા કા સાગર અતિ ગહેરા હૈ... ખો જાના અચ્છા હૈ.’

‘આપકી આજીવિકા કા સાધન ?’

‘છોટેમોટે કાર્યક્રમ ઔર કુછ કદરદાં લોગ...’

‘કદરદાં લોગ’ પણ ક્યાં સુધી ચાલે ? બચુભાઈ રાજાએ ઓફર કરી હતી કે જૂનાગઢમાં રહીને સંગીત શીખવો. જગ્યા હું આપું. નિભાવું હું... પણ દયાનંદ દેવગાંધર્વના પગમાં પદ્મ છે. બાકી બધું છિન્નભિન્ન છે. કવિતા લખવાના રવાડે પણ ચડ્યા...એક પંક્તિ જુઓ, ‘શરાબ કી કશીશ મેરી રૂહ કો તૌબા, હરમ મેં સોયા તો જાગા શરાબખાનેમેં.’ બીજું કંઈ નહીં, ધુમાડાની આરપાર જોઈ શકો તો સંગીતનો દેવતા હજી ધખધખે છે. હું એ અનુભવતો હતો. ત્યાં પછી પાછા ઘેઘૂર આંખે મને કહે : ‘એક ઔર દસ રૂપિયા દે સકતે હૈં આપ?’ પછી અટકીને બોલ્યા : ‘પાંચ ભી ચલેંગે.’

પછી લથડિયાં ખાતા ઊભા થયા. ભીંત પાસે ગયા. પોતાનો જ કંઠ વહાવતા કેસેટ પ્લેયરને બંધ કરીને પૂછ્યું : ‘દોગે ના?’

***** ***** *****

ત્રીસ વર્ષ થયા આ સવાલને ! હજુ એનો સીધો જવાબ મનમાં આવતો નથી.પાંચ-દસ રૂપિયા એમને આપવા ? ના આપવા ? જો કે હવે એમને પણ જવાબની તલબ નથી. હવે એ નથી રહ્યા.

(નોંધ: દયાનંદ દેવગાંધર્વની આ દુર્લભ તસવીર શ્રી કર્દમ આચાર્ય દ્વારા ઉપલબ્ધ બની શકી છે, જે આ લેખ મૂકાયાના ત્રણ વરસ પછી પ્રાપ્ત થઈ છે. તેમનો વિશેષ આભાર. અન્ય તસવીર પ્રતિકાત્મક છે, જે ઈન્ટરનેટ પરથી લીધી છે.)

1 comment:

  1. Tesvi lokone aemnu tej j dazaadi de..ae niyati dayanand devgandharv ni pan.! Su lakhu? Stabdh chhu,kai j suztu nathi.dumo jane galaamaa j..

    ReplyDelete